૪૪૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ જ્ઞાનમાં ભેદ નથી. તથા તે ‘शाश्वत–उद्योतम्’ જેનો ઉદ્યોત શાશ્વત છે તેવું છે. કેવળજ્ઞાન જે પ્રગટયું તેનો ઉદ્યોત શાશ્વત-અવિનશ્વર છે.
જુઓ, આ સંવરનો ક્રમ! પરના ભેદ-અભ્યાસથી આત્માની પ્રાપ્તિ થઈ તે પ્રથમ સંવર થયો અને આત્મલીનતા ક્રમે વધારી પરિપૂર્ણ લીનતા થતાં પૂર્ણ શુદ્ધતા સહિત કેવળજ્ઞાન પ્રગટ થયું, ચૈતન્યજ્યોતિનો શાશ્વત એકરૂપ ઉદ્યોત રહે તેવું જ્ઞાન પ્રગટ થયું.
આ રીતે સંવર બહાર નીકળી ગયો.
‘રંગભૂમિમાં સંવરનો સ્વાંગ આવ્યો હતો તેને જ્ઞાને જાણી લીધો તેથી તે નૃત્ય કરી બહાર નીકળી ગયો. લ્યો, સંવરનો ભેખ આવ્યો તે મોક્ષ થતાં બહાર નીકળી ગયો.
ઉજ્જ્વલ જ્ઞાન પ્રકાશ કરૈ બહુ તોષ ધરૈ પરમાતમમાંહી,
યોં મુનિરાજ ભલી વિધિ ધારત કેવલ પાય સુખી શિવ જાહીં.’’
આ કાવ્યમાં પંડિત શ્રી જયચંદજીએ આખો સંવર અધિકાર સંક્ષેપમાં કહી દીધો. ચોથે ગુણસ્થાને સમકિતીને ભેદજ્ઞાનકલા પ્રગટે છે. પરથી ભિન્ન પડતાં પવિત્ર સ્વભાવની પ્રાપ્તિ થાય છે, રાગ-દ્વેષ અને મિથ્યાત્વ નાશ પામી જાય છે અને તેથી દુષ્ટ કર્મ રોકાઈ જાય છે. ત્યાં ઉજ્જ્વલ જ્ઞાનપ્રકાશ થતાં પરમાત્મામાં (આત્મામાં) પ્રચુર અતીન્દ્રિય આનંદ પ્રગટે છે. મુનિરાજ આ રીતે ભેદવિજ્ઞાનની ભાવના વડે અતીન્દ્રિય આનંદને ધારણ કરી ક્રમે કેવલજ્ઞાન ઉપજાવી પરમ સુખમય મોક્ષને પામે છે.
આ પ્રમાણે શ્રી કુંદકુંદાચાર્યદેવ રચિત સમયસાર શાસ્ત્ર ઉપર પરમ કૃપાળુ સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીના પ્રવચનનો પાંચમો સંવર અધિકાર સમાપ્ત થયો.
[પ્રવચન નં. ૨પ૯ થી ૨૬૩ * દિનાંક ૧૨-૧૨-૭૬ થી ૧૬-૧૨-૭૬]