૩૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ છે. જીવ અને અજીવ બે તત્ત્વો જ સ્વરૂપથી ભિન્ન ભિન્ન છે તો પછી જીવ અજીવ-તત્ત્વનું શું કરે? જીવ અજીવને કાંઈ કરે છે એમ છે જ નહિ.
પ્રશ્નઃ– પરંતુ જીવતત્ત્વ આસ્રવતત્ત્વ અને બંધતત્ત્વને કરે છે એમ તો છે ને? ઉત્તરઃ– એ જુદી વાત છે. એ તો જીવની પર્યાયની વાત છે. આસ્રવતત્ત્વના પરિણામ જીવની પર્યાયમાં થાય છે ને! તેથી તે જીવ કરે છે એમ કહ્યું. જ્ઞાનીને પણ જે આસ્રવભાવ છે તે જીવનું પરિણમન છે, પરંતુ કર્મના નિમિત્તથી થાય છે માટે તેને પર કહ્યું છે. વળી રાગમાં જીવ પોતે અટકયો છે તેથી બંધતત્ત્વ પણ જીવનું છે એમ કહ્યું છે. બંધથી જુદો પાડી, અબંધતત્ત્વમાં લઈ જવા માટે બંધને જીવતત્ત્વ કહ્યું છે. જેમ મોક્ષતત્ત્વ છે, સંવર-નિર્જરા તત્ત્વ છે તેમ આસ્રવ-બંધ પણ, ભલે છે ક્ષણિક તોપણ, તત્ત્વ છે એમ દર્શાવ્યું છે. તેમાં એક ત્રિકાળી ધ્રુવ ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા ઉપાદેય છે, બાકી સાતે તત્ત્વ ક્ષણવિનાશી આશ્રય કરવાયોગ્ય નહિ હોવાથી હેય છે. આવું સમ્યક્ શ્રદ્ધાન જેને થયું છે તે સમ્યગ્દ્રષ્ટિ છે અને રાગાદિકભાવો નહિ હોવાથી આગામી બંધ કર્યા વિના જ વેદનમાં આવતા જે તે સુખ-દુઃખના-ભોગના ભાવ નિર્જરી જાય છે અને તે જ યથાર્થમાં નિર્જરા છે. માટે સમ્યગ્દ્રષ્ટિને પરદ્રવ્ય ભોગવતાં નિર્જરા જ થાય છે. જુઓ, આ પંડિત શ્રી જયચંદજીએ ભાવાર્થ કહ્યો છે. પહેલાંની ગાથામાં જ્ઞાનીને દ્રવ્ય નિર્જરાનું કથન કહ્યું હતું અને આ ગાથામાં ભાવનિર્જરા કહી છે, ઇતિ.
હવે આગળની ગાથાઓની સૂચનારૂપ શ્લોક કહે છેઃ-
‘किल’ ખરેખર ‘तत् सामर्थ्यं’ તે સામર્થ્ય ‘ज्ञानस्य एव’ જ્ઞાનનું જ છે ‘वा’ અથવા ‘विरागस्य एव’ વિરાગનું જ છે ‘यत्’ કે ‘कः अपि’ કોઈ (સમ્યગ્દ્રષ્ટિ જીવ) ‘कर्म–भुज्जानः अपि’ કર્મને ભોગવતો છતો ‘कर्मभिः न बध्यते’ કર્મોથી બંધાતો નથી!
શું કહે છે? કે સમ્યગ્દ્રષ્ટિ જીવ કર્મને ભોગવતો હોવા છતાં કર્મોથી બંધાતો નથી! ભારે અચરજની વાત! પણ એમ જ છે. અહાહા...! જ્ઞાનીને અંતરમાં જે શુદ્ધ ચૈતન્યસ્વભાવી આત્માના આશ્રયે જ્ઞાન અને વૈરાગ્ય પ્રગટ થયાં છે તેનું કોઈ એવું આશ્ચર્યકારી અદ્ભુત સામર્થ્ય છે કે જ્ઞાની કર્મને ભોગવતો હોવા છતાં તેમાં મોહભાવને પામતો નથી અને તેથી જેને નવાં કર્મ બંધાતાં નથી. અહીં જ્ઞાન એટલે ક્ષયોપશમ જ્ઞાનની વાત નથી, અને વૈરાગ્ય એટલે સ્ત્રી-કુટુંબ પરિવારને છોડીને વૈરાગી થઈ જાય એ વૈરાગ્યની વાત નથી. જ્ઞાન એટલે ત્રિકાળી શુદ્ધ પૂર્ણાનંદનો નાથ પ્રભુ પૂરણસ્વરૂપ જે આત્મા તેનું જ્ઞાન અને વૈરાગ્ય કહેતાં જેમાં અશુદ્ધતાનો- રાગનો અભાવ થયો છે તે વૈરાગ્ય. સમકિતીને આવાં જ્ઞાન-વૈરાગ્યની આશ્ચર્યકારી શક્તિ પ્રગટ થઈ હોય છે જેના કારણે તે કર્મને ભોગવવા છતાં કર્મથી બંધાતો નથી.