૭૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭
ભાઈ! બન્ને વાત સાચી છે. પર્યાયદ્રષ્ટિવાળાને ક્રોધાદિ વિકાર પર્યાયદ્રષ્ટિએ પોતાથી થાય છે તે સાચું છે અને દ્રવ્યદ્રષ્ટિવંતને પોતાથી શુદ્ધ દ્રવ્યથી થતો નથી તેથી પરથી થાય છે એ વાત પણ સાચી છે. જોર અહીં આ ત્રીજા પદ પર છે કે-‘ण दु एस मज्झ भावो’-તે મારો સ્વભાવ નથી; ‘जाणगभावो हु अहमेक्को’ હું તો એક જ્ઞાયકભાવ છું. શુદ્ધ જ્ઞાયકમાં વિકાર નથી માટે વિકાર કર્મનો છે. અહાહા...! શું સરસ વાત કરી છે!
હવે ‘માન’ ‘पोग्गलकम्मं मानो’ એમ લેવું એમ કહે છે. મતલબ કે જરીક માન આવે તો જ્ઞાની કહે છે તેનો હું જાણનાર છું, પણ તે મારો સ્વભાવ નથી માટે એ પુદ્ગલનું કાર્ય છે. ભાઈ! આ તો તત્ત્વની ગંભીર વાત! માન પુદ્ગલકર્મરૂપ છે એમ જ્ઞાની જાણે છે.
હવે ‘માયા’-‘पोग्गलकम्मं माया’ એમ લેવું. મતલબ કે સહેજ માયા આવે તો જ્ઞાની કહે છે તેનો હું જાણનાર છું, પણ તે મારો સ્વભાવ નથી માટે તે પુદ્ગલનું કાર્ય છે. આ નિર્જરા અધિકાર છે ને? એટલે સુખધામ-આનંદધામ સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ આત્માની દ્રષ્ટિના જોરમાં ધર્માત્મા પોતાને કિંચિત્ માયા થાય તેને પુદ્ગલનું કાર્ય જાણીને કાઢી નાખે છે. ગજબ વાત છે ભાઈ!
એવી રીતે ‘पोग्गलकम्मं लोभो’ એમ ‘લોભ’ લેવું. અહાહા...! વસ્તુ આત્મા અનંતગુણમય છે અને એક એક ગુણની શક્તિ અનંતી છે. પરંતુ એમાં શું કોઈ ગુણ એવો છે કે લોભને કરે? ના, કોઈ જ નથી. આત્મામાં એક વૈભાવિક શક્તિ છે, પણ એ તો જીવનો ત્રિકાળી નિર્મળ સ્વભાવ છે. એમ નથી કે વૈભાવિક શક્તિના કારણે જીવ વિકાર કરે છે. એ તો ચાર દ્રવ્યમાં એવી શક્તિ નથી અને જીવ અને પુદ્ગલમાં જ છે માટે તેને વૈભાવિક એટલે વિશેષ શક્તિ કહી છે. પરંતુ તેથી વિકારરૂપે થવું તે વૈભાવિક શક્તિ એમ નથી. સિદ્ધમાં પણ વૈભાવિક શક્તિ છે. વૈભાવિક શક્તિ તો જીવનો અનાદિ- અનંત ગુણ છે. અન્ય દ્રવ્યોમાં તે નથી તેથી તેને વૈભાવિક એટલે વિશેષ ગુણ કહ્યો છે, પણ વિકારપણે પરિણમે તે વૈભાવિક ગુણ એમ છે જ નહિ. વિકાર તો પરને આધીન થઈ પરિણમતાં થાય છે, નિર્મળ ગુણને આધીન નહિ.
અહીં કહે છે કે જ્ઞાનીને તેની દશામાં કિંચિત્ લોભ થઈ આવે છે તેને તે કર્મનું કાર્ય છે એમ જાણી તેનો સ્વામી થતો નથી તેથી તે લોભ નિર્જરી જાય છે. ઝીણી વાત છે પ્રભુ! કહે છે-જીવ ઉપયોગસ્વભાવી છે અને કર્મો આઠેય પુદ્ગલમય છે; તે કર્મોના લક્ષે- નિમિત્તે જે ભાવ થાય છે તે પણ પુદ્ગલમય છે કેમકે તે ચૈતન્યમય નથી. અરે! આવું દુર્લભ મનુષ્યપણું મળ્યું ને સાચું તત્ત્વ ન જાણ્યું તો મરીને કયાં જઈશ ભાઈ! તારે રહેવું તો અનંત-અનંત કાળ છે. તો કયાં રહીશ પ્રભુ! તું? જો આત્મતત્ત્વની ઓળખ ન કરી તો ઢોર ને નરક-નિગોદાદિમાં જ રહેવાનું થશે. શું થાય? તત્ત્વના અશ્રદ્ધાનનું -અજ્ઞાનનું ફળ જ એવું છે.