પ૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭
ભગવાન આત્મા ત્રણલોકનો નાથ સચ્ચિદાનંદસ્વરૂપ છે. અજ્ઞાનીને તે રાગની રુચિની આડમાં જણાતો નથી. અહાહા...! જળની અપાર રાશિથી ભરેલો મોટો સમુદ્ર જેમ એક કપડાની આડમાં દેખાય નહિ તેમ અજ્ઞાની જીવને રાગની રુચિની આડમાં પોતાનો સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન દેખાતો નથી. જુઓ, આ શેઠિયા બધા બહારના વૈભવના રાગમાં ચકચૂર છે ને? તેમને ભગવાન આત્મા ભળાતો નથી. અહા! કોઈ મોટો શેઠ હોય, રાજા હોય કે દેવ હોય, જો તેને પોતાના ચિદાનંદમય સ્વરૂપને છોડીને, પૂર્વના કર્મના ઉદયના નિમિત્તે પ્રાપ્ત વૈભવની દ્રષ્ટિ છે તો તે મરીને તિર્યંચાદિમાં જ જવાનો.
(પરમાત્મપ્રકાશમાં) આવે છે ને કે-‘पुण्येण होइ विहवो...’ ઇત્યાદિ-પુણ્યના ઉદયે વૈભવ મળે, વૈભવથી મદ ચડે, અને મદથી મતિ ભ્રષ્ટ થઈ જાય. અમે આવા વૈભવવાળા-એમ પરમાં અહંબુદ્ધિ-મદ થતાં મતિ ભ્રષ્ટ થઈ જાય છે અને તેથી તે મરીને નરક-તિર્યંચાદિ દુર્ગતિને જ પ્રાપ્ત થાય છે, અને ચારગતિમાં રખડી મરે છે.
પ્રશ્નઃ– આપ કહો છો કે એક પદાર્થ બીજા પદાર્થનું કાંઈ ન કરે તો પછી વૈભવથી મદ કેમ ચડે?
ઉત્તરઃ– એક પદાર્થ બીજા પદાર્થનું કાંઈ ન કરે એ તો સત્યાર્થ એમ જ છે. પોતે મદ કરે, બહારમાં અહંભાવ કરે ત્યારે બાહ્ય વૈભવને લક્ષ કરીને કરે છે તો વૈભવથી મદ ચડે છે એમ વ્યવહારથી કહેવાય છે. વૈભવ મદ કરાવે છે એમ વાત નથી. વૈભવથી મદ ચડે એ તો નિમિત્તે બતાવનારું કથન છે. જો વૈભવથી મદ થઈ જાય તો તો સમકિતી ચક્રવર્તીને પણ મદ થઈ જવો જોઈએ. ભરત ચક્રવર્તી છ ખંડના વૈભવનો સ્વામી હતો, ૯૬ હજાર તો તેને રાણીઓ હતી, પણ એને એમાં કયાંય આત્મબુદ્ધિ-અહંપણાની બુદ્ધિ ન હતી. સમ્યગ્દ્રષ્ટિ તો એમ જાણે છે કે જ્યાં હું છું ત્યાં રાગ, શરીર કે બહારના વિષયોનો અભાવ છે અને જ્યાં રાગ, શરીર કે બહારના વિષયો છે ત્યાં મારો અભાવ છે. વિષયોને સેવતો હોય તે કાળે પણ તેને આવાં જ્ઞાન-શ્રદ્ધાન હોય છે.
અહીં કહ્યું ને કે-સમ્યગ્દ્રષ્ટિ વિષયોને સેવતો હોવા છતાં રાગાદિભાવોના અભાવને લીધે વિષયસેવનના ફળનું સ્વામીપણું નહિ હોવાથી અસેવક જ છે. જુઓ, જ્ઞાનીને કિંચિત્ રાગ થાય છે પણ તેનું એને સ્વામીપણું નથી, માટે તે સેવતો છતાં અસેવક જ છે. અહા! જ્ઞાનાનંદસ્વભાવી પોતાની વસ્તુનો અનુભવ થતાં જે અતીન્દ્રિય આનંદનો-શાંતિનો વૈભવ પ્રગટ થયો તેની આગળ ધર્મીને બાહ્ય વિષયો ફિક્કા-રસહીન લાગે છે. સમકિતી ઇન્દ્રને ઇન્દ્રાસનમાં કે કરોડો અપ્સરાઓમાં કયાંય રસ નથી. આત્માના અનાકુળ આનંદના રસના આસ્વાદ આગળ તેને બીજું બધુંય બેસ્વાદ-ઝેર જેવું લાગે છે. કદાચિત રાગની વૃત્તિ થઈ આવે તોપણ તે વિષયોને કાળા નાગ સમાન જાણે છે. શું કાળા નાગના મોંમાં કોઈને આંગળી મૂકવાનો ભાવ થાય ખરો? ન થાય. તેમ જ્ઞાનીને