સમયસાર ગાથા-૨૦૦ ] [ ૮૯ જીવ રાગની રુચિની આડમાં રાગથી ભિન્ન અંદર આખો ચૈતન્યથી ભરેલો ભગવાન આત્મા છે તેને જાણતો નથી. રાગને ભલો જાણે તે રાગથી કેમ ખસે? ન જ ખસે. જ્યારે જ્ઞાનીને આત્માની રુચિ અને રાગની અરુચિ છે. તે રાગને ઉપાધિ જાણે છે અને આત્મ-રુચિના બળે તેને દૂર કરે છે. અહા! જ્ઞાની અને અજ્ઞાનીના અભિપ્રાયમાં આસમાન-જમીનનો ફરક છે! અજ્ઞાની તો ઉપાધિભાવને પોતાનો જાણી લાભદાયક માને છે અને તેથી જ અહીં કહ્યું છે કે-અજ્ઞાની પંચમહાવ્રતાદિનું આચરણ કરે-ચોખ્ખાં હોં- તોપણ પાપી જ છે.
ભાઈ! વીતરાગની આજ્ઞા તો વીતરાગતા પ્રગટ કરવાની છે; રાગને પ્રગટ કરવાની અને તેને આદરણીય માનવાની વીતરાગની આજ્ઞા નથી. રાગ કરતાં કરતાં સમ્યગ્દર્શન આદિ નિર્મળ રત્નત્રય પ્રગટ થશે એ તો લસણ ખાતાં ખાતાં કસ્તૂરીનો ઓડકાર આવશે એના જેવી (મિથ્યા) વાત છે. અરે! અજ્ઞાનીઓએ સદાય નિત્ય શરણરૂપ એવા ભગવાન આત્માને છોડી દઈને નિરાધાર ને અશરણ એવા રાગને પોતાનો માની ગ્રહણ કર્યો છે! તેથી અહીં સંતો અતિ સ્પષ્ટ કહે છે કે-પંચમહાવ્રતાદિને પાળનારા હોવા છતાં એને જ કર્તવ્ય અને ધર્મ જાણનારા તેઓ પાપી જ છે, મિથ્યાદ્રષ્ટિ છે. ભારે આકરી વાત! પણ દિગંબર સંતોને કોની પડી છે? તેમણે તો માર્ગ જેવો છે તેવો સ્પષ્ટ જાહેર કર્યો છે. જુઓને! ત્રણ કષાયનો જેમને અભાવ થયો છે એવા તે મુનિવરો કિંચિત્ રાગ તો છે પણ તેને તેઓ આદરણીય માનતા નથી.
અજ્ઞાની અહિંસાદિ પાંચ મહાવ્રત પાળે, ઈર્યા, ભાષા, એષણા આદિ પાંચ સમિતિ પાળે-ચોખ્ખાં હોં-તોપણ તે પાપી છે. આકરી વાત ભગવાન! કેમ પાપી છે? તો કહે છે- ‘यतः आत्मा–अनात्मा–अवगम–विरहात्’ કારણ કે તે આત્મા ને અનાત્માના જ્ઞાનથી રહિત છે. જ્ઞાયકસ્વરૂપી ભગવાન આત્મા છે અને રાગ છે તે આસ્રવ-અનાત્મા છે. હવે જેણે રાગને-વ્રતના પરિણામને-ભલો માન્યો છે તેને આત્મા અને અનાત્માની ખબર નથી. તત્ત્વાર્થસૂત્રમાં વ્રત ને અવ્રત-બન્ને પરિણામને આસ્રવ કહ્યા છે. મોક્ષમાર્ગ- પ્રકાશકમાં પણ આવે છે કે-જો તમે અશુભભાવને પાપ માનો છો અને શુભભાવને ધર્મ માનો છો તો પુણ્ય કયાં ગયું? એમ કે હિંસાદિના ભાવ પાપ છે, અને દયા આદિના ભાવ ધર્મ છે એમ માનો તો પુણ્ય કોને કહેવું? મતલબ કે દયા-અહિંસા આદિ વ્રતના પરિણામ પુણ્ય છે, આસ્રવ છે. આવી વાત લોકોને આકરી પડે છે, પણ શું થાય? વસ્તુસ્થિતિ જ એવી છે. ભાઈ! રાગનો રાગી જીવ મહાવ્રતાદિ આચરે તો પણ મિથ્યાદ્રષ્ટિ જ છે. ગજબનો આકરો કળશ છે!
દયા પાળે, સત્ય બોલે, અચૌર્ય પાળે, જીવનભરનું બ્રહ્મચર્ય પાળે, બહારનો એક ધાગા સરખોય પરિગ્રહ રાખે નહિ અને છતાં પાપી કહેવાય? હા, આચાર્ય અમૃતચંદ્ર કળશમાં