૧૧૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ છે-અપદ છે, (તમારું સ્થાન નથી,) [विबुध्यध्वम्] એમ તમે સમજો. (બે વાર કહેવાથી અતિ કરુણાભાવ સૂચિત થાય છે.) [इतः एत एत] આ તરફ આવો-આ તરફ આવો, (અહીં નિવાસ કરો,) [पदम् इदम् इदं] તમારું પદ આ છે-આ છે [यत्र] જ્યાં [शुद्धः शुद्धः चैतन्यधातुः] શુદ્ધ-શુદ્ધ ચૈતન્યધાતુ [स्व–रस–भरतः] નિજ રસની અતિશયતાને લીધે [स्थायिभावत्वम् एति] સ્થાયીભાવપણાને પ્રાપ્ત છે અર્થાત્ સ્થિર છે-અવિનાશી છે. (અહીં ‘શુદ્ધ’ શબ્દ બે વાર કહ્યો છે તે દ્રવ્ય અને ભાવ બન્નેની શુદ્ધતા સૂચવે છે. સર્વ અન્યદ્રવ્યોથી જુદો હોવાને લીધે આત્મા દ્રવ્યે શુદ્ધ છે અને પરના નિમિત્તે થતા પોતાના ભાવોથી રહિત હોવાને લીધે ભાવે શુદ્ધ છે.)
ભાવાર્થઃ– જેમ કોઈ મહાન પુરુષ મદ્ય પીને મલિન જગ્યામાં સૂતો હોય તેને કોઈ આવીને જગાડે-સંબોધન કરે કે “તારી સૂવાની જગ્યા આ નથી; તારી જગ્યા તો શુદ્ધ સુવર્ણમય ધાતુની બનેલી છે, અન્ય કુધાતુના ભેળથી રહિત શુદ્ધ છે અને અતિ મજબૂત છે; માટે હું તને બતાવું છું ત્યાં આવ, ત્યાં શયન આદિ કરી આનંદિત થા”; તેવી રીતે આ પ્રાણીઓ અનાદિ સંસારથી માંડીને રાગાદિકને ભલા જાણી, તેમને જ પોતાનો સ્વભાવ જાણી, તેમાં જ નિશ્ચિંત સૂતાં છે-સ્થિત છે, તેમને શ્રી ગુરુ કરુણાપૂર્વક સંબોધે છે-જગાડે છે-સાવધાન કરે છે કે “હે અંધ પ્રાણીઓ! તમે જે પદમાં સૂતાં છો તે તમારું પદ નથી; તમારું પદ તો શુદ્ધ ચૈતન્યધાતુમય છે, બહારમાં અન્ય દ્રવ્યોના ભેળ વિનાનું તેમ જ અંતરંગમાં વિકાર વિનાનું શુદ્ધ છે અને સ્થાયી છે; તે પદને પ્રાપ્ત થાઓ-શુદ્ધ ચૈતન્યરૂપ પોતાના ભાવનો આશ્રય કરો”. ૧૩૮.
હવે પૂછે છે કે રાગી (જીવ) કેમ સમ્યગ્દ્રષ્ટિ ન હોય? તેનો ઉત્તર કહે છેઃ-
‘જેને રાગાદિ અજ્ઞાનમય ભાવોના લેશમાત્રનો પણ સદ્ભાવ છે તે ભલે શ્રુતકેવળી જેવો હો તોપણ જ્ઞાનમય ભાવના અભાવને લીધે આત્માને નથી જાણતો;...’
ભાષા જુઓ! ‘જેને રાગાદિ અજ્ઞાનમય ભાવોના’ એમ કહી અહીં, રાગાદિ, અજ્ઞાનમય ભાવો છે એમ કહ્યું છે. આ વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિનો જે રાગ છે તે અજ્ઞાનમય ભાવ છે. એટલે શું? એટલે કે તે મિથ્યાત્વ છે એમ નહિ, પણ એમાં ચૈતન્યનો-જ્ઞાનનો અભાવ છે. અહાહા...! ભગવાન આત્મા આનંદનો નાથ પ્રભુ ઝળહળ જ્યોતિસ્વરૂપ ચૈતન્યબિંબ છે. આવા ચૈતન્યબિંબનું કિરણ દયા, દાન, વ્રત, ભક્તિ આદિ રાગના વિકલ્પોમાં છે નહિ માટે તે અજ્ઞાનમય છે. સમજાણું કાંઈ...?