૯૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ તિર્યંચમાં જાય તોપણ ત્યાં તે સંસ્કારના બળે સમકિત પામશે. લોકોને આ આકરું પડે છે, પણ શું થાય?
ત્યારે કેટલાક કહે છે-તમે વ્યવહારથી નિશ્ચય થાય એમ માનતા નથી. પણ ભાઈ! આગમ જ આમ કહે છે; શાસ્ત્ર જ આમ કહે છે કે વ્યવહારથી (રાગથી) નિશ્ચય (ધર્મ) થાય એમ માનનારા મિથ્યાદ્રષ્ટિ છે. જુઓ, લખ્યું છે ને કે-તત્ત્વવિચાર રહિત તપશ્ચરણાદિ કરે તોય તેને સમ્યક્ત્વ થવાનો અધિકાર નથી અને તત્ત્વવિચારવાળો એ વિના પણ સમ્યક્ત્વનો અધિકારી થાય છે. વળી ત્યાં જ આગળ જતાં લખ્યું છે કે-
“વળી કોઈ જીવને તત્ત્વવિચાર થવા પહેલાં કોઈ કારણ પામીને દેવાદિકની પ્રતીતિ થાય, વા વ્રત-તપ અંગીકાર થાય અને પછી તે તત્ત્વવિચાર કરે, પરંતુ સમ્યક્ત્વનો અધિકારી તત્ત્વવિચાર થતાં જ થાય છે.” જુઓ, વ્રત-તપ અંગીકાર કરે માટે સમકિત થાય એમ નહિ, પણ તત્ત્વવિચાર થતાં તે સમકિતનો અધિકારી થાય છે. આવી ચોકખી વાત છે, પણ અરેરે! જગતને કયાં પડી છે? આ જીવન પુરું થતાં હું કયાં જઈશ? મારું શું થશે? આવો એને વિચાર જ કયાં છે? એ તો બિચારો સ્ત્રી-પુત્ર-પરિવાર અને બહારની પાંચ-પચાસ લાખની ધૂળમાં-સંપત્તિમાં સલવાઈ પડયો છે. કદાચિત્ સાંભળવા જાય તોપણ એથી શું? તત્ત્વવિચાર - તત્ત્વમંથન કર્યા વિના અને તત્ત્વનિર્ણય પામ્યા વિના બધું થોથેથોથાં છે.
અહીં કહે છે-વ્યવહારનયની મુખ્યતાથી વ્યવહારી જીવોને અશુભ છોડાવી શુભમાં લગાવવા શુભક્રિયાને કોઈ પ્રકારે પુણ્ય પણ કહે છે. વ્રત, તપ, ભક્તિ, જાત્રા, ઉપવાસ આદિ વ્યવહારથી પુણ્ય કહેવાય છે. તથાપિ નિશ્ચયથી તો એ સર્વ શુભક્રિયા, જો શુભક્રિયાને પોતાની માને છે તો, પાપ જ છે. આવી વાત છે.
‘વળી કોઈ પૂછે છે કે-પરદ્રવ્યમાં રાગ રહે ત્યાંસુધી જીવને મિથ્યાદ્રષ્ટિ કહ્યો તે વાતમાં અમે સમજ્યા નહિ. અવિરતસમ્યગ્દ્રષ્ટિ વગેરેને ચારિત્રમોહના ઉદયથી રાગાદિભાવ તો હોય છે, તેમને સમ્યક્ત્વ કેમ છે?’
શું કહ્યું આ? કે આપ શુભભાવ કરનારને મિથ્યાદ્રષ્ટિ કહો છો એ વાત અમે સમજ્યા નહિ; કેમકે અવિરત સમ્યગ્દ્રષ્ટિ વગેરેને પણ ચારિત્રમોહના ઉદયથી શુભભાવ થતો હોય છે. ક્ષાયિક સમકિતીને પણ રાગના પરિણામ તો થાય છે. તો પછી તેમને સમકિત કેમ છે? તેમને રાગ છે છતાં સમકિત કેમ ટકી રહે છે?
તેનું સમાધાનઃ– ‘અહીં મિથ્યાત્વસહિત અનંતાનુબંધી રાગ પ્રધાનપણે કહ્યો છે. જેને એવો રાગ હોય છે અર્થાત્ જેને પરદ્રવ્યમાં તથા પરદ્રવ્યથી થતા ભાવોમાં