થવા લાયક જીવ (પર્યાય) અને એનો કરનાર કર્મનો ઉદય તે અજીવ છે તેને દ્રવ્યપુણ્ય કહીએ. એવી રીતે હિંસા જૂઠ, ચોરી આદિ ભાવપાપ થવા લાયક તો જીવ છે, પર્યાયમાં એવી લાયકાત છે અને કર્મનું જે નિમિત્ત છે તેને દ્રવ્યપાપ કહીએ.
મોહકર્મનો જે ઉદય છે એ તો પાપ જ છે. ઘાતીકર્મનો ઉદય જે છે એતો એકલો પાપરૂપ જ છે. છતાં અહીં પુણ્યભાવપણે પરિણમ્યો છે તેને ભાવપુણ્ય જીવ કહ્યો અને કર્મનો ઉદય (ઘાતીકર્મનો) જે અજીવ છે તેને દ્રવ્ય-પુણ્ય કહ્યો. શાતાનો ઉદય છે એ પુણ્યભાવમાં નિમિત્ત ન થાય. એ તો અઘાતી છે. એનો ઉદય તો સંયોગ આપે. (અઘાતી કર્મ સંયોગમાં નિમિત્ત થાય, પુણ્ય-પાપમાં નિમિત્ત ન થાય) પણ ઘાતીકર્મનો ઉદય જે છે એને અહીં ભાવપુણ્યની અપેક્ષાએ દ્રવ્યપુણ્ય કહ્યો છે. ઘાતીકર્મનો ઉદય મંદ હોય કે તીવ્ર, એ છે તો પાપ જ. કર્મનો ઉદય ભલે તીવ્ર હોય, અહીં રાગની મંદતારૂપ પુણ્યભાવ કરે તો કર્મના ઉદયને દ્રવ્ય-પુણ્ય (મંદ ઉદય) કહેવાય છે. કર્મનો ઉદય મંદ છે માટે અહીં શુભભાવ થયો એમ નથી. અહીં એમ નથી લીધું કે શુભભાવનો ઉદય હોય તો દ્રવ્ય-પુણ્ય. જીવના પુણ્યભાવને જે નિમિત્ત છે એને દ્રવ્ય-પુણ્ય કહ્યું છે. જીવ પોતાના શુભભાવને લાયક છે તે જીવ-પુણ્ય-ભાવપુણ્ય અને એમાં જે કર્મ નિમિત્ત છે તે દ્રવ્ય-પુણ્ય, અજીવ-પુણ્ય કહ્યું છે. (અજીવ પુણ્ય જીવના પુણ્યભાવમાં નિમિત્ત છે, તે પુણ્યભાવ કરાવતું નથી.)
ચાહે એકેન્દ્રિયમાં હો કે પંચેન્દ્રિયની પર્યાયમાં ભગવાન આત્મા જે દ્રવ્યસ્વભાવ છે એ તો એકલો શુદ્ધ ત્રિકાળ છે. અને એ જ્ઞાયક જ ઉપાદેય છે. હવે અહીં કહે છે કે દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ હોવા છતાં એની પર્યાયમાં પુણ્ય, પાપ, આસ્રવ અને બંધ એવો બે ભાગ ઊભા કેમ થાય છે? વસ્તુ એક અને નવ ભેદ જે હેય છે તે ઊભા કેમ થાય છે?
આત્મવસ્તુ દ્રવ્યસ્વભાવથી શુદ્ધ ચૈતન્યરૂપ આનંદઘન છે. તે એકને નવ ન હોઈ શકે. પણ જેને એ દ્રષ્ટિમાં આવ્યો નથી, અનુભવમાં આવ્યો નથી એને પર્યાયમાં વિકાર છે. પર્યાયમાં બીજાનો સંગ-સંબંધ થવાથી તેને નવ ઊભા થાય છે. દ્રવ્યમાં તો કોઈ એવી શક્તિ (ગુણ) નથી જે વિકાર કરે. જો ગુણ એવો હોય તો વિકાર ટળે નહીં. ત્યારે કોઈ કહે કે પર્યાયમાં વિકાર થાય છે ને? સમાધાન એમ છે કે પર્યાયબુદ્ધિવાળાને પર્યાયની યોગ્યતાથી થાય છે, દ્રવ્યબુદ્ધિવાળાને નહીં. દ્રવ્યબુદ્ધિવાળાને એનો નિષેધ થઈ ગયો છે, એતો જ્ઞાતા થઈ ગયો છે. બાપુ! જરા ધીરજથી સમજવું જોઈએ; આ તો સર્વજ્ઞ વીતરાગ પરમેશ્વરનો અલૌકિક માર્ગ છે. એનો વ્યવહાર પણ અલૌકિક રીતે છે. અત્યારે આ વ્યવહાર સિદ્ધ કર્યો છે. વ્યવહારનયથી એ (નવતત્ત્વો) ભૂતાર્થ છે, પણ એ આશ્રય કરવા લાયક નથી; કેમકે એના આશ્રયે સમકિત થતું નથી.