૪૪૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ કહે છે-આત્મા રાગનું કારણ નથી તેમ જ રાગનું કાર્ય નથી-એ આ શક્તિનું કાર્ય છે. મતલબ કે વ્યવહાર જે રાગ છે તે કાર્ય અને આત્મા તેનો કર્તા એમ નથી. તથા વ્યવહાર જે રાગ છે તે કારણ (કર્તા) અને વીતરાગી પરિણામ એનું કાર્ય એમ પણ નથી. આમ હોવાથી વ્યવહાર કારણ અને નિશ્ચય એનું કાર્ય એમ છે નહિ. વ્યવહાર નથી એમ નહિ, વ્યવહાર છે ખરો પણ વ્યવહાર વ્યવહારના સ્થાનમાં છે, તે નિશ્ચયને ઉત્પન્ન કરે છે એમ નથી. સમજાણું કાંઈ...? માર્ગ તો આ છે બાપા!
‘અનાદિ કાળથી માંડીને જ્યાં સુધી જીવને ભેદવિજ્ઞાન નથી ત્યાંસુધી તે કર્મથી બંધાયા જ કરે છે-સંસારમાં રઝળ્યા જ કરે છે.’
જુઓ, અહીં એમ નથી કહ્યું કે વ્યવહારનું આચરણ નથી માટે જીવ અનંતકાળથી સંસારમાં રઝળે છે. અરે ભાઈ! વ્યવહારનું આચરણ કરીને તો તું અનંતવાર દ્રવ્યલિંગી થઈ નવમી ગ્રૈવેયક ગયો; પણ એથી શું? જન્મ-મરણ તો મટયાં નહિ; કેમકે ભેદવિજ્ઞાન નહોતું કર્યું.
હવે કહે છે-‘જે જીવને ભેદવિજ્ઞાન થાય છે તે કર્મથી છૂટે જ છે-મોક્ષ પામે જ છે.’ અહાહા...! રાગથી ભિન્ન સ્વાશ્રયે જેને ચૈતન્યનું ભાન થાય છે તે અવશ્ય કર્મથી છૂટી મોક્ષ પામે છે. એ જ વિશેષ ખુલાસો કરે છે-
‘માટે કર્મબંધનું-સંસારનું મૂળ ભેદવિજ્ઞાનનો અભાવ જ છે અને મોક્ષનું પ્રથમ કારણ ભેદવિજ્ઞાન જ છે. ભેદવિજ્ઞાન વિના કોઈ સિદ્ધિ પામી શકતું નથી.’ બીજી રીતે કહીએ તો સ્વાશ્રય (સ્વરૂપના આશ્રય) વિના મુક્તિ થતી નથી અને મુક્તિ થાય ત્યારે સ્વ-આશ્રયથી જ થાય છે. સ્વ-આશ્રય જ મુક્તિનું પ્રથમ સોપાન છે અને સ્વ-આશ્રયથી જ મુક્તિ છે.
અહા! આસ્રવનું યથાર્થ જ્ઞાન પણ કોને થાય? શુદ્ધ ચૈતન્યઘન એવા નિજ સ્વરૂપના આશ્રયે જે આત્મજ્ઞાન થાય છે તે જ્ઞાનમાં આસ્રવ ભિન્ન છે એમ યથાર્થ જણાય છે. તેથી જેને સમ્યગ્દર્શન-જ્ઞાન થયું છે તેને આસ્રવનું યથાર્થ જ્ઞાન થાય છે. શુદ્ધ જ્ઞાયકના આશ્રયે ભગવાન જ્ઞાયકનું અસ્તિપણે જ્ઞાન થતાં આસ્રવ મારો નથી એમ નાસ્તિપણે આસ્રવનું જ્ઞાન સ્થાપિત થઈ જાય છે, કારણ કે આત્માનો એવો જ સ્વપરપ્રકાશક સ્વભાવ છે.
જે જીવને ભેદવિજ્ઞાન થાય છે તે કર્મથી છૂટે જ છે એમ જે કહ્યું એમાં સમયસાર ગાથા ૧૧ માં વ્યવહાર અભૂતાર્થ છે અને ભૂતાર્થના આશ્રયે સમ્યગ્દર્શન થાય છે-એ વાત આવી ગઈ.