૪૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭
‘તેવી રીતે સમ્યગ્દ્રષ્ટિ પૂર્વસંચિત કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલા વિષયોને સેવતો હોવા છતાં રાગાદિભાવોના અભાવને લીધે વિષયસેવનના ફળનું સ્વામીપણું નહિ હોવાથી અસેવક જ છે.’
આ વાત અજ્ઞાનીને આકરી પડે છે. પણ થાય શું? અહીં કહે છે-જેને અંદરમાં નિજ આનંદરસનો સ્વાદ આવી ગયો છે એવા સમ્યગ્દ્રષ્ટિને વિષયનું સેવન છે, છતાં તેને તેમાં રસ નથી, રુચિ નથી. પોતાને થયેલા આનંદરસના સ્વાદ આગળ વિષયોનો સ્વાદ તેને ઝેર જેવો લાગે છે. જેમ વેશ્યા રાજા સાથે રમે છે, પણ એ તો રાજા પૈસા આપે છે તેટલો જ કાળ. શું રાજા તેનો સ્વામી-પતિ છે? (ના). વિષયના કાળે તો સ્વામીની જેમ પ્રવર્તતી હોય છે પણ ખરેખર સ્વામી નથી. તેમ શુદ્ધ ચૈતન્યના આનંદના રસમાં સ્વામીપણે પ્રવર્તતા ધર્મી જીવને વિષયના રસમાં સ્વામીપણું આવતું નથી. ભારે ગંભીર વાત!
જુઓ, પાઠમાં શું લીધું છે? કે ‘પૂર્વસંચિત કર્મના ઉદયથી’... શું કહ્યું? કે પૂર્વે બાંધેલા કર્મના ઉદયથી જ્ઞાનીને સંયોગો મળ્યા છે. અને તેના સેવનનો રાગ હોવા છતાં તેમાં રસ-રુચિ નથી. આનંદના અનુભવનું જ્યાં અંદરમાં જોરદાર પરિણમન છે ત્યાં વિષયરાગ જોરદાર નથી-એમ કહે છે. જેમ એકવાર જેણે મીઠા દૂધપાકનો સ્વાદ ચાખ્યો હોય તેને રાતી જુવારના રોટલા ફીકા લાગે છે તેમ આનંદના રસ આગળ જ્ઞાનીને વિષયનો રસ વિરસ લાગે છે.
કહે છે-‘સમ્યગ્દ્રષ્ટિ પૂર્વસંચિત કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલા વિષયોને...’ મતલબ કે શાતાનો ઉદય હોય તો અનુકૂળ સામગ્રી મળે છે. ભાઈ! સામગ્રી તો સામગ્રીના ઉપાદાનના કારણે આવે છે અને કર્મનો ઉદય તેમાં નિમિત્ત છે. જડકર્મના કારણે સામગ્રી મળે છે એમ નથી. જડકર્મના રજકણ જુદી ચીજ છે અને સામગ્રીના રજકણ જુદી ચીજ છે. (તેઓ તો એકબીજાને અડતાય નથી).
તો શબ્દો તો આવા ચોકખા છે કે-‘કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલા વિષયોને...’? હા, પણ તેનો અર્થ શું છે? શું જેવું લખ્યું છે તેવો જ એનો અર્થ છે? એમ અર્થ નથી હોં; ભાઈ! લખનારે જે અભિપ્રાયથી લખ્યું છે તે અનુસાર અર્થ કરવો જોઈએ. પુણ્યના ઉદયથી લક્ષ્મી મળે છે એમ કહેવું એ તો વ્યવહારની વાત છે, કેમકે પુણ્યના અને લક્ષ્મીના રજકણ તો ભિન્ન-ભિન્ન છે. લક્ષ્મી આવે છે તે પોતાના કારણે આવે છે, પણ પુણ્યના ઉદયથી પ્રાપ્ત થાય છે એમ કહેવાનો વ્યવહાર છે. તેવી રીતે પૈસા જાય કે ન હોય તો તે પાપના ઉદયથી છે એમ કહેવાનો વ્યવહાર છે. પાપકર્મનો ઉદય છે માટે પૈસા આવ્યા નથી એમ ખરેખર નથી, પણ પૈસા તે કાળે સ્વયં આવવાના ન હતા તેથી ન આવ્યા, પરમાણુનું તેવું પરિણમન થવાનું ન હતું તેથી ન થયું એ યથાર્થ છે. હવે આવી વાત લોકો ન સમજે, પણ શું થાય?