Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1964 of 4199

 

સમયસાર ગાથા-૧૯૭ ] [ પ૧ રાગમાં અને વિષયોમાં મીઠાશ ન હોય. માટે વિષયોને સેવતો છતાં તે અસેવક જ છે. હવે કહે છેઃ-

‘અને મિથ્યાદ્રષ્ટિ વિષયોને નહિ સેવતો હોવા છતાં રાગાદિભાવોના સદ્ભાવને લીધે વિષયસેવનના ફળનું સ્વામીપણું હોવાથી સેવક જ છે.’

શું કહ્યું? કે અજ્ઞાની ભલે સામગ્રીને સેવે નહિ, પણ અંતરમાં તેને રાગનાં રસ- રુચિ પડયાં છે. તેને વિષયસેવનનો અભિપ્રાય મટયો નથી. તેને સવિશેષ રાગશક્તિ અસ્તિપણે રહેલી છે જે વડે તે રાગનો સ્વામી થાય છે. આ કારણે અજ્ઞાની અણસેવતો થકો પણ સેવક છે. જ્ઞાની સેવતો થકો અસેવક અને અજ્ઞાની અણસેવતો થકો સેવક! પાઠ તો આવો છે ભાઈ!

પ્રશ્નઃ– તમો પાઠના બીજા અર્થ કરો છો. ભલે કર્મને લઈને નહિ તોપણ જ્ઞાનીને રાગનો ભાવ તો કંઈક આવી જાય છે. આગળ (ગાથા ૧૯૪માં) આવી ગયું છે કે જ્ઞાની પણ કર્મના ઉદયને-શાતા-અશાતાને-ઓળંગતો નથી અને તેને પર્યાયમાં સુખ-દુઃખ વેદાય છે. તોપછી તેને અસેવક કેમ કહ્યો? સેવે છે છતાં અસેવક છે એમ કહેવું શું જૂઠું નથી?

ઉત્તરઃ– બાપુ! એમ નથી, ભાઈ! ધર્મી જીવ એને કહીએ જેને અંતરમાં - આત્મસંવેદનમાં અતીન્દ્રિય આનંદના સ્વાદનું વેદન થયું છે. આ વ્રત કરે ને તપ કરે ને ભક્તિ કરે માટે તે ધર્મી છે એમ નથી કેમકે એ તો બધો રાગ છે. આ તો સર્વ રાગના વિકલ્પથી ભિન્ન પડીને નિર્વિકલ્પ આનંદરસના સ્વાદને જેણે ચાખ્યો છે તે ધર્માત્મા છે. આવા ધર્મી જીવને રાગનાં રસ-રુચિ નથી, રાગનું ધણીપણું નથી. આખુંય વિશ્વ તેને પર પદાર્થ તરીકે ભાસે છે. તેથી તેમાં તેને રસ નથી. વિશ્વ છે, કિંચિત્ રાગ છે પણ એમાં એને રસ નથી, રુચિ નથી, સ્વામિત્વ નથી. તેથી કહ્યું કે -સેવક છતાં અસેવક; ભોક્તા છતાં અભોક્તા! ગજબ વાત છે ભાઈ!

અહો! વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરનો ધર્મ અદ્ભુત અલૌકિક છે! આવી વાત બીજે કયાંય નથી. અરે! એના સંપ્રદાયવાળાને પણ ખબર નથી તો બીજાનું તો શું કહેવું? પણ આ શ્રી કુંદકુંદાચાર્યની ગાથાઓ છે અને તેના અર્થ (ટીકા) મહાન્ સમર્થ આચાર્ય શ્રી અમૃતચંદ્રદેવે કર્યા છે. તેઓ પાંચમી ગાથામાં કહે છે ને કે-અતીન્દ્રિય આનંદ અને જ્ઞાનના વૈભવનો અમને પર્યાયમાં જન્મ થયો છે. આ પાંચ-પચાસ લાખ રૂપિયા અને રૂપાળું શરીર ઇત્યાદિ તો જડનો-ધૂળનો વૈભવ છે, એ કાંઈ નિજવૈભવ નથી. મુનિરાજ કહે છે- જેમ ડુંગરમાંથી પાણી ઝરે છે તેમ અતીન્દ્રિય આનંદ-રસથી ભરેલા ત્રણલોકના નાથ ભગવાન આત્મામાંથી અમને પર્યાયમાં પ્રચુર આનંદનો રસ ઝરે છે અને તે અમારો નિજવૈભવ છે. અમારો નિજવૈભવ અતીન્દ્રિય આનંદની મહોર-મુદ્રાવાળો છે. અહાહા...! શું વૈરાગ્ય! શું ઉદાસીનતા!