સમયસાર ગાથા-૧૯૩ ] [ ૧૧ રાગદ્વેષમોહ છે જ નહિ. માટે સમ્યગ્દ્રષ્ટિ વિરાગી છે. તેને રાગનું એકત્વ નથી માટે તે વિરાગી છે.
સ્તવનમાં નથી આવતું કે-‘ભરતજી ઘરમેં વિરાગી?’ ભરત ચક્રવર્તી છ ખંડના અધિપતિ હતા. તેમને ૯૬૦૦૦ રાણીઓ, ૯૬ કરોડ પાયદળ, ૯૬ કરોડ ગામ હતાં. અપાર વૈભવ છતાં તેઓ વિરાગી હતા, કેમકે કોઈ પરવસ્તુમાં તેમને એકત્વ-મમત્વ ન હતું. આ બધી બહારની ચીજ મારી છે એમ અંતરમાં માનતા ન હતા. હું તો ચિદાનંદઘન-જ્ઞાન અને આનંદનું ઢીમ પ્રભુ આત્મા છું-એવું અનુભવમંડિત દ્રઢ શ્રદ્ધાન હતું. જ્યારે અજ્ઞાની હું જ્ઞાનમય છું એમ નહિ પણ હું રાગમય છું, પુણ્યમય છું, પાપમય છું, શરીરમય છું એમ મિથ્યા પ્રતીતિ કરે છે. આ બધી બહારની ચીજો-સ્ત્રી, દીકરા- દીકરી, ધન-સંપત્તિ આદિ-મારી છે એમ માને છે. તેથી તે રાગી છે. સમ્યગ્દ્રષ્ટિને પરમાં અને રાગમાં એકત્વ નથી તેથી તે વિરાગી છે.
‘તેને ભોગની સામગ્રી પ્રત્યે રાગ નથી. તે જાણે છે કે-“આ (ભોગની સામગ્રી) પરદ્રવ્ય છે, મારે અને તેને કાંઈ નાતો નથી; કર્મના ઉદયના નિમિત્તથી તેનો અને મારો સંયોગ-વિયોગ છે.”...’
જુઓ, શરીર, ઇન્દ્રિયો અને ભોગના વિષયરૂપ પદાર્થો એ સર્વ પ્રત્યે સમકિતીને રાગ નથી. એ તો એ સર્વને પરદ્રવ્ય જાણે છે. એ સર્વ મારાં નહિ અને હું એમનો નહિ એમ સર્વને પોતાથી ભિન્ન જાણતો તે એમ માને છે કે મારે અને તે સર્વને કાંઈ પણ નાતો-સંબંધ નથી. અહાહા...! આ ઇન્દ્રિયોને તથા શરીરને મારી સાથે કાંઈ સંબંધ નથી એમ તે જાણે છે. અરે, આ ખંડખંડરૂપ જે ભાવેન્દ્રિય છે તે પણ મારો સ્વભાવ નથી અને તેથી ભાવેન્દ્રિય સાથે પણ મને કાંઈ સંબંધ નથી એમ જ્ઞાની માને છે. આવો ધર્મનો માર્ગ બહુ સૂક્ષ્મ છે ભાઈ! જેનાથી જન્મ-મરણ રહિત થવાય તે ધર્મ છે અને તે બહુ સૂક્ષ્મ છે. બીજે તો અત્યારે વ્રત કરો ને તપ કરો ઇત્યાદિ રાગ કરવા સિવાયની ધર્મની વાત ચાલતી જ નથી!
ધર્મી જીવ તો એમ જાણે છે કે આ શરીર, ઇન્દ્રિયો અને અન્ય પદાર્થો એ સર્વ કર્મના ઉદયના નિમિત્તે મળ્યા છે અને કર્મનું નિમિત્ત ન હોતાં તેનો વિયોગ થાય છે. સામગ્રીના સંયોગ-વિયોગમાં કર્મનું નિમિત્ત છે પણ એમાં હું નિમિત્ત નથી અને એ સંયોગ-વિયોગમાં હું છું એમ પણ નથી.
હવે કહે છે-‘જ્યાં સુધી તેને ચારિત્રમોહનો ઉદય આવીને પીડા કરે છે અને પોતે બળહીન હોવાથી પીડા સહી શકતો નથી ત્યાં સુધી-જેમ રોગી રોગની પીડા સહી શકે નહિ ત્યારે તેનો ઔષધિ આદિ વડે ઈલાજ કરે છે તેમ-ભોગોપભોગ સામગ્રી વડે વિષયરૂપ ઈલાજ કરે છે;...’