સમયસાર ગાથા-૧૯૦ થી ૧૯૨ ] [ ૪૩૩
પરમાર્થ વચનિકામાં આવે છે કે-આગમઅંગ જે બાહ્યક્રિયારૂપ-રાગરૂપ પ્રત્યક્ષ (સ્થૂળ) જણાય છે તેનું સ્વરૂપ સાધવું અજ્ઞાનીઓને સુગમ-સહેલું લાગે છે. તેથી દયા, દાન, પંચમહાવ્રત, તપ આદિ બાહ્ય ક્રિયા તે લોકો કરે છે અને પોતાને મોક્ષમાર્ગી માને છે. પરંતુ અંતગર્ભિત જે અધ્યાત્મરૂપ ક્રિયા તે અંતર્દ્રષ્ટિગ્રાહ્ય છે અને તેને મૂઢ જીવ જાણતો નથી. ત્રિકાળી શુદ્ધ આત્માના આશ્રયે જે નિર્મળ દશાઓ પ્રગટ થાય છે તે અધ્યાત્મનો વ્યવહાર છે અને અજ્ઞાની લોકો અંતર્દ્રષ્ટિ વિના-ભેદવિજ્ઞાન વિના તેને જાણતા નથી. તેથી તેઓ મોક્ષમાર્ગ સાધવા અસમર્થ રહે છે અર્થાત્ બાહ્યક્રિયામાં રાચતા તેઓને સંસાર-પરિભ્રમણ મટતું નથી.
પ્રવચનસાર ગાથા ૧૭૨ ના અલિંગગ્રહણના ૧૭ મા બોલમાં લીધું છે કે-યતિની શુભક્રિયાના વિકલ્પોનો જેમાં અભાવ છે એવો આત્મા અલિંગગ્રહણ છે. ત્યાં અલિંગગ્રહણ એવા શુદ્ધ આત્માની અપેક્ષાએ વાત છે. અહીં સંવરની અપેક્ષાએ વાત છે કે-પરથી -શુભાચરણથી ભિન્ન પડતાં સચ્ચિદાનંદસ્વરૂપ શુદ્ધ આત્મતત્ત્વની પ્રાપ્તિ થવી-પ્રત્યક્ષ અનુભવ થવો તે સંવર છે, યતિની બાહ્યક્રિયા-વ્રતાચરણાદિ સંવર છે વા સંવરનું કારણ છે એમ નથી.
પ્રશ્નઃ– તો શાસ્ત્રમાં પુણ્ય પરિણામરૂપ-શુભાચરણરૂપ વ્યવહારને ધર્મ કહ્યો છે?
ઉત્તરઃ– સમાધાન એ છે કે જેને સ્વભાવના આશ્રયે ધર્મ પ્રગટ થયો છે તે ધર્મી જીવને તે કાળે જે વ્રતાદિ રાગ છે તેને સહચર વા નિમિત્ત જાણી ઉપચારથી ધર્મ કહ્યો છે; ખરેખર એ ધર્મ છે એમ નથી પણ નિશ્ચય ધર્મ પ્રગટ થયો છે તેનો શુભરાગમાં આરોપ કરીને શુભરાગને વ્યવહાર ધર્મ કહેવામાં આવ્યો છે. અજ્ઞાનીને વ્યવહાર ધર્મ નથી કેમકે તેને નિશ્ચય પ્રગટ થયો નથી. એને તો જે છે તે વ્યવહારાભાસ છે.
કોઈ ઘણાં શાસ્ત્ર ભણે પણ શાસ્ત્રનું તાત્પર્ય જે વીતરાગતા તે પ્રગટ કરે નહિ તો તેને ધર્મ કેમ થાય? (ન થાય). દેવ-ગુરુ-શાસ્ત્ર પ્રત્યેના રાગ ભણી ઝુકવાનું છોડી દઈ સ્વદ્રવ્યમાં ઝુકે તો ધર્મ પ્રાપ્ત થાય અને ત્યારે દેવ-ગુરુ-શાસ્ત્ર નિમિત્ત કહેવાય. પરનું લક્ષ છોડી દઈ સ્વનું લક્ષ કરે ત્યારે જ વીતરાગતા-ધર્મ પ્રગટ થાય છે.
અનાદિથી વર્તમાન વર્તતી પર્યાય પર્યાયબુદ્ધિમાં રમી રહી છે. તે (જ્ઞાનની પર્યાય) રાગાદિમાં ઝુકેલી છે તેથી તે અંતરમાં ઝુકી શકતી નથી. પરંતુ રાગના ઝુકાવનો ત્યાગ કરી ભેદજ્ઞાન વડે જ્યારે તે અંદર ધ્રુવમાં-શુદ્ધ ચૈતન્યમાં ઝુકે છે ત્યારે ધર્મ કહો વા સંવર કહો તે પ્રગટ થાય છે. આ પ્રમાણે મહા મહિમાવંત એવું ભેદજ્ઞાન જ ધર્મ પ્રગટવાનું કારણ છે.