૪૪૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ ભેદ કરીને અંદર સ્વમાં એકાગ્ર થવું તે ભેદજ્ઞાન છે અને એ ભેદજ્ઞાનની પ્રગટતા વડે સંવર- ધર્મ પ્રગટ થાય છે; આવી વાત છે. લ્યો, આમાં નિમિત્તથી અને વ્યવહારથી (ધર્મ) થાય છે એ વાત સાવ ઉડી ગઈ.
લોકો જ્યાં-ત્યાંથી વ્યવહારને ગોતે છે. હમણાં જ એક સામાયિકમાં આવ્યું હતું કે અકાળે મૃત્યુ થાય એમ ન માને તે જૂઠા છે ભાઈ! ‘અકાળ મૃત્યુ’ એ તો નિમિત્તનું કથન છે. એ તો અકસ્માત આદિથી મરનાર જીવને કર્મનાં રજકણો જ એવા બંધાયાં છે જેની યોગ્યતા એક જ સમયમાં ખરવાની હોય છે. ખરેખર તો (નિશ્ચયથી તો) દેહ જ્યારે છૂટવાનો હોય તે સમયે જ છૂટે છે, અકાળે એટલે બીજા કાળે છૂટે છે એમ નહિ. ‘અકાળ મૃત્યુ’ કહ્યું એમાં તો કાળની મુખ્યતા ન કરતાં અકસ્માત્ આદિ (અકાળ-કાળ નહિ એવા) અન્ય નિમિત્તની મુખ્યતા કરીને કથન કર્યું છે. ભાઈ! આ તો વ્યવહારનું (ઉપચારનું) કથન છે તેમ યથાર્થ સમજવું જોઈએ.
વળી બીજા કોઈ એમ કહે છે કે-ઉપાદાનનું કાર્ય ઉપાદાનમાં જ થાય પણ નિમિત્ત વિના ન થાય. તેમની આ વાત યથાર્થ નથી. કાર્ય ઉપાદાનથી થાય અને નિમિત્તથી ન થાય એમ વાત યથાર્થ છે. નિમિત્તની અપેક્ષાએ નિમિત્ત સત્ય છે પણ ઉપાદાનમાં એ કાંઈ (વિલક્ષણતા) કરે છે એમ માનવું અસત્ય છે. નિમિત્તના કારણે ઉપાદાનમાં કાંઈ પણ થાય વા ઉપાદાનમાં કાર્ય થવામાં નિમિત્તની અપેક્ષા રહે છે એવી માન્યતા વસ્તુસ્વરૂપથી વિપરીત હોવાથી અયથાર્થ છે.
હવે કહે છે-શુદ્ધતત્ત્વની ઉપલબ્ધિથી ‘रागग्राम–प्रलयकरणात्’ રાગના સમૂહનો વિલય થયો; મતલબ કે આત્મા પ્રતિ ઢળતાં વિકલ્પની ઉત્પત્તિ ન થઈ તો રાગનો વિલય-નાશ થયો એમ કહેવામાં આવ્યું છે. રાગના સમૂહનો વિલય કરવાથી ‘कर्मणां संवरेण’ કર્મનો સંવર થયો અને કર્મનો સંવર થવાથી ‘ज्ञाने नियतम् एतद् ज्ञानं उदितं’ જ્ઞાનમાં જ નિશ્ચળ થયેલું એવું આ જ્ઞાન ઉદય પામ્યું.
શું કહ્યું આ? જ્ઞાનસ્વભાવી જે આત્મવસ્તુ છે એમાં વર્તમાન જ્ઞાનપરિણતિ વડે સ્થિર થતાં જ્ઞાનમાં જ નિશ્ચળ થયેલું જ્ઞાન ઉદય પામ્યું એટલે કે શુદ્ધતા પ્રગટ થઈ. રાગમાં એકાગ્ર હતો ત્યારે અશુદ્ધતા પ્રગટ થતી હતી તે હવે રાગથી ભિન્ન પડી જ્ઞાન જ્ઞાનમાં સ્થિર થતાં શુદ્ધતા પ્રગટ થઈ. લ્યો, આ સંવર અને ધર્મ છે.
હવે, આત્મામાં નિશ્ચળ થઈ ઉદય પામેલું તે જ્ઞાન કેવું છે? તો કહે છે-‘बिभ्रत् परमम् तोषम्’ તે જ્ઞાન પરમ સંતોષને અર્થાત્ પરમ અતીન્દ્રિય આનંદને ધારણ કરે છે. જ્ઞાનની લક્ષ્મી પ્રગટ થતાં સાથે અતીન્દ્રિય આનંદ પ્રગટ થયો એમ કહે છે. અહાહા...! જ્ઞાનાનંદસ્વરૂપ આત્મામાં એકાગ્ર થતાં પ્રગટ થયેલું જ્ઞાન અતીન્દ્રિય આનંદને ધારણ કરે છે. રાગથી ભિન્ન થયો એટલે દુઃખથી ભિન્ન થયો અને ત્યારે પર્યાયમાં આનંદ-સુખ ઉછળે છે.