૨૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭
પ્રશ્નઃ– તો આત્માના પ્રદેશો હાલે-ચાલે છે તેથી તો તે (હાથ) ઊંચા-નીચા થાય છે ને?
ઉત્તરઃ– ના, એમ પણ નથી. આત્માના પ્રદેશ જે હાલે-ચાલે છે તે સ્વયં તેના કારણે છે અને શરીરના પ્રદેશ જે હાલે-ચાલે છે તે તેના કારણે છે. કોઈ કોઈનાથી છે એમ છે જ નહિ. (માત્ર પરસ્પર નિમિત્ત-નૈમિત્તિકભાવ છે).
પ્રશ્નઃ– તો મોક્ષમાર્ગ પ્રકાશકમાં કહ્યું છે કે-કોઈવાર ઇચ્છા વિના પણ જડના જોરને કારણે આત્માના પ્રદેશોનું ચાલવું થાય છે? (બીજો અધિકાર).
સમાધાનઃ– આત્માના પ્રદેશો ચાલે છે તો સ્વયં પોતાથી જ, પરંતુ તે વેળા પરદ્રવ્ય (શરીર) નિમિત્ત હોય છે તો તેના જોરથી ચાલે છે એમ નિમિત્તથી ત્યાં કથન કર્યું છે. પરદ્રવ્ય (શરીરાદિ) આત્માના પ્રદેશોને કર્તા થઈને ચલાવે છે એમ ત્યાં અર્થ નથી. જુઓ, કોઈ વેળા શરીર, જીવની ઇચ્છા વિના પણ ચાલે છે અને કોઈ વેળા જીવને ઇચ્છા હોય તોપણ શરીરની ક્રિયા બનતી નથી.
પ્રશ્નઃ– પરંતુ શરીર ખસે ત્યારે જીવના પ્રદેશ પણ ખસે છે ને? ઉત્તરઃ– ભાઈ! શરીર ખસે ત્યારે પણ જીવના પ્રદેશ જે ખસે છે તે પોતાની તત્કાલિન લાયકાત-યોગ્યતાથી જ ખસે છે, શરીરના કારણે નહિ. જીવ અને અજીવ બન્ને ભિન્ન તત્ત્વ છે. શરીર અજીવતત્ત્વ છે જ્યારે આત્મા જીવતત્ત્વ છે. એક તત્ત્વનો જ્યાં બીજામાં અભાવ જ છે ત્યાં તેઓ એક બીજાને (વાસ્તવમાં ભાવપણે) શું કરે? (કાંઈ નહિ).
પ્રશ્નઃ– ત્યારે અહીં ગાથામાં તો એમ કહ્યું કે-જ્ઞાની-અજ્ઞાની પરદ્રવ્યને ભોગવે છે; અને પહેલાં ગાથા ત્રણમાં (ટીકામાં) એમ કહ્યું કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને ચુંબતું-સ્પર્શતું નથી. આમાં શું સમજવું?
સમાધાનઃ– ભાઈ! કયાં કઈ અપેક્ષાએ કથન છે તે બરાબર સમજવું જોઈએ. ગાથા ત્રણમાં તો વસ્તુની સ્થિતિ દર્શાવી છે કે કોઈ કોઈને સ્પર્શે નહિ આવું જ વસ્તુ સ્વરૂપ છે. જ્યારે અહીં જીવને કાંઈક ભોગની ઇચ્છા થઈ અને તે જ કાળે તેના નિમિત્તે શરીરાદિ પરદ્રવ્યોમાં એવી જ ક્રિયા થાય છે તેથી જીવ પરદ્રવ્યને ભોગવે છે એમ આરોપ દઈને નિમિત્તની મુખ્યતાથી કથન કર્યું છે. ખરેખર તો જ્ઞાની કે અજ્ઞાની પરદ્રવ્યને ભોગવતો જ નથી, તે તો રાગના વેદનને ભોગવે છે. વળી શુદ્ધ નિશ્ચયથી તો રાગ પણ પરદ્રવ્ય છે. અહા! આવું સાંભળવાની અને સમજવાની કોને ફુરસદ છે? પણ ભાઈ! જીવન જાય છે જીવન! જો સમજણ ન કરી તો જીવન પૂરું થઈ જશે અને કયાંય ચોરાસીના અવતારમાં-ભવસમુદ્રમાં ગોથાં ખાતો ચાલ્યો જઈશ કે પત્તો જ નહિ લાગે.