૧૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭
જ્ઞાનીને ચારિત્રમોહનો ઉદય આવીને પીડા કરે છે. આનો અર્થ શું? એનો અર્થ એ કે જ્ઞાનીને ચારિત્રની અસ્થિરતાનો રાગ ઉત્પન્ન થાય છે તે વડે તેને પીડા છે. ચારિત્રમોહ તો જડ છે, તે શું પીડા કરે? પરંતુ પોતાને જે અસ્થિરતાનો રાગ છે તે પીડા કરે છે એમ અર્થ છે.
તો કર્મનો ઉદય આવીને પીડા કરે છે એમ ચોખ્ખું લખ્યું છે ને? હા, પણ ભાઈ! એ તો નિમિત્ત-પરક ભાષા છે. કર્મના ઉદયના લક્ષે જ્ઞાનીને જે રાગ થાય છે તે રાગ પીડા કરે છે તો ચારિત્રમોહનો ઉદય આવીને પીડા કરે છે એમ નિમિત્તની મુખ્યતાથી કથન કર્યું છે. કર્મનો ઉદય અને જીવને થતા વિકારના-પીડાના પરિણામ-એ બન્નેને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે પણ કર્તાકર્મ-સંબંધ નથી; સમજાણું કાંઈ? કર્મનો ઉદય કર્તા થઈને જીવને રાગ-પીડા કરે છે એમ નથી, પણ નિમિત્તના લક્ષે થયેલા રાગને કર્મના ઉદયથી થયો છે એમ કહેવામાં આવે છે.
આવો અર્થ કરવામાં શબ્દોનો અર્થ બદલાઈ જતો નથી શું? ભાઈ! શબ્દોનો અર્થ આ જ રીતે યથાર્થ થાય છે. જ્યાં હોય ત્યાં અજ્ઞાની કર્મથી રાગ થાય, કર્મથી રાગ થાય એમ માને છે; શાસ્ત્રમાંથી પણ એવાં વ્યવહારનયનાં કથનો બતાવે છે. પરંતુ ભાઈ! કઈ અપેક્ષાએ વાત છે તે યથાર્થ જાણવું જોઈએ. જુઓ, ૪૭ નય નથી કહ્યા? તેમાં ઈશ્વરનય અને અનીશ્વરનય આવે છે. ‘આત્મદ્રવ્ય ઈશ્વરનયે પરતંત્રતા ભોગવનાર છે.’ એનો અર્થ એ છે કે નિમિત્તને આધીન થવાની પોતાની પર્યાયની યોગ્યતા છે અને તેને લઈને રાગ થાય છે પણ નિમિત્તને લઈને નહિ. જ્ઞાનીને પણ જે રાગ થાય છે તે રાગ, પોતે નિમિત્તને આધીન થાય છે માટે થાય છે, પરંતુ તે રાગ નિમિત્તથી થાય છે વા નિમિત્ત રાગ કરાવે છે એમ નથી.
કહે છે-જ્ઞાનીને ચારિત્રમોહનો ઉદય પીડા કરે છે અર્થાત્ તેને જે રાગ થાય છે તે વડે તેને પીડા છે, દુઃખ છે અને પોતે બળહીન એટલે પુરુષાર્થહીન હોવાથી રાગજનિત પીડા સહી શકતો નથી. પોતે બળહીન છે એટલે કે વિશેષ વિશેષ ઉગ્ર પુરુષાર્થ કરી શકતો નથી એટલે રાગમાં જોડાઈ જાય છે અને તે રાગની પીડાને તે સહી શકતો નથી. અહા! જ્ઞાનીને અંદર રાગ આવી જાય છે અને પુરુષાર્થની વિશેષતા નહિ હોવાથી તેનું સમાધાન થતું નથી અને તેથી તેની પીડા સહન કરી શકતો નથી. માટે જેમ રોગી રોગની પીડા સહી શકતો નથી ત્યારે તેનો ઔષધાદિ વડે ઈલાજ કરે છે તેમ જ્ઞાની ભોગ- ઉપભોગસામગ્રી વડે વિષયરૂપ ઈલાજ કરે છે. જુઓ, પરદ્રવ્ય વડે આત્માનો ઈલાજ થાય છે એમ અહીં સિદ્ધ નથી કરવું, એમ છે પણ નહિ. પણ અહીં તો જ્ઞાનીને પરવશપણે રાગ થાય છે, તેની એને પીડા છે અને કમજોર હોવાથી તે સહી જતી નથી ત્યારે તે પરદ્રવ્યના-ભોગસામગ્રીના સંયોગમાં જાય છે તેથી અહીં કહ્યું