સમયસાર ગાથા-૧૯૩ ] [ ૯ જ્ઞાનીને રાગનો રસ નથી પણ ચૈતન્યરસની પ્રધાનતા છે. તેથી રાગની રુચિના પરિણમનના અભાવે રાગદ્વેષ નહિ થતા હોવાથી પર પદાર્થને ભોગવતાં પણ કર્મ નિર્જરી જાય છે, બંધનું નિમિત્ત થતું નથી. આવી વાત છે.
જુઓ, પરનો ઉપભોગ તો કોઈ ખરેખર કરી શકતું જ નથી. અહીં જે ‘ચેતન- અચેતન પરનો ઉપભોગ’ એમ કહ્યું છે એ તો બાહ્ય નિમિત્તનું જ્ઞાન કરાવવા કહ્યું છે. બાકી પરદ્રવ્યનો ઉપભોગ શું આત્મા કરે? (ન કરે). પરદ્રવ્યનો ઉપભોગ-એમ કહ્યું એનો અર્થ એ છે કે પરદ્રવ્ય તરફના લક્ષથી જે રાગ-દ્વેષના ભાવ થાય છે તેનો ઉપભોગ, આવા રાગ-દ્વેષના ભાવનો ઉપભોગ અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ કરે છે. અજ્ઞાનીને પરદ્રવ્યોમાં ઇષ્ટ-અનિષ્ટપણાની બુદ્ધિ છે. તેથી તેને અનુકૂળ પદાર્થોમાં રાગ અને પ્રતિકૂળ પદાર્થોમાં દ્વેષ થયા કરે છે. આવા રાગદ્વેષની હયાતીને લીધે તેને ચેતન-અચેતન દ્રવ્યોનો ઉપભોગ નવા બંધનું નિમિત્ત છે એમ કહ્યું છે.
હવે કહે છે-‘તે જ (ઉપભોગ), રાગાદિભાવોના અભાવથી સમ્યગ્દ્રષ્ટિને નિર્જરાનું નિમિત્ત જ થાય છે.’
જોયું? જે ચેતન-અચેતનનો ઉપભોગ અજ્ઞાનીને બંધનું નિમિત્ત થાય છે તે જ ચેતન-અચેતન દ્રવ્યોનો ઉપભોગ જ્ઞાનીને નિર્જરાનું નિમિત્ત જ થાય છે. કેમ? તો કહે છે કે જ્ઞાનીને રાગાદિભાવોનો અભાવ છે. જ્ઞાનીને મિથ્યાત્વસંબંધી રાગદ્વેષનો અભાવ છે. તેને રાગની રુચિ નથી અને રાગની રુચિનું પરિણમન નથી તેથી રાગાદિભાવોનો તેને અભાવ છે. તે કારણથી સમ્યગ્દ્રષ્ટિને ચેતન-અચેતન દ્રવ્યોનો ઉપભોગ નિર્જરાનું નિમિત્ત જ થાય છે, અર્થાત્ જૂનાં કર્મ ઉપભોગકાળે ખરી જાય છે. અહા! ગજબ વાત છે! અજ્ઞાનીને ઉપભોગમાં નવાં કર્મ બંધાય છે જ્યારે જ્ઞાનીને ઉપભોગમાં જૂનાં કર્મ ઝરી જાય છે. અહો! સમ્યગ્દર્શનનો કોઈ અચિંત્ય અલૌકિક મહિમા છે! લોકોને તેના પરમ અદ્ભુત મહિમાની ખબર નથી. શુદ્ધ દ્રષ્ટિના જોરમાં-હું શુદ્ધ ચિદાનંદઘન વસ્તુ છું-એવા એના આશ્રયમાં જ્ઞાનીને પરદ્રવ્યના ઉપભોગમાં રાગદ્વેષ થતા નથી એવો અલૌકિક મહિમા સમ્યગ્દર્શનનો છે.
અહીં કહ્યું ને કે-‘તે જ ઉપભોગ’ એટલે કે જે ઉપભોગ મિથ્યાદ્રષ્ટિને છે તે જ ઉપભોગ રાગાદિભાવોના અભાવથી સમ્યગ્દ્રષ્ટિને નિર્જરાનું નિમિત્ત જ છે. સમકિતીને ઉપભોગ નિર્જરાનું નિમિત્ત કહ્યું એમાં દ્રષ્ટિનું જોર છે. અહાહા...! જ્ઞાનીને ચૈતન્યસ્વભાવમાં સ્વામિત્વ વર્તે છે તેથી તેનો દ્રવ્યેન્દ્રિયો વડે ચેતન-અચેતનનો ઉપભોગ નિર્જરાનું નિમિત્ત છે. ‘उवभोगमिंदियेहिं’ એમ પાઠમાં છે ને? મતલબ કે દ્રવ્યેન્દ્રિયો વડે જ્ઞાનીને જે ઉપભોગ છે તે નિર્જરાનું નિમિત્ત છે.