Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2015 of 4199

 

૧૦૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ ખાવું, પીવું, રળવું, કમાવું અને વિષયોના ભોગ ભોગવવા ઇત્યાદિ પાપકાર્યોમાં જ તદ્રૂપ થઈ પડયો છે અને કદાચિત્ નિવૃત્તિ લઈને દયા, દાન, ભક્તિ, વ્રત, પૂજા ઇત્યાદિ કરે તોય એ બધો એકત્વપણા સહિત રાગ જ છે. જ્ઞાનીને આવો રાગ (એકત્વબુદ્ધિનો રાગ) હોતો નથી કેમકે આવો તફાવત સમ્યગ્દ્રષ્ટિ જાણે છે.

અજ્ઞાની હજારો રાણીઓ છોડીને નગ્ન દિગંબર મુદ્રા ધારે, જંગલમાં રહે, કોઈ ચામડી ઉતારીને ખાર છાંટે તોય ક્રોધ ન કરે-એવાં વ્રત પાળે તોપણ તેની દ્રષ્ટિ દ્રવ્યસ્વભાવ ઉપર નથી. તેને દ્રવ્યસ્વભાવની ખબર જ નથી. એ તો જે રાગની ક્રિયા છે તે હું છું અને એ વડે મારું ભલું છે એમ મિથ્યા માને છે. અજ્ઞાનીને ભલે ગમે તેવો રાગ મંદ હોય તોપણ તે મિથ્યાત્વ સહિત જ છે અને તેને જ રાગ ગણ્યો છે. જ્ઞાની આ ભેદને યથાર્થ જાણે છે. જ્ઞાની તો જાણે છે કે વીતરાગ પરમેશ્વર ભગવાન જિનેન્દ્રદેવનો વીતરાગી માર્ગ એક માત્ર વીતરાગસ્વભાવના આશ્રયે જ પ્રગટ થાય છે, રાગથી નહિ.

મિથ્યાદ્રષ્ટિ અને સમ્યગ્દ્રષ્ટિના રાગનો ભેદ એક જ્ઞાની જ જાણે છે, અજ્ઞાની નહિ. હવે કહે છે-‘મિથ્યાદ્રષ્ટિનો અધ્યાત્મશાસ્ત્રમાં પ્રથમ તો પ્રવેશ નથી અને જો પ્રવેશ કરે તો વિપરીત સમજે છે-વ્યવહારને સર્વથા છોડી ભ્રષ્ટ થાય છે અથવા તો નિશ્ચયને સારી રીતે જાણ્યા વિના વ્યવહારથી જ મોક્ષ માને છે, પરમાર્થ તત્ત્વમાં મૂઢ રહે છે.’

શું કહ્યું આ? કે ત્રણલોકના નાથ જિનેન્દ્રદેવે પરમાનંદસ્વરૂપ ભગવાન આત્માના સ્વરૂપના કથનવાળાં અધ્યાત્મશાસ્ત્ર કહ્યાં છે. તે અધ્યાત્મશાસ્ત્રમાં રાગની રુચિવાળા જીવનો પ્રવેશ જ નથી. અહા! જે રાગના ફંદમાં ફસાયા છે તે અજ્ઞાની જીવો ભગવાનનાં કહેલાં શુદ્ધાત્માની કથનીવાળાં અધ્યાત્મશાસ્ત્રોમાં પ્રવેશ જ કરી શકતા નથી. વળી કદાચિત્ પ્રવેશ કરે તો વિપરીત સમજે છે. તે વ્યવહારને સર્વથા છોડી ભ્રષ્ટ થઈ જાય છે. મતલબ કે તે શુભરાગની ક્રિયાઓ ઉથાપીને અશુભ રાગમાં ચાલ્યો જાય છે. અથવા તો તે નિશ્ચયને સારી રીતે એટલે યથાર્થ જાણ્યા વિના અર્થાત્ પૂર્ણાનંદસ્વરૂપ જ્ઞાયકસ્વરૂપ ભગવાન આત્માનો આશ્રય કર્યા વિના માત્ર વ્યવહારથી-શુભરાગથી જ મોક્ષ માને છે. ‘નિશ્ચયને સારી રીતે જાણ્યા વિના’-એમ શબ્દ છે ને? મતલબ કે નિશ્ચયસ્વરૂપ ભગવાન આત્માના આશ્રયને પ્રાપ્ત થયા વિના અજ્ઞાની વ્રત, તપ, દયા, દાન, ભક્તિ, પૂજા ઇત્યાદિના શુભરાગથી મોક્ષ થવો માને છે. પણ ભાઈ! એવો શુભરાગ તો તું અનંત વાર કરીને નવમી ગ્રૈવેયક ગયો છે. એથી શું? છહઢાલામાં આવે છે ને કે-

“મુનિવ્રત ધાર અનંત બાર ગ્રીવક ઉપજાયો,
પૈ નિજ આતમજ્ઞાન બિના સુખ લેસ ન પાયો.”

અહીં એમ કહે છે કે નિશ્ચય નામ સત્ય સિદ્ધસ્વરૂપ ‘સિદ્ધ સમાન સદા પદ મેરો’-એવી જે પોતાની ચીજ છે તેને જાણ્યા વિના અજ્ઞાની એકલા રાગમાં ઊભો