સમયસાર ગાથા-૧૯૬ ] [ ૪૧
જ્ઞાનીને-સ્વદ્રવ્યના રસિક જીવને રાગાદિભાવનો રસ-સર્વદ્રવ્યોના ઉપભોગનો રસ ઉડી ગયો હોય છે અર્થાત્ સર્વદ્રવ્યો પ્રતિ તેને તીવ્ર વૈરાગ્યભાવ પ્રગટ થયો હોય છે. ધર્મીને રાગ મરી ગયો હોય છે તેથી વિષયોને ભોગવતો છતો તીવ્ર વૈરાગ્યભાવના સામર્થ્યને લીધે તે કર્મોથી બંધાતો નથી.
ભાવાર્થઃ– એ વૈરાગ્યનું સામર્થ્ય છે કે જ્ઞાની વિષયોને સેવતો છતો પણ કર્મોથી બંધાતો નથી.
હવે આ અર્થનું અને આગળની ગાથાના અર્થની સૂચનાનું કાવ્ય કહે છેઃ-
‘यत्’ કારણ કે ‘ना’ આ (જ્ઞાની) પુરુષ ‘विषयसेवने अपि’ વિષયોને સેવતો છતો પણ ‘ज्ञानवैभव–विरागता–बलात्’ જ્ઞાનવૈભવના અને વિરાગતાના બળથી ‘विषयसेवनस्य स्वं फलं’ વિષયસેવનના નિજફળને (-રંજિત પરિણામને) ‘न अश्नुते’ ભોગવતો નથી -પામતો નથી.
શું કહે છે? કે આ જ્ઞાની પુરુષ... , પુરુષ એટલે આત્મા, ભલે પછી તે દેહથી સ્ત્રી હો કે પુરુષ. દેહ કયાં આત્મા છે? આ દેહ કાંઈ આત્મા નથી. આત્મા તો દેહથી ભિન્ન ચૈતન્યમય ચીજ છે. આવા આત્માનું જેને અંતરમાં ભાન થયું છે તે જ્ઞાની પુરુષ છે. કોઈ બહુ શાસ્ત્ર ભણ્યો હોય માટે તે જ્ઞાની છે એમ નહિ, પણ આત્માનું જેને જ્ઞાન થયું છે તે જ્ઞાની છે; અંદર જ્ઞાનાનંદસ્વભાવી પોતાની પૂરણ ચીજ છે તેનો અંતઃસ્પર્શ કરીને જેણે અતીન્દ્રિય આનંદનો અનુભવ કર્યો અને પોતાની પૂરણ ચીજની પ્રતીતિ કરી તે જ્ઞાની છે, સમકિતી છે, ધર્મી છે. અહીં કહે છે-આવો જ્ઞાની પુરુષ વિષયોને સેવતો છતો જ્ઞાનવૈભવના અને વિરાગતાના બળથી વિષયસેવનના નિજફળને ભોગવતો નથી.
અહાહા...! શુદ્ધ ચૈતન્યમૂર્તિ ભગવાન આત્માનું જેને અંદરમાં ભાન થયું તે જ્ઞાનીને જ્ઞાનવૈભવનું બળ હોય છે. તેને અંદર શુદ્ધ ચૈતન્યની પ્રતીતિ અને અતીન્દ્રિય આનંદનું વેદન થયાં છે ને? તે એનો જ્ઞાનવૈભવ છે. વળી તેને સર્વ પરદ્રવ્યો પ્રતિ ઉદાસીનતાના ભાવરૂપ વિરાગતાનું બળ હોય છે. આ પ્રમાણે જ્ઞાનવૈભવના અને વિરાગતાના બળથી જ્ઞાની વિષયોને સેવતો છતો વિષયસેવનના નિજફળને અર્થાત્ રંજિત પરિણામને ભોગવતો નથી-પામતો નથી. નિજફળ એટલે વિષયસેવનનું ફળ શું? તો કહે છે-રાગથી રંજિત પરિણામ તે વિષયસેવનનું ફળ છે. જ્ઞાની તે રાગના પરિણામને ભોગવતો નથી કેમકે તે રાગ-અશુદ્ધતા પ્રતિ ઉદાસીન છે અને પૂર્ણાનંદસ્વરૂપ પ્રભુ આત્માની અસ્તિનું તેને વેદન છે. આવી વ્યાખ્યા! અજ્ઞાનીને કઠણ લાગે એટલે બૂમો પાડે કે-નવો ધર્મ કાઢયો છે, પણ બાપુ! માર્ગ તો અનાદિથી આ જ છે.