Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1952 of 4199

 

સમયસાર ગાથા-૧૯૬ ] [ ૩૯ વિષયોને સેવતો છતો પણ [ज्ञानवैभव–विरागता–बलात्] જ્ઞાનવૈભવના અને વિરાગતાના બળથી [विषयसेवनस्य स्वं फलं] વિષયસેવનના નિજફળને (-રંજિત પરિણામને) [न अश्नुते] ભોગવતો નથી-પામતો નથી, [तत्] તેથી [असौ] (પુરુષ) [सेवकः अपि असेवकः] સેવક છતાં અસેવક છે (અર્થાત્ વિષયોને સેવતાં છતાં નથી સેવતો).

ભાવાર્થઃ–જ્ઞાન અને વિરાગતાનું એવું કોઈ અચિંત્ય સામર્થ્ય છે કે જ્ઞાની ઇંદ્રિયોના વિષયોને સેવતો હોવા છતાં તેને સેવનારો કહી શકાતો નથી, કારણ કે વિષયસેવનનું ફળ જે રંજિત પરિણામ તેને જ્ઞાની ભોગવતો નથી-પામતો નથી. ૧૩પ.

*
સમયસાર ગાથા ૧૯૬ઃ મથાળું

હવે વૈરાગ્યનું સામર્થ્ય બતાવે છેઃ- જોયું? શું કહે છે? કે ભગવાન આત્માની અંતર્દ્રષ્ટિ કરતાં જે જ્ઞાન પ્રગટ થયું અને સાથે અતીન્દ્રિય આનંદનું જે વેદન થયું તેના સામર્થ્યને લીધે જ્ઞાનીને કર્મનો ઉદય બંધ કર્યા વિના જ ખરી જાય છે એમ પહેલાં અસ્તિથી કહ્યું. હવે વૈરાગ્યનું સામર્થ્ય કહે છે. વૈરાગ્ય એટલે કોઈ લુગડાં ફેરવી નાખે વા નગ્ન થઈ જાય તે વૈરાગ્ય એમ નહિ; પણ અનાદિથી રાગમાં-પુણ્યના પરિણામમાં રક્ત હતો તે એનાથી નિવર્તતાં વિરક્ત થયો તે વૈરાગ્ય છે. પોતાની પૂર્ણ અસ્તિની રુચિ થતાં જ્ઞાની રાગથી વિરક્ત થઈ જાય તેનું નામ વૈરાગ્ય છે. આવા પુણ્ય-પાપના ભાવથી વિરક્તિરૂપ જે વૈરાગ્ય તેનું સામર્થ્ય બતાવતાં હવે ગાથા કહે છેઃ-

* ગાથા ૧૯૬ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘જેમ કોઈ પુરુષ, મદિરા પ્રત્યે જેને તીવ્ર અરતિભાવ પ્રવર્ત્યો છે એવો વર્તતો થકો, મદિરાને પીતાં છતાં પણ, તીવ્ર અરતિભાવના સામર્થ્યને લીધે મત્ત થતો નથી,...’

શું કહ્યું? કે જો કોઈ પુરુષને મદિરા પ્રતિ તીવ્ર અરતિભાવ થયો છે અર્થાત્ અંશમાત્ર પણ એમાં રતિભાવ વર્તતો નથી તો તે પુરુષ મદિરાને પીતાં છતાં પણ મત્ત થતો નથી. આ તો ન્યાય આપે છે હોં કે મદિરાને પીતાં છતાં પણ મત્ત થતો નથી, બાકી મદિરા ન પીવે તે મત્ત-ઘેલો ન થાય એ જુદી વાત છે. અહીં તો મદિરા પ્રતિ અત્યંત અરતિભાવ છે ને? એ અરતિભાવનું સામર્થ્ય છે કે મદિરા પીવા છતાં મૂર્છાઈ જતો નથી, મત્ત-ગાંડો-પાગલ થતો નથી એમ કહે છે. મદિરામાં જેને રસ વા રતિભાવ છે તે મદિરાને લઈને અવશ્ય ગાંડો થઈ જાય છે. પરંતુ જેને મદિરા પ્રત્યે અત્યંત અરતિભાવ છે તે મદિરા પીવા છતાં તેને મદ ચડતો નથી, આ દ્રષ્ટાંત કહ્યું, હવે કહે છે-