જાણે એવી એની શક્તિ છે. એવી સર્વજ્ઞશક્તિ જેમને પ્રગટ થઈ છે એવા સર્વજ્ઞ ભગવાને જેવો પૂર્ણ આત્મા જોયો તેવા પૂર્ણ આત્માનું સ્વરૂપ તેમની ૐકાર દિવ્યધ્વનિમાં આવ્યું. તે આત્મા કેવો છે? તો પૂર્ણજ્ઞાનઘન છે. અહીં પૂર્ણ શબ્દ સૂચક છે. પૂર્ણ એટલે ત્રણકાળ ત્રણલોકના દ્રવ્ય-ગુણ-પર્યાયો જાણવાનો એનો સ્વભાવ છે. એવું જે શરીરાદિથી ભિન્ન પૂર્ણજ્ઞાનઘન આત્માનું સ્વરૂપ છે તેની દ્રષ્ટિપૂર્વક શ્રદ્ધાન થતાં સમ્યગ્દર્શન થાય છે. આવું સમ્યગ્દર્શન જીવે અનાદિથી અનંતકાળમાં પ્રગટ કર્યું નથી તેથી તેને ચાર-ગતિમાં માત્ર રખડવાનું જ થયું છે.
એથી અહીં કહે છે કે ભગવાન આત્માનું કોઈ અદ્ભૂત સ્વરૂપ છે. તેનું પૂર્ણજ્ઞાન, પૂર્ણઆનંદ, પૂર્ણ ઐશ્વર્ય, પૂર્ણ સ્વચ્છતા, પૂર્ણ પ્રકાશ આદિ અનેક (અનંત) પૂર્ણ શક્તિઓથી ભરેલું ચમત્કારિક પરિપૂર્ણ સ્વરૂપ છે. એની શાંતિની પર્યાયને કરે એવા કર્તા ગુણથી પૂર્ણ છે, એનું જે કાર્ય આનંદ આદિ થાય એવી કર્મશક્તિથી પૂર્ણ છે, જે સાધન થઈને નિર્મળદશા પ્રગટ થાય એવા સાધનગુણથી પૂર્ણ છે, જે નિર્મળતા આદિ પ્રગટે તે પોતે રાખે એવી સંપ્રદાનશક્તિથી પૂર્ણ છે, ઈત્યાદિ. સર્વજ્ઞ ભગવાનની વાણીમાં આત્માનું આવું પરિપૂર્ણ ચૈતન્યઘન સ્વરૂપ કહ્યું છે. એનું યથાર્થ શ્રદ્ધાન થવાથી જ સમ્યગ્દર્શન થાય છે, ત્યારે જ ધર્મના પંથની ઓળખાણ થાય છે.
હવે (૭મા કળશમાં) શુદ્ધનયને આધીન એટલે આત્માના પૂર્ણસ્વરૂપને જોનારી જે દ્રષ્ટિ તેને આધીન ભગવાન આત્મા પ્રગટ થાય છે. કેવો છે તે આત્મા? સમસ્ત પરદ્રવ્યોથી ભિન્ન, ઝળહળ આત્મજ્યોતિ સ્વરૂપ છે, તે પ્રગટ થાય છે.
‘अतः’ ત્યારબાદ ‘शुद्धनय–आयत्तं’ શુદ્ધનયને આધીન, પવિત્ર દ્રષ્ટિને આધીન ‘प्रत्यग्–ज्योतिः’ જે ભિન્ન આત્મજ્યોતિ છે ‘तत्’ તે ‘चकास्ति’ પ્રગટ થાય છે. શુદ્ધનયને આધીન ભિન્ન આત્મજ્યોતિ અનુભવમાં આવે છે.
કેવી છે તે આત્મજ્યોતિ? ‘नव–तत्त्व–गतत्वे अपि’ કે જે નવતત્ત્વમાં પ્રાપ્ત થવા છતાં-જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એમ નવતત્ત્વમાં વ્યાપ્ત હોવા છતાં- ‘एकत्वं’ પોતાના એકપણાને ‘न मुञ्चति’ છોડતી નથી. નવમાં રહેલી દેખાતી હોવા છતાં પોતાના શુદ્ધજ્ઞાયકભાવપણે એકપણે જ રહે છે.
જેમ કાશીઘાટનો લોટો હોય અને તેમાં પાણી ભર્યું હોય તો લોટા જેવો પાણીનો આકાર દેખાય છે, છતાં લોટાના અને પાણીના પોતપોતાના આકારો તદ્ન ભિન્ન