સમયસાર ગાથા-૨૦૦ ] [ ૯પ આત્મબુદ્ધિપૂર્વક પ્રીતિ-અપ્રીતિ થાય છે, તેને સ્વ-પરનું જ્ઞાનશ્રદ્ધાન નથી-ભેદજ્ઞાન નથી - એમ સમજવું’.
જુઓ, જેની વિપરીત માન્યતા છે કે-વ્રત ને તપ વડે મને ધર્મ થશે અને ભગવાનની ભક્તિ-વંદના-જાત્રા વડે સમકિત થશે-તે મિથ્યાદ્રષ્ટિ છે; અને આવું વિપરીત માનનાર મિથ્યાદ્રષ્ટિના અનંતાનુબંધી રાગને અહીં પ્રધાનપણે કહ્યો છે અર્થાત્ અનંતાનુબંધીના રાગને જ અહીં રાગ કહ્યો છે; અસ્થિરતાના રાગને નહિ. જુઓને! અહીં તો પંડિત શ્રી જયચંદજીએ આખું પાનું ભર્યું છે! કહે છે-જેને આવો રાગ હોય છે અર્થાત્ જેને પરદ્રવ્યમાં તથા પરદ્રવ્યથી થતા ભાવોમાં આત્મબુદ્ધિપૂર્વક પ્રીતિ-અપ્રીતિ થાય છે... શું કહ્યું? પરદ્રવ્યમાં અને પરદ્રવ્યથી થતા ભાવોમાં-ભલે પછી તે દેવ, ગુરુ, શાસ્ત્ર કે સ્ત્રી-પુત્રાદિ અન્ય હો-તે સર્વ પરદ્રવ્યમાં અને તેનાથી થતા પુણ્ય-પાપના ભાવોમાં જેને આત્મબુદ્ધિ થાય છે તેને સ્વપરનું જ્ઞાનશ્રદ્ધાન નથી. અહા! જેને પરદ્રવ્યમાં અને પરદ્રવ્યથી થતા પુણ્ય-પાપના ભાવોમાં-તે મારા છે અને મને લાભકારી છે-એમ પ્રીતિ-અપ્રીતિ થાય છે તેને સ્વપરનું શ્રદ્ધાન નથી. જેને રાગનો પ્રેમ છે તેને-આત્મા પોતે સ્વ અને રાગ પર-એવું ભેદજ્ઞાન નથી. આ દેવ-ગુરુ-શાસ્ત્રને પણ જે મારાં માને તેને સ્વપરનું ભેદજ્ઞાન નથી.
હા, પણ આ દીકરા-દીકરી તો અમારાં ખરાં ને? ઉત્તરઃ– ધૂળેય તારાં નથી, સાંભળને! તેઓ તેના છે. તેનો આત્મા તેનો છે અને શરીર શરીરનું છે. શું તે શરીર આત્માનું છે? શું તે શરીર તારું (પિતાનું) છે? શું તેનો આત્મા તારો (-પિતાનો) છે? ના. અહાહા...! પોતે તો જ્ઞાયકસ્વરૂપી આનંદકંદ ભગવાન સ્વસ્વરૂપે છે અને તે સિવાય જે કાંઈ છે તે બધુંય પરદ્રવ્ય છે. તે સર્વ પરદ્રવ્ય અને તેના નિમિત્તથી થતા પુણ્યના ભાવોમાં (અહીં મુખ્યપણે પુણ્ય ઉપર જોર દેવું છે). જેને પોતાપણું છે તેને સ્વ-પરનું ભેદવિજ્ઞાન નથી. એમ સમજવું.
હવે વિશેષ કહે છે-‘જીવ મુનિપદ લઈ વ્રત-સમિતિ પાળે તોપણ જ્યાં સુધી પર જીવોની રક્ષા, શરીર સંબંધી જતનાથી પ્રવર્તવું ઇત્યાદિ પરદ્રવ્યની ક્રિયાથી તથા પરદ્રવ્યના નિમિત્તે થતા પોતાના શુભભાવોથી પોતાનો મોક્ષ માને છે અને પર જીવોનો ઘાત થવો, અયત્નાચારરૂપે પ્રવર્તવું ઇત્યાદિ પરદ્રવ્યની ક્રિયાથી તથા પરદ્રવ્યના નિમિત્તે થતા પોતાના અશુભ ભાવોથી જ પોતાને બંધ થતો માને છે ત્યાં સુધી તેને સ્વપરનું જ્ઞાન થયું નથી એમ જાણવું.
જુઓ, પરદ્રવ્યની ક્રિયા જીવ કરી શકતો નથી. છતાં મુનિપદ લઈને વ્રત-સમિતિ પાળતાં, હું પર જીવોની રક્ષા કરું છું-દયા પાળું છું તથા પર જીવોની હિંસા ન થાય તેમ જતનાથી શરીરાદિને પ્રવર્તાવું છું-એમ જે પરદ્રવ્યની ક્રિયાથી અને પરદ્રવ્યના