સમયસાર ગાથા-૧૯૯ ] [ ૭૧ આવે તે આનંદ અને વીતરાગતાનો આવે છે. જીવનું ત્રિકાળી ક્ષેત્ર જ એવું છે કે તેમાંથી આનંદ અને વીતરાગતાનો પાક આવે. દ્વેષનું (વર્તમાન) ક્ષેત્ર એનાથી ભિન્ન છે. દ્વેષના ક્ષેત્રનો જે અંશ છે તે કર્મનું કાર્ય છે એમ જાણી જ્ઞાની તેને કાઢી નાખે છે. બિચારા અજ્ઞાની સામાયિક, પ્રતિક્રમણાદિ ક્રિયાકાંડ કરે અને માને કે થઈ ગયો ધર્મ, પણ રાગ શું? દ્વેષ શું? સ્વભાવ શું? નિમિત્ત શું? ઇત્યાદિ તત્ત્વ સમજે નહિ તેને ધર્મ કયાંથી થાય?
પ્રશ્નઃ– નિમિત્તથી થાય છે એમ શાસ્ત્રમાં કથન આવે છે. છતાંય નિમિત્તથી ન થાય એમ આપ કેમ કહો છો?
સમાધાનઃ– ભાઈ! નિમિત્તથી થાય છે એમ કથન તો આવે છે પણ એનો અર્થ શું? નિમિત્તથી થયું છે એટલે કે નિમિત્તના લક્ષે થયું છે બસ એટલું જ. બાકી કાંઈ એક દ્રવ્યથી અન્ય દ્રવ્યમાં કાર્ય થાય છે? (ના.) પરદ્રવ્ય તો સ્વદ્રવ્યને અડતુંય નથી તો પછી એનાથી શું થાય? (કાંઈ જ નહિ). અહીં તો એમ કહેવું છે કે-આત્મસ્વભાવને (સ્વભાવના ક્ષેત્રને) દ્વેષ અડતોય નથી માટે દ્વેષ કર્મનું કાર્ય છે એમ જાણીને સ્વભાવની દ્રષ્ટિ વડે જ્ઞાની તેની નિર્જરા કરી દે છે. વીતરાગનો માર્ગ બહુ ઝીણો બાપા!
હવે ‘રાગ’ પદ બદલીને ‘મોહ’ લેવું એમ કહે છે. અહીં સમકિતીની વાત છે. સમકિતીને મિથ્યાત્વાદિ નથી પણ તેને પરમાં સાવધાનીનો કિંચિત્ મોહનો ભાવ આવે છે. પરંતુ તે, મોહ કર્મનું કાર્ય છે, મારો સ્વભાવ નથી, હું તો શુદ્ધ ચૈતન્યમાત્ર છું એમ જાણતો થકો મોહથી હઠે છે.
તેવી રીતે ‘ક્રોધ’ ‘पोग्गलकम्मं कोहो’–એમ લેવું. મતલબ કે ક્રોધ પુદ્ગલકર્મનું કાર્ય છે કેમકે તે આત્માનો સ્વભાવ નથી. આત્મા તો સદાય વીતરાગમૂર્તિ આનંદકંદ પ્રભુ છે; તેમાંથી ક્રોધ-વિકાર કેમ આવે? જુઓ, ક્રોધ થાય છે તો પોતાથી પોતાની પર્યાયમાં, પરંતુ જેની પર્યાયબુદ્ધિ નષ્ટ થઈને ત્રિકાળી જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિ પ્રગટ થઈ છે તે સમકિતી ધર્મી જીવ એમ જાણે છે કે ક્રોધ પુદ્ગલકર્મના ઉદયનો વિપાક છે. ધર્માત્મા જરા ક્રોધ થાય તેનો સ્વામી નથી. તો ક્રોધનો સ્વામી કોણ છે? તો કહે છે પુદ્ગલ ક્રોધનો સ્વામી છે. ૭૩ મી ગાથામાં આવી ગયું છે કે વિકારનો સ્વામી પુદ્ગલ છે. અહાહા...! શુદ્ધ ચૈતન્યસ્વભાવના સ્વામીપણે જ્યાં પ્રવર્ત્યો ત્યાં એમ ભાસ્યું કે ક્રોધાદિ વિકારનો સ્વામી પુદ્ગલ છે. આમ જાણીને કોઈ વિકાર થવાનો ભય ન રાખે અને સ્વચ્છંદે પ્રવર્તે તેને કહે છે કે વિકાર તારાથી તારામાં થતો અપરાધ છે. આ વાત રાખીને કહ્યું કે ક્રોધ પુદ્ગલનું કાર્ય છે. સમજાણું કાંઈ...?
પણ આ બેમાંથી કઈ વાત સાચી માનવી?