Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1893 of 4199

 

૪૩૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ સાક્ષાત્ સંવર પ્રગટ થાય છે. શુદ્ધ આત્માની ઉપલબ્ધિ અને નિરાકુળ આનંદદશાની પ્રાપ્તિ એક ભેદવિજ્ઞાનથી જ થાય છે. ‘भेद विज्ञानतः एव’–એમ કહ્યું છે ને?

ત્યારે કોઈ કહે કે-આ તો એકાન્ત થઈ ગયું; ભેદજ્ઞાનથી પણ થાય અને શુભાચરણથી પણ થાય એમ અનેકાન્ત કરવું જોઈએ.

તેને કહીએ છીએ કે-ભાઈ! તારું મિથ્યા અનેકાન્ત છે, ફુદડીવાદ છે. ભેદવિજ્ઞાનથી જ સંવર પ્રગટ થાય અને બીજી કોઈ રીતે (શુભાચરણથી) ન થાય એ સમ્યક્ અનેકાન્ત છે. સમજાણું કાંઈ...?

હવે કહે છે–‘तस्मात्’ માટે ‘तत् भेदविज्ञानम्’ તે ભેદવિજ્ઞાન ‘अतीव भाव्यम्’ અત્યંત ભાવવાયોગ્ય છે.

જુઓ આ ઉપદેશ! કહે છે-રાગથી ભિન્નતા અને સ્વભાવની એકતા જેમાં થાય એવું ભેદવિજ્ઞાન અત્યંત ભાવવાયોગ્ય છે અર્થાત્ ભેદવિજ્ઞાન વડે સચ્ચિદાનંદમય ભગવાન આત્માના નિરાકુળ આનંદનો સ્વાદ અત્યંત લેવા યોગ્ય છે; ભેદવિજ્ઞાન દ્વારા અંતરંગમાં નિજાનંદસ્વરૂપ અત્યંત સ્વાદ-ગ્રાહ્ય કરવા યોગ્ય છે.

ભાઈ! તને અનાદિથી રાગનો સ્વાદ છે તે ઝેરનો સ્વાદ છે. સંસારના ભોગ આદિના સ્વાદ કે પંચમહાવ્રતાદિ શુભરાગના સ્વાદ એ બધા બે-સ્વાદ છે, કષાયલા સ્વાદ છે; એમાં સ્વરૂપના આનંદનો સ્વાદ નથી. માટે એક વખત પરથી-રાગથી ભિન્ન પડી ભેદજ્ઞાન વડે અંતઃએકાગ્ર થઈ આત્માના અતીન્દ્રિય આનંદનો સ્વાદ લેવા યોગ્ય છે એમ કહે છે. ભેદવિજ્ઞાનથી જ આત્મોપલબ્ધિ થાય છે માટે તે ભેદવિજ્ઞાન જ અત્યંત ભાવવાયોગ્ય છે; રાગભાવ ભાવવાયોગ્ય નથી.

ભગવાન આત્મા આનંદસ્વરૂપ છે, જ્યારે એથી વિપરીત રાગભાવ કલુષતારૂપ-દુઃખરૂપ છે. છહઢાળામાં આવે છે ને કે-

‘‘મુનિવ્રત ધાર અનંત વાર ગ્રીવક ઉપજાયો,
પૈ નિજ આતમજ્ઞાન વિના સુખ લેસ ન પાયો.’’

ભાઈ! તું હજારો રાણીઓ છોડી, મુનિવ્રત ધારણ કરી, પંચમહાવ્રત પાળી અનંતવાર ગ્રીવકમાં ઉપજ્યો. પણ એથી શું? આત્મજ્ઞાન વિના અર્થાત્ શુદ્ધાત્માની ઉપલબ્ધિ વિના સંવર પ્રગટ થયો નહિ અને સંસાર-પરિભ્રમણનો કલેશ મટયો નહિ. કિંચિત્ સુખ ન થયું એમ કહ્યું; મતલબ કે દુઃખ જ રહ્યું. એનો અર્થ જ એ થયો કે પંચમહાવ્રતના પરિણામ પણ બધા કલેશરૂપ-દુઃખરૂપ જ રહ્યા. ભાઈ! આ વસ્તુનું સ્વરૂપ છે. આગમની વ્યવહારપદ્ધતિ જે રાગરૂપ છે તે બધી દુઃખરૂપ છે. અહા! ગજબ વાત છે. ભેદજ્ઞાનપૂર્વક સંવર પ્રગટ થાય એ જ આનંદરૂપ છે. અહો! ભેદજ્ઞાન! અહો સંવર!