પ૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ એટલે થઈ ગયો ત્યાગી-એવું સ્વરૂપ (ત્યાગનું) નથી. પરંતુ રાગથી ખસીને શુદ્ધનો આદર કરતાં પર્યાયમાં શુદ્ધતા પ્રગટે છે અને અશુદ્ધતાનો અભાવ થઈ જાય છે. આ વિધિ, આ માર્ગ અને આ ધર્મ છે. હિતનો માર્ગ તો આવો છે બાપુ!
કોઈ અજ્ઞાનીઓ એમ કહે છે કે કર્મથી વિકાર થાય છે. એનો અર્થ એ થયો કે જે શુભભાવ થાય છે તે પણ કર્મને લઈને થાય છે. વળી તે કહે છે શુભભાવથી શુદ્ધતા થાય છે. એટલે (એના મત પ્રમાણે) છેવટે એમ આવ્યું કે કર્મને લઈને શુદ્ધતા-ધર્મ થાય છે. અરે! એણે સત્યને કદી સાંભળ્યું જ નથી.
પણ જૈનધર્મમાં તો બધું કર્મને લઈને જ થાય ને? બીલકુલ નહિ. બધું કર્મને લઈને થાય એ માન્યતા જૈનધર્મ નથી. હા, કર્મ એટલે કાર્ય-શુદ્ધોપયોગરૂપ કાર્ય-તે વડે બધું (-ધર્મ) થાય છે એ વાત તો છે, પરંતુ જડકર્મથી એટલે કે પરથી આત્મામાં કાંઈ (શુભભાવ કે ધર્મ) થાય છે એ વાત યથાર્થ નથી, કેમકે આત્મામાં અનાદિથી અકારણ-કાર્યત્વ નામનો ગુણ પડયો છે અને તેથી આત્મા રાગનું કાર્ય પણ નથી અને રાગનું કારણ પણ નથી. સ્વાશ્રયે શુદ્ધોપયોગરૂપ પરિણમન થાય તે આત્માનું કાર્ય છે અને તે જૈનધર્મ છે. આ ચોથા ગુણસ્થાનની વાત છે. સાતમે ગુણસ્થાને તો શુદ્ધોપયોગની સ્થિરતાની-ચારિત્રના શુદ્ધોપયોગની વાત છે.
જેમ શીરો કરવાની વિધિ એ છે કે-પહેલાં લોટને ઘીમાં શેકે અને પછી તેમાં સાકરનું પાણી નાખે તો શીરો થાય. તેમ સ્વરૂપના ગ્રહણ અને પરના ત્યાગની વિધિ વડે ધર્મ થાય છે. માર્ગ આ છે ભાઈ!
ત્યારે કોઈ (અજ્ઞાની) એમ કહે છે કે જ્યાં જ્યાં યોગ્ય નિમિત્ત આવે છે ત્યાં ત્યાં નિમિત્તથી થાય છે એમ માનવું જોઈએ. નિમિત્તથી થાય જ નહિ એમ માનવું બરાબર નથી.
અરે ભગવાન! તું શું કહે છે આ? ભાઈ! નિમિત્ત (કર્મ) તો પર જડ તત્ત્વ છે અને જે પુણ્યના પરિણામ છે તે ચૈતન્યના વિકારરૂપ પરિણામ છે. ખરેખર તો તે વિકારના પરિણામ પોતાના ષટ્કારરૂપ પરિણમનથી થયા છે, તે તે કાળે પોતાનો જન્મકાળ છે તેથી થયા છે. ભાઈ! ષટ્કારકરૂપ થઈને પરિણમવું તે, તે વિકારની પર્યાયનો તે કાળે ધર્મ એટલે સ્વભાવ છે. તે કાંઈ નિમિત્તને-કર્મને લઈને થાય છે એમ નથી. કર્મ છે એ તો અજીવદ્રવ્ય છે. આખી વસ્તુ જ બીજી છે, તો પછી બીજી ચીજને લઈને શું બીજી ચીજ થાય? (ન થાય).
અહીં કહે છે-‘સ્વરૂપનું ગ્રહણ અને પરનો ત્યાગ કરવાની વિધિ વડે પોતાના વસ્તુત્વનો અભ્યાસ કરવા માટે...’ જોયું? વસ્તુ ભગવાન આત્મા છે અને તેનું વસ્તુત્વ કહેતાં સ્વરૂપ અતીન્દ્રિય આનંદ અને જ્ઞાન છે. તેનો અભ્યાસ એટલે વારંવાર