સમયસાર ગાથા-૨૦૦ ] [ ૮૩ અનેકાન્ત છે. (એકલો બાહ્ય ત્યાગ એ મિથ્યા એકાંત છે). રાગના ત્યાગથી અને વસ્તુત્વના ગ્રહણથી વસ્તુત્વના નિર્મળ પરિણામ અર્થાત્ વીતરાગી પરિણતિ નીપજે છે અને તેને વિસ્તારતાં નિર્જરા થાય છે અર્થાત્ અશુદ્ધતા ટળે છે ને કર્મ ખરે છે. બાકી અજ્ઞાનીનાં વ્રત ને તપ તો બધાં થોથેથોથાં છે કેમકે તેને સંસાર પરિભ્રમણનું કારણ મિથ્યાત્વ ઊભું જ છે.
અહીં કહે છે-જ્ઞાની સ્વભાવના ગ્રહણ અને પરભાવના ત્યાગ વડે નીપજવા યોગ્ય પોતાના વસ્તુત્વને વિસ્તારતો કર્મના વિપાકથી ઉત્પન્ન થયેલા સમસ્ત ભાવોને છોડે છે. લ્યો, આ આવ્યું કે કર્મના વિપાકથી વિકાર થાય છે! ભાઈ! કર્મનું તો નિમિત્તપણું છે, બાકી પોતાના (અશુદ્ધ) ઉપાદાનથી વિકાર-અશુદ્ધતા પોતાનામાં પોતાથી થાય છે, અને જ્ઞાની તેને હેય જાણે છે. જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય તે ભાવને પણ જ્ઞાની હેય- છોડવાલાયક જાણે છે. આકરી વાત, બાપા! પણ જુઓને! અંદર છે કે નહિ? કે ‘કર્મના ઉદયના વિપાકથી ઉત્પન્ન થયેલા સમસ્ત ભાવોને (જ્ઞાની) છોડે છે.’ અર્થાત્ ધર્મી બધાય શુભાશુભ વિકલ્પને છોડે છે. અરે! લોકોને નવરાશ કયાં છે? આખો દિ’ બિચારા સંસારની હોળીમાં સળગતા હોય, વેપાર-ધંધો અને બાયડી-છોકરાં સાચવવામાંથી જ ઊંચા ન આવતા હોય ત્યાં આ કયાં જુએ? કોઈવાર ભક્તિ ને ઉપવાસ કરે ને જાત્રાએ જાય, પણ એનાથી તો મંદરાગ હોય તો પુણ્ય થાય પણ ધર્મ નહિ; અને એ વડે ધર્મ થાય એમ માને એટલે મિથ્યાત્વ જ પુષ્ટ થાય. સમજાણું કાંઈ...?
આવો માર્ગ કયાંથી કાઢયો એમ કોઈને થાય, પણ ભાઈ! આ તો ત્રણલોકના નાથ અરિહંત પરમાત્માની દિવ્યધ્વનિમાં આવેલી વાત કુંદકુંદાચાર્યે કહી છે. મહાવિદેહમાં દેવાધિદેવ સર્વજ્ઞ પરમેશ્વર સીમંધર ભગવાન વર્તમાનમાં અરિહંતપદે વિરાજે છે. ત્યાં આચાર્ય કુંદકુંદ સંવત્ ૪૯ માં સદેહે ગયા હતા અને આઠ દિવસ ત્યાં રહ્યા હતા. ત્યાંથી પાછા ભરતમાં આવીને આ સમયસાર આદિ શાસ્ત્રોની રચના કરી છે. ભાઈ! આ શાસ્ત્રો તો ભગવાનની વાણીનો સાર છે. આચાર્ય કુંદકુંદ મહા પવિત્ર દિગંબર સંત હતા. જેમના અંતરમાં અતીન્દ્રિય આનંદનો સાગર હિલોળે ચઢયો હતો. અહાહા...! જેમ દરિયામાં ભરતી આવે તેમ આચાર્યની પરિણતિમાં આનંદની ભરતી આવેલી છે. અહીં ટીકામાં ‘વસ્તુત્વને વિસ્તારતો’ એમ શબ્દ છે ને? તે આવી અલૌકિક મુનિદશાની સ્થિતિ સૂચવે છે.
જુઓ, જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય તે ભાવ પણ કર્મના ઉદયનો વિપાક છે એમ જ્ઞાની જાણે છે અને એમ જાણતો તે સમસ્ત પરભાવોને છોડે છે. ‘તેથી તે (સમ્યગ્દ્રષ્ટિ) નિયમથી જ્ઞાનવૈરાગ્યસંપન્ન હોય છે.’ પહેલાં જ્ઞાન-વૈરાગ્યની બે ગાથાઓ (૧૯પ, ૧૯૬) આવી ગઈ છે એનો આ સરવાળો લીધો છે. શુદ્ધ ચૈતન્યબિંબ