મથાળુંઃ– એ પ્રમાણે જ શુદ્ધનયથી જાણવું તે સમ્યક્ત્વ છે. એટલે કે ત્રિકાળી જ્ઞાયકભાવને જ્ઞાયક, જ્ઞાયક...જ્ઞાયકસામાન્યપણે જાણવો એનું નામ સમ્યગ્દર્શન છે એમ સૂત્રકાર ગાથા (૧૩) માં કહે છે.
‘भूतार्थेन अभिगताः’ ભૂતાર્થનયથી જાણેલ-એટલે કે છતી-વિદ્યમાન જે વસ્તુ ત્રિકાળ છે તેને જાણનારા નયથી જાણેલ ‘जीवा–जीवौ’ જીવ, અજીવ ‘च’ વળી ‘पुण्यपापं’ પુણ્ય અને પાપ ‘च’ તથા ‘आस्रवसंवरनिर्जराः’ આસ્રવ, સંવર, નિર્જરા, ‘बन्धः’ બંધ ‘च’ અને ‘मोक्षः’ મોક્ષ ‘सम्यक्त्वम्’–એ નવતત્ત્વ સમ્યક્ત્વ છે. એટલે એ નવતત્ત્વમાંથી એક ત્રિકાળીને જુદો તારવીને એ જાણનાર, જાણનાર જાણનારમાત્ર એકને જ દ્રષ્ટિમાં લેવો એનું નામ સમ્યગ્દર્શન છે. એને આત્મા છે તેવો બરાબર માન્યો, જાણ્યો અને અનુભવ્યો કહેવાય.
ભાઈ! આ તો અભ્યાસ હોય તો સમજાય એવું છે. મેટ્રિક, બી. એ., એલ. એલ. બી. વગેરે અભ્યાસમાં કેટલોય વખત ગાળે. સંસ્કૃતના અભ્યાસમાં વરસો ગાળે પણ એ કાંઈ કામ આવે નહીં. અહીં તો આત્મા જ્ઞાયકપણે જે ત્રિકાળ છે તેના સંસ્કાર નાખવા, અનુભવ કરવો એ અભ્યાસ સાર્થક છે.
આ જીવાદિ નવતત્ત્વો-જીવ, અજીવ, પુણ્ય, પાપ આસ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ છે. તેમાં જીવ અને અજીવ બે પદાર્થ છે. જીવ છે, શરીર, કર્મ આદિ અજીવ છે, કર્મના નિમિત્તના સંબંધમાં પુણ્ય-પાપ અને આસ્રવ અને બંધ થાય છે તથા સંવર,