સમયસાર ગાથા-૧૯૯ ] [ ૬પ
હવે આટલાં આટલાં લખાણ આવે છતાં ‘કર્મથી રાગ ન થાય’ એમ કહીએ એટલે લોકોને આકરું જ લાગે ને? પણ ભાઈ! કઈ અપેક્ષાએ આ કહ્યું છે? વિકાર થયો છે તો પોતાના ઊંધા પુરુષાર્થથી; પણ તે સ્વભાવના આશ્રયે થતો નથી અને સ્વભાવ બંધસ્વરૂપ નથી તેથી નિમિત્તને આશ્રયે થયેલો વિકાર નિમિત્તનો છે એમ કહ્યું છે. ‘ખરેખર’ શબ્દ છે ને? પાઠ છે, જુઓ-‘पोग्गलकम्मं रागो’-ખરેખર રાગ નામનું પુદ્ગલકર્મ છે અને તે કર્મનો વિપાક તે રાગ છે, પણ આત્માનો વિપાક તે રાગ છે એમ નથી.
અહાહા...! રાગ થયો છે તો પોતાની નબળાઈને લીધે પોતાની પર્યાયમાં પોતાના ષટ્કારકના પરિણમનથી. પરંતુ આ નિર્જરા અધિકાર છે ને? દ્રષ્ટિ અને દ્રષ્ટિના વિષયમાં રાગ નથી અને રાગથી આત્મા જણાતો નથી. તે કારણે રાગને પર તરીકે કર્મજન્ય કહીને કાઢી નાખવા માગે છે. તેથી કહ્યું કે રાગ મારો સ્વભાવ નથી, શુદ્ધ ચૈતન્યનો ભાવ નથી.
‘હું તો આ ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ છું’-એમ જ્ઞાની જાણે છે. ‘આ’-એટલે પ્રત્યક્ષ અનુભવગોચર સ્વસંવેદનમાં જણાય એવો હું ત્રિકાળ શાશ્વત ચૈતન્યમાત્ર આત્મા છું, આ રાગાદિભાવ તે હું નથી એમ સમ્યગ્દ્રષ્ટિ વિશેષપણે સ્વને તથા પરને (ભિન્ન) જાણે છે.
જુઓ, કોઈ સ્વચ્છંદીને એમ થાય કે-રાગ કર્મજન્ય-પુદ્ગલજન્ય છે; માટે રાગ હો તો હો, તેથી મને શું નુકશાન છે? તો એના માટે પહેલેથી એ વાત સિદ્ધ કરી છે કે- ભાઈ! રાગ-દ્વેષ વિષયવાસના આદિ તારી પર્યાયમાં તારાથી થાય છે અને તે તારો જ અપરાધ છે. (એમાં કર્મનો કાંઈ દોષ નથી). તથા કોઈ રાગાદિને પોતાનો સ્વભાવ માની રાગમાં જ સંતુષ્ટ રહે છે, સ્વરૂપમાં જતો નથી તેને કહ્યું કે-ભાઈ! રાગ તારો સ્વભાવ નથી, પણ તે પરનિમિત્તે થતો પરભાવ હોવાથી પુદ્ગલજન્ય ભાવ છે; સ્વરૂપમાં ઉદ્યમી થયો છે એવો જ્ઞાની તેને કર્મજન્ય-પુદ્ગલજન્ય ભાવ જાણે છે કેમકે તે સ્વભાવ નથી. ગાથા ૭પ-૭૬માં એ જ કહ્યું છે કે-પુદ્ગલદ્રવ્ય સ્વતંત્ર વ્યાપક હોવાથી પુદ્ગલપરિણામનો એટલે કે રાગાદિભાવનો કર્તા છે અને પુદ્ગલપરિણામ અર્થાત્ રાગાદિભાવ તે વ્યાપક વડે સ્વયં વ્યપાતુ હોવાથી વ્યાપ્યરૂપ કર્મ છે. આ પ્રમાણે રાગને કર્મજન્ય કહીને તેનો સ્વભાવ અને સ્વભાવની દ્રષ્ટિમાં નિષેધ કર્યો છે અને સ્વરૂપનું આલંબન કરાવ્યું છે. સમજાણું કાંઈ...? ‘શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક’માં પંડિતપ્રવર શ્રી ટોડરમલજીએ બહુ સુંદર સ્પષ્ટીકરણ કર્યું છે કે-
“શ્રીગુરુ રાગાદિક છોડાવવા ઇચ્છે છે. હવે જે રાગાદિકને પરના માની સ્વચ્છંદી બની નિરુદ્યમી થાય, તેને તો ઉપાદાનકારણની મુખ્યતાથી ‘રાગાદિક આત્માના છે’ એવું શ્રદ્ધાન કરાવ્યું; તથા જે રાગાદિકને પોતાનો સ્વભાવ માની તેના નાશનો ઉદ્યમ કરતો નથી, તેને નિમિત્તકારણની મુખ્યતાથી ‘રાગાદિક પરભાવ છે’ એવું શ્રદ્ધાન કરાવ્યું.