Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1957 of 4199

 

૪૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭

અનાસક્તિથી કરવું એ તો વિપરીત વાત છે. કરવાનો અભિપ્રાય તો મિથ્યાત્વ છે, અને કરવું અને અનાસક્તિ બે સાથે રહી શકતાં નથી, હોઈ શકતાં નથી. સમજાણું કાંઈ...?

અહીં કહે છે-જ્ઞાની પુરુષ સેવક છતાં અસેવક છે. મતલબ કે જે વિષય-સેવનનો ભાવ આવ્યો છે તે આવ્યો છે તેથી જ્ઞાની સેવે છે પણ એમાં એને રસ નથી માટે તે અસેવક છે એમ કહ્યું છે. જેમ કમળાના દર્દીને બહુ દુર્ગંધ મારતી દવા લેવી પડે છે પણ એમાં એને રસ નથી તેમ ધર્મીને રાગમાં રસ નથી. અજ્ઞાનીને રાગમાં રસ છે, રુચિ છે, મીઠાશ છે. જ્યારે જ્ઞાનીને રાગમાં રસ નથી, રુચિ નથી, મીઠાશ નથી. માટે જ્ઞાની સેવક છતાં અસેવક છે.

પ્રશ્નઃ– શું જ્ઞાની વિષયોને સેવવા છતાં નથી સેવતો? આવી વાત કેમ બેસે? આ તો આપ જ્ઞાનીનો બચાવ કરો છો.

ઉત્તરઃ– બાપુ! એમ નથી, ભાઈ! વસ્તુનું સ્વરૂપ જ આવું છે. જેમ કોઈ માતા ૪૦ વર્ષની હોય અને દીકરો ૨૦ વર્ષનો હોય તો શું તે માતાના શરીરના અંગોપાંગને વિકારથી જુએ છે! ના. આંખ તો શરીર પર પડે છે પણ જેમ ભીંતને જુએ તેમ તેને જુએ છે. તેને રસ તો માતાનો-જનેતાનો છે અને તે રસમાં, જોવાના રાગનો-વિકારનો રસ ઉડી ગયો છે. આખી દ્રષ્ટિમાં જ ફેર છે. તેમ જ્ઞાની ધર્માત્મા પરને દેખતાં છતાં જાણે કાંઈ દેખતો જ નથી, સામાન્ય-સામાન્ય દેખે છે. માટે ધર્મીને વિષયને સેવતો છતાં અસેવક કહેવામાં આવ્યો છે. તેને આત્માના આનંદના રસ આગળ રાગનો રસ ઉડી ગયો છે તેથી તેને સેવતો છતાં અસેવક કહ્યો છે.

* કળશ ૧૩પઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘જ્ઞાન અને વિરાગતાનું એવું કોઈ અચિંત્ય સામર્થ્ય છે કે જ્ઞાની ઇન્દ્રિયોના વિષયોને સેવતો હોવા છતાં તેને સેવનારો કહી શકાતો નથી, કારણ કે વિષયસેવનનું ફળ જે રંજિત પરિણામ તેને જ્ઞાની ભોગવતો નથી-પામતો નથી.’

અહીં જ્ઞાન એટલે આત્મજ્ઞાન. વ્યવહારનું જ્ઞાન કે શાસ્ત્રનું જ્ઞાન તે જ્ઞાન એમ અહીં અર્થ નથી. ચિદ્ બ્રહ્મસ્વરૂપ નિજ પરમાત્મદ્રવ્યને લક્ષ કરીને જે જ્ઞાન પ્રગટ થયું તે આત્મજ્ઞાનની અહીં વાત છે. અને વિરાગતા એટલે અશુદ્ધતા તરફથી પાછા ખસી જવું. પોતાના અસ્તિત્વનું જ્ઞાન તે અસ્તિ અને અશુદ્ધતાથી ખસવું તે નાસ્તિ. અહીં કહે છે-આ જ્ઞાન અને વિરાગતાનું કોઈ અચિંત્ય એટલે અકલ્પ્ય સામર્થ્ય છે કે જ્ઞાની વિષયોને સેવતો છતો સેવનારો કહી શકાતો નથી.

‘શ્રી નિહાલચંદ સોગાની’ એ એક વાર પોતાના પુત્રોને કહ્યું હતું કે-ભાઈ! મારું મન હવે બધેથી ઊઠી ગયું છે. હવે મને કશામાં-પરદ્રવ્યમાં રસ રહ્યો નથી.