Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1982 of 4199

 

સમયસાર ગાથા-૧૯૯ ] [ ૬૯ કર્મ કાંઈ વિકારને કરતું નથી, કર્મ તો તેને અડતુંય નથી. ત્રીજી ગાથામાં ન આવ્યું? કે દરેક દ્રવ્ય પોતાના ગુણ-પર્યાયને ચુંબે છે તોપણ પરદ્રવ્યને ચુંબતું નથી. આ શું કહ્યું? કે કર્મનો ઉદય રાગને કે જીવને ચુંબતો નથી, અને રાગ કર્મના ઉદયને ચુંબતો નથી.

તો રાગને પરનો (કર્મનો) કેમ કહ્યો? કારણ કે રાગ જીવનો સ્વભાવ નથી. આનંદનો નાથ પ્રભુ આત્માનો ત્રિકાળ જ્ઞાતા-દ્રષ્ટા સ્વભાવ છે. તેની અનંતી નિર્મળ શક્તિઓમાં રાગને કરે એવી કોઈ શક્તિ - સ્વભાવ નથી. તેથી પર્યાયમાં જે રાગ થાય છે તે પર નિમિત્તના સંગે થાય છે તો પરનો છે એમ જાણી જ્ઞાની તેનાથી વિમુખ થાય છે. ભાઈ! આવું મનુષ્યપણું મળ્‌યું ને એમાં આવી સત્ય તત્ત્વની વાત ન સમજાય તો અરેરે! હવે અવતાર કયાં થશે? બાપુ! ભવસમુદ્ર અનંત છે. આ સમજ્યા વિના તું એમાં ડૂબીશ, અને તો પછી અનંતકાળે પણ અવસર નહિ મળે, સમજાણું કાંઈ...?

જ્ઞાની કહે છે કે હું તો એક જ્ઞાયકસ્વભાવી છું. મારા સ્વભાવમાં રાગ નથી. અને રાગને કરે એવો કોઈ ગુણ-સ્વભાવ મારામાં નથી. જો વિકારને કરે એવો કોઈ ગુણ મારામાં હોય તો સદાય વિકાર થયા જ કરે, કર્યા જ કરે, અને તો વિકાર કદીય ટળે નહિ; ઝીણી વાત છે પ્રભુ! રાગ જો સ્વભાવ હોય તો રાગ ટળીને વીતરાગ કદાપિ ન થાય. પણ એમ છે નહિ. જુઓને! કેટલું સ્પષ્ટ કર્યું છે? કે પુણ્ય, પાપ, દયા, દાન, ભક્તિ ઇત્યાદિનો રાગ મારો સ્વભાવ નથી; હું તો આ-પ્રત્યક્ષ અનુભવગોચર-ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ છું એમ સમકિતી જાણે છે, માને છે, અને રાગને કર્મકૃત જાણી તેનાથી વિમુખ થઈ જાય છે, તેને તજી દે છે.

પ્રશ્નઃ– વિકાર કર્મજન્ય છે અને વળી જીવનો પણ છે-એમ બેય વાત કુંદકુંદાચાર્યે કહી છે એમ આપ કહો છો, તો બન્નેમાંથી કઈ વાત બરાબર છે?

ઉત્તરઃ– ભાઈ! (અપેક્ષાથી) બન્ને વાત બરાબર છે. શ્રીમદે કહ્યું છે કે-

“જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહાં સમજવું તેહ.”

ભાઈ! આ વાત પહેલાં હતી જ નહિ અને તું અપેક્ષા સમજતો નથી તેથી સમજવી કઠણ લાગે છે. આ વાત ચાલતી ન હતી તેથી તે બહાર આવતાં લોકોને આશ્ચર્ય થવા લાગ્યું છે.

ભાઈ! પર્યાયમાં જે વિકાર છે તે કર્મથી થયો છે એમ બીલકુલ નથી. પોતાના ઊંધા પુરુષાર્થથી જીવ વિકાર કરે છે અને સવળા પુરુષાર્થ વડે તેને ટાળે છે. જીવ જે વિકાર કરે છે તે પોતાથી સ્વતંત્ર કરે છે. તેને કોઈ કર્મ કે પરને કારણે વિકાર થાય છે એમ છે જ નહિ.