સમયસાર ગાથા-૧૯૯ ] [ ૬૭ પર્યાય પણ નિરપેક્ષ છે. નિર્મળ સમ્યગ્દર્શનની પર્યાય પણ પોતાના ષટ્કારકથી પોતાથી પરિણમી છે. તે કર્મના અભાવને લઈને થઈ છે એમ નથી તથા દ્રવ્ય-ગુણના કારણે થઈ છે એમ પણ નથી. પર્યાય રાગની હો કે વીતરાગી હો-બન્ને નિરપેક્ષ છે. પરંતુ રાગ સ્વભાવમાં નથી અને સ્વભાવનું કાર્ય પણ નથી; તેથી પુદ્ગલના લક્ષે થતો રાગ પુદ્ગલનું કાર્ય છે એમ કહી તેનો ત્યાગ કરાવે છે. સમજાણું કાંઈ...?
આપ આવો અર્થ કેમ કરો છો? ભાઈ! તેનો અર્થ જ આવો છે ત્યાં બીજું શું કરીએ? જુઓ, અહીં અને ૭પ મી ગાથામાં રાગને પુદ્ગલપરિણામ કહ્યા છે. તેથી કરીને રાગ કર્મને લઈને થાય છે એમ જો કોઈ માને તો તે મૂઢ મિથ્યાદ્રષ્ટિ છે. ભાઈ! પુદ્ગલકર્મ તો જડ પરદ્રવ્ય છે. તેનાથી જીવમાં વિકાર કેમ થાય? ન જ થાય. પણ જડના નિમિત્તે થતો રાગ સ્વભાવમાં નથી માટે સ્વભાવદ્રષ્ટિવંત પુરુષ તેને પુદ્ગલનું કાર્ય જાણી કાઢી નાખે છે, છોડી દે છે. ધર્મીની દ્રષ્ટિ નિરંતર સ્વભાવ ઉપર છે. સ્વભાવમાં અને સ્વભાવની દ્રષ્ટિમાં રાગ-વિકાર નથી. તેથી દ્રષ્ટિવંત પુરુષ રાગને પોતાથી પૃથક્ જાણી તેને પુદ્ગલનું કાર્ય ગણી છોડી દે છે. બિચારાને બાયડી-છોકરાં પંપાળવાની અને રળવા- કમાવાની પાપની પ્રવૃત્તિ આડે વિચારવાની કયાં ફુરસદ છે? અને કદાચિત્ ફુરસદ મળે તોય આવી અનેક અપેક્ષાઓમાં મુંઝાઈ જાય પણ યથાર્થ સમજણ કરે નહિ. શું થાય? માર્ગ તો જેમ છે તેમ સમજવો જ પડશે.
અહીં કહે છે-કર્મના ઉદયના વિપાકથી ઉત્પન્ન થયેલો આ રાગરૂપ ભાવ છે. જોયું? કર્મના ઉદયથી રાગરૂપ ભાવ થયો છે એમ કહે છે. એમ કેમ કહ્યું? તો આ નિર્જરા અધિકારમાં સમકિતીની વાત છે ને? સમકિતીની દ્રષ્ટિ શુદ્ધ જ્ઞાયકસ્વભાવ પર છે; અને સ્વભાવમાં કયાં રાગ છે? રાગ તો કૃત્રિમ પર્યાય છે, જ્યારે સ્વભાવ ત્રિકાળ શુદ્ધ આનંદસ્વરૂપ છે. માટે દ્રષ્ટિમાં રાગને કર્મનું સ્વરૂપ ઠરાવીને જીવને તેનાથી છોડાવ્યો છે. ગાથા ૭૬માં પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય- એમ લીધું છે. ત્યાં પ્રાપ્ય જે વિકારી ભાવ પ્રાપ્ત થવા યોગ્ય છે તેને પુદ્ગલ પહોંચી વળે છે એમ લીધું છે. ત્યાં પણ આ જ અપેક્ષા સમજવી.
પ્રશ્નઃ– તો રાગ કોનો છે? જીવનો કે પુદ્ગલનો? અહીંયા અને ૭પમી ગાથામાં રાગ પુદ્ગલકર્મનો કહ્યો અને પંચાસ્તિકાયમાં રાગ પોતાની પર્યાયમાં પોતાથી થયેલો પોતાનો જીવનો કહ્યો છે, નિમિત્તથી થયેલો નહિ.
સમાધાનઃ–પંચાસ્તિકાયમાં રાગને પોતાનો કહ્યો છે કેમકે રાગ જીવની પર્યાયમાં થાય છે અને તે પર્યાયના અસ્તિપણે એક સમયનું સત્ છે. તેને પર નિમિત્ત કેવી રીતે કરી શકે? ન કરી શકે? ભાઈ! પર્યાયમાં જે વિકાર થાય છે એ તો