સમયસાર ગાથા-૧૯૦ થી ૧૯૨ ] [ ૪૪પ
હવે આવી વાત કદી સાંભળી ન હોય એટલે લોકો આ તો એકલી નિશ્ચયની વાતો છે એમ કહી એની ઉપેક્ષા કરે છે. પણ ભાઈ! નિશ્ચય એટલે જ સત્ય. ત્રિકાળ સત્યસ્વરૂપ એવા નિશ્ચય ધ્રુવ આત્માનું જ શરણ લેવા જેવું છે. વ્યવહાર હો ભલે, વ્યવહાર પોતાના સ્થાને સત્યાર્થ છે, પરંતુ તે શરણ લેવા જેવો નથી. તેવી જ રીતે નિમિત્ત પણ છે, પરંતુ એનું શરણ નથી વા તે શરણભૂત નથી.
વળી કેવું છે તે જ્ઞાન? ‘अमल–आलोकम्’ કે જેનો પ્રકાશ નિર્મળ છે, જેમાં રાગના મેલનો ભાગ નથી, જેમાં રાગની ભેળ નથી. રાગથી ભિન્ન પડેલા જ્ઞાનનો પ્રકાશ રાગરહિત નિર્મળ છે.
ભાઈ! જ્ઞાન જ્ઞાનમાં-આત્મામાં સ્થિત થાય એ જ કરવા જેવું છે. કેવી રીતે? તો કહે છે કે-‘‘પરથી ખસ, સ્વમાં વસ, ટુંકું ટચ, એટલું બસ.’’ છહઢાલામાં પણ એમ જ કહ્યું છે કે-
જન્મ-મરણથી રહિત થવાનો આ જ ઉપાય છે, બાકી તો બધાં થોથેથોથાં છે. પરમાત્મપ્રકાશમાં આવે છે કે-જે રાગને ઉપાદેય માને છે તે પોતાના શુદ્ધાત્માને હેય માનનારો મિથ્યાદ્રષ્ટિ છે અને જે શુદ્ધ આત્મસ્વભાવને ઉપાદેય માને છે તેને રાગ હેય છે.
અરે જીવ! કોઈ પુણ્યના યોગે આવું મનુષ્યપણું મળ્યું, તેમાં વળી ધર્મ સમજવાનાં ટાણાં મળ્યાં; હવે આવા ટાણે પણ આ નહિ સમજે તો ચોરાસીના અવતારમાં ઝોલાં ખાઈને કયાંય નિગોદમાં ચાલ્યો જઈશ. દુનિયા ભલે આ ચીજ માને કે ન માને, માનીને પ્રશંસા કરે વા ન માનીને નિંદા કરે; તારે એની સાથે શું કામ છે?
કોઈ તો વળી મને ઘણા શિષ્યો અને ઘણા માનનારા છે તથા મેં ઘણાં પુસ્તકો છપાવી ધર્મ પ્રચાર કર્યો-ઇત્યાદિ માની બહુ સંતુષ્ટ થાય છે, હરખાય છે. તેને કહીએ છીએ-ભાઈ! એ શિષ્યો અને પુસ્તકો કયાં તારાં છે? એ તો બધાં ભિન્ન પરદ્રવ્ય છે. શિષ્યો અને પુસ્તકો આદિ પરથી ગૌરવ કરે પણ પરથી ગૌરવ કરવું એ તો ચૈતન્યને લજ્જાસ્પદ છે, કલંક છે. જો પરથી ભિન્ન પડી સ્વનો આશ્રય કરી આનંદમાં ન આવ્યો તો એ બધી ઉપાધિ તને દુઃખનું જ કારણ છે. આત્મામાં ઠરેલું જ્ઞાન જ સુખનું-આનંદનું કારણ છે.
હવે આગળ કહે છે-વળી તે જ્ઞાન ‘अम्लानम्’ અમ્લાન છે, ક્ષાયોપશમિક જ્ઞાનની માફક કરમાયેલું-નિર્બળ નથી. છેલ્લી વાત લીધી છે ને? કેવળજ્ઞાન નિર્બળ નથી પણ સર્વ લોકાલોકને જાણનારું છે.
વળી તે ‘एकम्’ એક છે એટલે કે ક્ષયોપશમમાં જે ભેદ હતા તે ક્ષાયિક