સમયસાર ગાથા-૧૯૪ ] [ ૨૯
‘પરદ્રવ્ય ભોગવતાં, કર્મના ઉદયના નિમિત્તે જીવને સુખરૂપ અથવા દુઃખરૂપ ભાવ નિયમથી ઉત્પન્ન થાય છે.’
સુખરૂપ કે દુઃખરૂપ જે અવસ્થા થાય છે તે તો પોતાની પર્યાય પોતાના (અશુદ્ધ) ઉપાદાનથી થાય છે. કર્મના ઉદયના નિમિત્તે તે થાય છે એમ જે કહ્યું એ તો નિમિત્તનું જ્ઞાન કરાવવા કહ્યું છે એમ સમજવું. હવે કહે છે-
‘મિથ્યાદ્રષ્ટિને રાગાદિકને લીધે તે ભાવ આગામી બંધ કરીને નિર્જરે છે તેથી તેને નિર્જર્યો કહી શકાતો નથી; માટે મિથ્યાદ્રષ્ટિને પરદ્રવ્ય ભોગવતાં બંધ જ થાય છે.’
શું કહ્યું? કે મિથ્યાદ્રષ્ટિને રાગની રુચિ છે, પ્રેમ છે. તેને રાગ-દ્વેષ-મોહના પરિણામ હયાત છે. તેથી કર્મના ઉદયના નિમિત્તે જે ભોગના ભાવ થાય છે, સુખ-દુઃખના પરિણામ થાય છે તે આગામી બંધ કરીને નિર્જરે છે. અજ્ઞાનીને જે સુખ-દુઃખનું વેદન થાય છે તેમાં તે સ્વામીપણે પ્રવર્તતો હોવાથી તેને રાગ-દ્વેષ થાય છે અને તેથી તેને નવો બંધ થાય છે. તે કારણે નિર્જર્યો હોવા છતાં તે નિર્જર્યો કહી શકાતો નથી એમ અહીં કહ્યું છે. માટે મિથ્યાદ્રષ્ટિને પરદ્રવ્ય ભોગવતાં બંધ જ થાય છે, નિર્જરા નહિ.
હવે કહે છે-‘સમ્યગ્દ્રષ્ટિને રાગાદિક નહિ હોવાથી આગામી બંધ કર્યા વિના જ તે ભાવ નિર્જરી જાય છે તેથી તેને નિર્જર્યો કહી શકાય છે; માટે સમ્યગ્દ્રષ્ટિને પરદ્રવ્ય ભોગવતાં નિર્જરા જ થાય છે. આ રીતે સમ્યગ્દ્રષ્ટિને ભાવનિર્જરા થાય છે.’
શું કીધું આ? કે ધર્મી જીવની દ્રષ્ટિ આનંદના નાથ ભગવાન આત્મા ઉપર છે. તેથી કર્મના ઉદયના નિમિત્તે જરી સુખ-દુઃખનું વેદન એક સમય પૂરતું થાય છે, પણ તેને રાગદ્વેષમોહનો અભાવ છે તેથી તે વેદનનો ભાવ બંધ કર્યા વિના જ નિર્જરી જાય છે તેથી તે ખરેખર નિર્જર્યો છે એમ કહેવામાં આવે છે. અજ્ઞાનીને પણ તે ભાવ નિર્જર્યો તો છે જ, પણ તે નવો બંધ કરીને નિર્જર્યો છે તેથી નિર્જર્યો કહેવાતો નથી જ્યારે જ્ઞાનીને તે જ ભાવ બંધ કર્યા વિના નિર્જરી જાય છે તેથી તેને ખરેખર તે ભાવની નિર્જરા થઈ ગઈ એમ કહેવાય છે. આવી વાત છે.
પ્રશ્નઃ– પોતે બોલે છે એવું પ્રત્યક્ષ દેખાય છે અને કહે છે કે આત્મા બોલે નહિ; આત્મા બોલતો નથી તો શું ભીંત બોલે છે?
ઉત્તરઃ– બાપુ! તને ખબર નથી, ભગવાન! આ જે અવાજ નીકળે છે તે અહીં જે શબ્દવર્ગણાના પરમાણુઓ પડયા છે તેનું પરિણમનરૂપ કાર્ય છે. અરે, આ જે હોઠ હલે છે તેના કારણે અવાજ નીકળે છે એમ પણ નથી તો તે જીવનું કાર્ય તો કેમ હોય? તું સંયોગને જ માત્ર દેખે છે તેથી જીવ બોલે છે એમ પ્રત્યક્ષ દેખાય છે એમ કહે છે પણ એમ છે નહિ. ભાઈ! અહીં વીતરાગશાસનમાં તો વાતે-વાતે દુનિયાથી ફેર