સાંભળ્યું નથી. આ છે તો ઘરની વાત, પણ એણે પરઘરની જ આજસુધી માંડી છે. સંસારની વાતોમાં જાણે ડાહ્યાનો (ચતુરનો) દીકરો! પણ અરેરે! ખેદ છે કે તું કોણ છું અને કેવડો છું એની ખબર નથી.
હવે કહે છે- આ નવતત્ત્વની જે ભેદરૂપ દશાઓ તેમનામાં એકપણું પ્રગટ કરનાર ભૂતાર્થનયથી એકપણું પ્રાપ્ત કરીને શુદ્ધનયપણે સ્થપાયેલા આત્માની અનુભૂતિ -કે જેનું લક્ષણ આત્મખ્યાતિ છે-તેની પ્રાપ્તિ હોય છે. લ્યો, જુઓ. નવતત્ત્વરૂપ ભેદોના વિકલ્પમાં રાગની આડમાં જે ત્રિકાળી એકરૂપ આત્મજ્યોતિ ઢંકાએલી છે તેને ભૂતાર્થનય વડે એકપણે પ્રગટ કરવામાં આવતાં, તેમાં એકમાં દ્રષ્ટિ કરીને આત્મપ્રસિદ્ધિ જેનું લક્ષણ છે તે આત્માનુભૂતિ પ્રગટ થઈ જાય છે. નવતત્ત્વમાં આત્મા પ્રસિદ્ધ ન હતો, દ્રવ્ય જે જ્ઞાયક શાશ્વત ચૈતન્યમૂર્તિ છે અને પર્યાય સહિત જોતાં પ્રસિદ્ધ નહોતો થતો તે એકરૂપ ચૈતન્યને જોતાં ચૈતન્યનો પ્રકાશ આત્મખ્યાતિ પ્રસિદ્ધ થાય છે; પ્રાપ્ત થાય છે.
નવના ભેદને જોતાં નવ ભેદ છે ખરા. (પહેલાં કહેવાઈ ગયું કે તીર્થની પ્રવૃત્તિ અર્થે તે ભેદો વ્યવહારથી કહેલા છે) પણ એ આશ્રય કરવા લાયક નથી, કેમકે નવતત્ત્વના ભેદના જ્ઞાનમાં રોકાવાથી રાગની ઉત્પત્તિની પ્રસિદ્ધિ થાય છે, અનાત્માની પ્રસિદ્ધિ થાય છે. પરંતુ આ નવ ભેદોમાં ભૂતાર્થનય એકપણું પ્રગટ કરે છે, એકલા જ્ઞાયકભાવને દેખાડે છે. આ એક ત્રિકાળી જ્ઞાયકભાવની સન્મુખ થઈને જાણવાથી એકપણું પ્રાપ્ત થાય છે, આનંદની અનુભૂતિ દ્વારા આત્મા પ્રસિદ્ધ થાય છે. (તેથી ભૂતાર્થનયથી નવતત્ત્વને જાણવાથી સમ્યગ્દર્શન જ છે એ નિયમ કહ્યો છે.)
હવે નવતત્ત્વ ઉપસ્થિત કેમ થયાં તે કહે છે. ત્યાં વિકારી થવા યોગ્ય અને વિકાર કરનાર-એ બન્ને પુણ્ય છે, તેમ જ એ બન્ને પાપ છે. વિકારી થવા યોગ્ય એટલે જીવની પર્યાયમાં વિકાર થવા યોગ્ય છે. પર્યાયમાં વિકાર થવા યોગ્ય જીવની દશા છે. અને વિકાર કરનાર એટલે અહીં કર્મ જે નિમિત્ત છે એને વિકાર કરનાર છે એમ કહ્યું છે. વિકાર થવા યોગ્ય પર્યાય તો પોતાના ઉપાદાનથી થઈ છે, ઉપાદાનપણે કરનાર પોતે છે; એમાં કર્મનું નિમિત્ત છે. વિકારી થવા યોગ્ય એમ કહીને જીવની પર્યાયની લાયકાત બતાવી છે, દ્રવ્યસ્વભાવ તો એવો નથી વર્તમાન પર્યાય તે વિકાર થવા યોગ્ય અને એમાં કર્મ નિમિત્ત તે વિકાર કરનાર એ બન્ને પુણ્ય છે. વિકારી થવા યોગ્ય છે તે ભાવપુણ્ય અને કર્મનું જે નિમિત્ત છે તે દ્રવ્ય-પુણ્ય-એમ બન્ને પુણ્ય છે. એ જ પ્રમાણે વિકારી થવા યોગ્ય જે જીવની પર્યાય તે ભાવપાપ અને કર્મનું જે નિમિત્ત તે દ્રવ્યપાપ-એમ બન્ને પાપ છે. દ્રવ્યપાપએ, ભાવપાપ થવામાં નિમિત્ત છે. વસ્તુસ્વભાવ પોતે પુણ્ય-પાપને કરનાર નથી. શુભભાવ