૨૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ થાય છે અને તે પરિણામ નવા દર્શનમોહનીય આદિ કર્મના બંધનું નિમિત્ત થાય છે. જે કર્મનો ઉદય આવ્યો હતો એ તો તે વખતે ખરી ગયો છે, છતાં પણ તેને તે નવા બંધનું નિમિત્ત થાય છે તે કારણે તેને નિર્જરા કહેવાતી નથી. આવો માર્ગ છે, ભાઈ!
પ્રશ્નઃ– પણ આવું બધું કયારે સમજવું? ઉત્તરઃ– હમણાં જ; ભાઈ! આ તો વિશેષ ફુરસદ લઈને સમજવા જેવું છે. લૌકિકમાં પાપના ભણતર પાછળ, M. A. , L. L. B નાં પુછડાં વળગાડવા પાછળ કેવાં વર્ષોનાં વર્ષો કાઢી નાખે છે? તો પછી આ તો જન્મ-મરણરહિત થવાની વાત! તેને ક્ય ારે સમજવી એવો તને કેમ પ્રશ્ન થાય છે? અરે ભાઈ! આ તો અંતર્મુહૂર્તમાં સમજાઈ જાય એવો તારો ભગવાન આત્મા છે. પણ રાગની રુચિથી ખસી અંતરમાં રુચિ પ્રગટ કરે તો ને! અહીં કહે છે-રાગની રુચિનું પરિણમન વિદ્યમાન હોવાથી અજ્ઞાની જીવને ઉદયમાં આવેલાં કર્મ ખરી જવા છતાં નહિ ખર્યાં થકાં નવા બંધમાં નિમિત્ત થાય છે, અને તેથી અજ્ઞાનીને નિર્જરા થતી નથી પણ બંધ જ થાય છે, હવે કહે છે-
‘પરંતુ સમ્યગ્દ્રષ્ટિને, રાગાદિભાવોના અભાવથી બંધનું નિમિત્ત થયા વિના કેવળ જ નિર્જરતો હોવાથી (ખરેખર) નિર્જયો થકો, નિર્જરા જ થાય છે.’
શું કહ્યું? જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન આત્મામાં જેને સુખબુદ્ધિ છે તેવા ધર્મી સમકિતીને રાગાદિભાવોનો અભાવ હોય છે. રાગની રુચિ નથી ને? તેથી તેને રાગાદિભાવોનો અભાવ છે. ‘ભરતેશ વૈભવ’ માં આવે છે ને કે-ભરતને અસ્થિરતાને લીધે ભોગનો જરી રાગ આવ્યો અને ભોગમાં જોડાયા, ત્યાં બાહ્ય ક્રિયા તો તે કાળે જે થવાની હતી તે તેના કારણે થઈ; પરંતુ ત્યાંથી ખસીને જેવા અંદર ગયા, ધ્યાનમાં બેઠા કે તરત જ નિરાકુળ આનંદનો અનુભવ કરવા લાગ્યા. કારણ? કારણ કે છન્નુ હજાર સ્ત્રીના ભોગકાળે પણ ભોગમાં સુખબુદ્ધિ-મીઠાશ ન હતી. આ મારગડા બહુ જુદા છે બાપા!
આત્મા તો એકલા અમૃતનો દરિયો સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન છે. તેના આનંદની અનુભૂતિ જેને થઈ તેને શાતા-અશાતાના ઉદયકાળે જરી અસ્થિરતાનું પરિણમન એક સમય પૂરતું થાય છે. પરંતુ તે કાળે તેને જે શાતા-અશાતાનું વેદન છે તેનો તે જાણનારો જ છે. જ્ઞાનનો સ્વભાવ સ્વ-પરપ્રકાશક છે ને? તેથી વેદનકાળે જે વેદન છે તેને તે જાણે જ છે. માટે જ્ઞાનીને થોડું શાતા-અશાતારૂપ વેદન છે તોપણ, તેમાં સુખબુદ્ધિ-મીઠાશ નહિ હોવાથી, તે બંધનું નિમિત્ત થયા વિના નિર્જરી જાય છે. અહો! આવી અલૌકિક વાત સાંભળવા મળવી પણ મુશ્કેલ છે.
કહે છે-સમ્યગ્દ્રષ્ટિને પોતાના સ્વભાવમાં જે આનંદ છે તેનો અનુભવ છે. વળી સાથે તેને જરીક દુઃખનો અનુભવ-સુખદુઃખની કલ્પના જે વાસ્તવિક દુઃખરૂપ છે તેનું વેદન-એક સમય પૂરતું હોય છે. પરંતુ એ બાહ્ય વેદનમાં જ્ઞાનીને સ્વામીપણું નથી,