સમયસાર ગાથા-૧૯૬ ] [ ૪૩ એ તો ઉપચાર કરીને કહેવામાં આવ્યું છે. તને એમ લાગે છે કે જ્ઞાનાવરણીયથી જ્ઞાન રોકાઈ ગયું છે, પરંતુ બાપુ! જ્ઞાનાવરણીય તો જડ છે અને તેનો ઉદય પણ જડ છે. જડ આત્માને અડે નહિ અને આત્મા-જડને અડે નહિ તો પછી જડ આત્માને શું કરે? જ્ઞાનને કેમ રોકે? ભાઈ! ખરી વાત તો એમ છે કે જ્યારે જ્ઞાનની હીણી દશા સ્વયં પોતાના ભાવકર્મથી થાય છે ત્યારે જ્ઞાનાવરણીયને નિમિત્ત કહેવામાં આવે છે.
પ્રશ્નઃ– જો નિમિત્તથી કાંઈ પણ ન થાય તો ભગવાનના દર્શનથી સારા-ઉજ્જ્વળ પરિણામ થાય છે એ વાત ઉડી જાય છે.
ઉત્તરઃ– ભાઈ! ભગવાનના દર્શનથી સારા-ઉજ્જ્વળ પરિણામ થાય છે એમ છે જ નહિ. એ તો જેને શુભ પરિણામ થાય છે તેને નિમિત્તથી-ભગવાનના દર્શનથી થયા એમ (ઉપચારથી) કહેવાય છે. અન્યથા ભગવાનની પ્રતિમા પર તો ઈયળ ખાઈને ચકલી પણ બેસે છે. જો પ્રતિમાજીથી શુભ પરિણામ થતા હોય તો તે ચકલીને પણ થવા જોઈએ; પણ એમ છે નહિ.
અહીં વાત એમ છે કે-આત્માના આનંદના રસનો રસિક જે થયો તે જ્ઞાનીને જ્ઞાનવૈભવનું અને વિરાગતાનું પીઠબળ છે. તેને હવે અન્યત્ર કયાંય રસ ઉપજતો નથી. ઇન્દ્રના કે ચક્રવર્તીના ભોગમાં પણ તે રસવિહીન ઉદાસીન થઈ ગયો છે. ‘तत्’ તેથી ‘असौ’ આ (પુરુષ) ‘सेवकः अपि असेवकः’ સેવક છતાં અસેવક છે. શુદ્ધ ચૈતન્યના રસથી જે ભીંજાયો તે ત્યાંથી ખસતો નથી. તેથી આવો જ્ઞાની પુરુષ સેવતો છતાં નહિ સેવતો અસેવક છે, કેમકે સેવનનું ફળ ન આવ્યું.
ત્યારે કોઈ વળી કહે છે-જ્ઞાની પરનું કરે તો છે પણ તે અનાસક્તિભાવે કરે છે. સમાધાનઃ– ભાઈ! પરનું કરવું એ વાત તો જૈનશાસનમાં છે જ નહિ પછી અનાસકિતથી કરે છે એ વાત કયાં રહી? જ્ઞાની અનાસકિતભાવે રાગ કરે છે એમ કહેવું પણ મિથ્યા છે કેમકે જ્ઞાનીને રાગનો રસ જ નથી, તેને રાગનું સ્વામિત્વ જ નથી. અહીં તો કહે છે કે જ્ઞાની રાગને કરતો જ નથી. પરિણામમાં કંઈક નબળાઈ છે તો રાગ થઈ જાય છે પણ તેનું કર્તૃત્વ તે સ્વીકારતો નથી. એ તો પરિણમનમાં જે રાગ થાય છે તેને (ભિન્ન) માત્ર જાણે છે. ભારે વાતુ! બાપુ! મારગડા વીતરાગના સાવ જુદા છે.
ભાઈ! આ જન્મ-મરણનો અંત કરવાનો અવસર આવ્યો છે. આ અવસરમાં પણ જો આ નહિ સમજે તો કયારે સમજીશ? જો ને, નાના નાના બાળકોને પણ હાર્ટફેલ થઈ જાય છે! એક આઠ વર્ષનો છોકરો નિશાળનાં પગથિયાં ચડતો હતો ત્યાં તેને હાર્ટફેલ થઈ ગયું. દેહ તો આવો છે બાપુ! એ તો જોતજોતામાં છૂટી જશે. પછી તારે કયાં જાવું? ગંભીર પ્રશ્ન છે ભાઈ! જો આની સમજણ ના કરી તો કયાંય ભવસમુદ્રમાં નિગોદાદિમાં ખોવાઈ જઈશ.