સમયસાર ગાથા-૧૯૦ થી ૧૯૨ ] [ ૪૪૧
હવે બીજી વાતઃ કે ભૂતાર્થ ત્રિકાળીના આશ્રયે સમ્યગ્દર્શન થયું એને વ્યવહારનયનો વિષય છે કે નહિ? કે પછી એકલો નિશ્ચયનો વિષય છે?
આનો ગાથા ૧૨ માં ખુલાસો કર્યો કે-તેને અપૂર્ણજ્ઞાન, અશુદ્ધતા, પ્રગટ થયેલી શુદ્ધતા એ બધો વ્યવહારનયનો વિષય છે; પણ તે, તે તે કાળે જાણેલો પ્રયોજનવાન છે (આચરેલો નહિ). પ્રયોજન બસ તે કાળે જાણવાનું છે અર્થાત્ વ્યવહારનું તે તે કાળે તેને જ્ઞાન થાય છે. પહેલા સમય કરતાં બીજા સમયે સ્થિરતા વધી ને અસ્થિરતા ઘટી, શુદ્ધતા વધી ને અશુદ્ધતા ઘટી-તેનું જ્ઞાન તે સમયે થાય છે. હવે તે જ્ઞાન જાણે છે કઈ રીતે? તો કહે છે કે તે કાળે જ્ઞાનની એવા જ પ્રકારે સ્વયં સ્વ-પરને પ્રકાશતી પર્યાય ઉત્પન્ન થાય છે. તેમાં સ્વને જાણતાં પરનું જ્ઞાન સહજ જ થઈ જાય છે. પરને જાણવું એમ કહેવું એ પણ ખરેખર વ્યવહાર છે. પરને જાણનારું જ્ઞાન પોતાની સ્વપરપ્રકાશક શક્તિથી પોતાથી જ થાય છે; રાગ છે માટે તેનું જ્ઞાન થાય છે એમ નથી. સ્વનું જ્ઞાન થતાં વ્યવહારના પડખાનું પણ યથાર્થ જ્ઞાન થઈ જાય છે. તેથી વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે એમ કહ્યું છે. સમજાણું કાંઈ...?
અહીં આ કહે છે કે-જે વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિ રાગના પરિણામથી ભેદજ્ઞાન કરે છે તે કર્મથી અવશ્ય છૂટે જ છે. ભાઈ! ભગવાન આત્મા સદા અબદ્ધસ્વરૂપ-મુક્તસ્વરૂપ છે. એવા અબંધસ્વરૂપના આશ્રયે અબંધ પરિણામ થાય અને બંધભાવના આશ્રયે તો બંધ જ થાય. બાપુ! માર્ગ તો આવો છે; તેને અંતરમાં બેસાડવો જોઈએ. તું ગમે તેમ માની લે અને સાચો પુરુષાર્થ થાય એમ કદીય બને નહિ. સમયસાર ગાથા ૧પ માં કહ્યું ને કે-જે કોઈ આત્માને અબદ્ધસ્પૃષ્ટ, ભેદ આદિ રહિત જાણે છે તે જિનશાસન છે, તે શુદ્ધ ઉપયોગ જિનશાસન છે; શુભ ઉપયોગ કાંઈ જિનશાસન નથી. શુભ ઉપયોગમાં તો પર તરફનું વલણ છે અને એમાં આત્મા જણાતો નથી તો એનાથી આત્માનુભવ કેમ થાય? મુક્તિ કેમ થાય? (ન જ થાય). હવે કહે છે-
‘અહીં આમ પણ જાણવું કે-વિજ્ઞાનાદ્વૈતવાદી બૌદ્ધો અને વેદાંતીઓ કે જેઓ વસ્તુને અદ્વૈત કહે છે અને અદ્વૈતના અનુભવથી જ સિદ્ધિ કહે છે તેમનો, ભેદવિજ્ઞાનથી જ સિદ્ધિ કહેવાથી, નિષેધ થયો.’
જુઓ, વિજ્ઞાન-અદ્વૈતવાદી બૌદ્ધો-જગત બસ વિજ્ઞાન-અદ્વૈત-એકલું વિજ્ઞાનસ્વરૂપ છે અને એના અનુભવને મુક્તિ કહે છે. તથા વેદાન્તીઓ બધું એક જ આત્મા છે એમ માને છે. તેઓને ભેદવિજ્ઞાન થાય જ નહિ કેમકે એકમાં ભેદવિજ્ઞાન કેવું? બે ભિન્ન ચીજમાં તો ભેદવિજ્ઞાન હોય. પરમાંથી ખસી સ્વમાં આવવું એનું નામ ભેદવિજ્ઞાન છે. જેઓ અદ્વૈત કહે છે અને અદ્વૈતના અનુભવથી સિદ્ધિ કહે છે તેમના મતમાં ભેદવિજ્ઞાન નથી અને તેથી સિદ્ધિ પણ નથી.