Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1940 of 4199

 

સમયસાર ગાથા-૧૯૪ ] [ ૨૭ વેદન નવો બંધ કર્યા વિના કેવળ ખરી જાય છે. આ વાત છે. આ પહેલાંની ગાથામાં દ્રવ્યનિર્જરાની વાત હતી અને આ ગાથામાં અશુદ્ધતા (ભાવકર્મ) ખરી જાય છે એની વાત છે. આમાં તો સમકિતીનાં શ્રદ્ધાન-જ્ઞાન અને વિરાગતાનો મહિમા પ્રસિદ્ધ કર્યો છે.

ત્યારે કોઈ કહે છે-આ તે કેવો ધર્મ! દયા પાળવી, ભૂખ્યાંને અન્ન દેવું, તરસ્યાને પાણી પાવું, રોગીને ઔષધ દેવું ઇત્યાદિ કહો તો સમજાય.

અરે ભાઈ! દયા પાળવી ઇત્યાદિ રાગની ક્રિયાઓમાં તો ધૂળેય ધર્મ નથી; સાંભળને; શું અનાજ-પાણી-ઔષધ તું આપી શકે છે? એક રજકણ પણ કોણ ફેરવી શકે ને કોણ દઈ શકે? એ રજકણોનું પરિણમન તો તેના કાળે જેમ થવું હોય તેમ તેના કારણે જ થાય છે. ધન, ધાન્ય આદિ રજકણો તો જડ છે, અજીવ છે. તું જીવ શું એ અજીવનો સ્વામી છો? (ના). જો દાન કરનાર પણ એ સર્વ અજીવને (ધનાદિને) પોતાના માનીને આપે છે તો તે મિથ્યાત્વને જ સેવે છે. વળી દયા, દાન આદિ રાગભાવને પણ જે ભલો માને છે તે પણ મિથ્યાત્વને જ સેવે છે.

અહીં તો એમ કહે છે કે-જેમ જીવ અજીવનો સ્વામી નથી તેમ જ્ઞાની રાગનો પણ સ્વામી થતો નથી. દયા, દાન આદિના ભાવ જ્ઞાનીને હોય ખરા, પણ તેમાં તેને અહંબુદ્ધિ કે સ્વામીપણાની બુદ્ધિ નથી. એને તો જેમ પરમાંથી અહંબુદ્ધિ ઉડી ગઈ છે તેમ રાગના વેદનના કાળમાં, રાગના વેદનની બુદ્ધિ પણ અંતરમાંથી ઉડી ગઈ છે. આ અંતરની સૂક્ષ્મ વાત છે, ભાઈ!

સવારમાં આવ્યું હતું ને કે-મિથ્યાત્વ તે પરિગ્રહ છે. ચાહે દયા, દાન, વ્રતાદિના ભાવ હો, પણ તે રાગ છે એ રાગ મારો છે અને મને એ લાભદાયક છે એમ માનવું તે મિથ્યાત્વ છે. આવું મિથ્યાત્વ તે પરિગ્રહ છે. અજ્ઞાની જીવ આ પરિગ્રહના સેવનથી બંધાય છે. જ્યારે જ્ઞાનીને પોતાના વીતરાગ-સ્વભાવી આનંદસ્વરૂપી આત્માનો પરિગ્રહ છે, વીતરાગ પરિણતિનો તેને પરિગ્રહ છે. અહાહા...! અંદર આત્મા નિત્ય ચિદાનંદમય ભગવાન છે. તેની આનંદમય પરિણતિ થવી તે જ્ઞાનીનો પરિગ્રહ છે; તેને પૈસા રાગ, કે પુણ્યનો પરિગ્રહ નથી. છ ખંડના રાજ્યના વૈભવમાં જ્ઞાની ચક્રવર્તી રહ્યો હોય તો પણ તે એ બધાથી ઉદાસ-ઉદાસ છે. જ્ઞાનીને આવી અંતરમાં કોઈ અલૌકિક જ્ઞાન-વૈરાગ્યમય દશા હોય છે. બાપુ! લૌકિકથી આ અંતરનો માર્ગ બહુ જ જુદો છે.

લોકમાં અજ્ઞાનીઓ એમ માને છે કે અમે ધનાદિનું દાન વગેરે કરી શકીએ છીએ. પણ ભાઈ! ધનાદિની આવવા-જવાની ક્રિયા તો જડની જડમાં છે. તેમાં તું શું કરે? અરે, આ જે શરીરની ક્રિયા થાય છે તે પણ તારી નથી ને પ્રભુ! આ હાથ ઊંચો-નીચો થાય છે તે ક્રિયા જડ રજકણોની તેના કારણે થાય છે, જીવની ઇચ્છાના-વિકલ્પના કારણે થાય છે એમ નથી, ખૂબ ગંભીર વાત છે, ભાઈ!