સમયસાર ગાથા ૨૦૧-૨૦૨ ] [ ૧૧૧
અહાહા...! જેમ સૂર્યનાં કિરણ સફેદ ઉજ્જ્વળ પ્રકાશમય હોય પણ કોલસા જેવાં કાળાં ન હોય તેમ ચૈતન્યસૂર્ય પ્રભુ આત્માનું કિરણ (પર્યાય) નિર્મળ ચૈતન્યમય હોય પણ આંધળા (અંધારિયા) રાગમય ન હોય. ભાઈ! રાગ છે તે ચાહે વ્રતનો હો, તપનો હો, ભક્તિનો હો કે દયા-દાનનો હો, તે અંધકારમય-અચેતન-અજ્ઞાનમય છે. તેમાં જાણપણાનો અભાવ છે ને? જેમ સમ્યગ્દર્શન-જ્ઞાનમાં ચૈતન્યજ્યોતિનું કિરણ છે તેમ રાગમાં જ્ઞાયકસ્વરૂપ ભગવાન આત્માનું કિરણ નથી તેથી રાગ બધોય અજ્ઞાનમય છે.
અરેરે! લોકો બિચારા બહારમાં ફસાઈ ગયા છે! ભાઈ! આ અવતાર (મનુષ્ય ભવ) વ્યર્થ ચાલ્યો જાય છે હોં. બાપુ! આ દેહની સ્થિતિ તો નિશ્ચિત જ છે; અર્થાત્ કયા સમયે દેહ છૂટી જશે તે નિશ્ચિત જ છે. તું જાણે કે હું મોટો થતો જાઉં છું, વધતો જાઉં છું, પણ ભાઈ! તું તો વાસ્તવમાં મૃત્યુની સમીપ જ જાય છે. (માટે જન્મ-મરણનો અંત લાવનારું આ તત્ત્વજ્ઞાન સમજી લે).
પ્રશ્નઃ– હા; પણ આ પૈસા વધે, કુટુંબ-પરિવાર વધે તો એટલું તો વધ્યો કે નહિ? ઉત્તરઃ– ધૂળમાંય વધ્યો નથી સાંભળને. એ પૈસા-લક્ષ્મી અને કુટુંબ-પરિવાર એ બધાં કયાં તારામાં છે? એ તો પ્રગટ ભિન્ન ચીજ છે. ભગવાન! તું અનંત અનંત ગુણોની સમૃદ્ધિથી ભરેલો જ્ઞાનાનંદસ્વભાવી સ્વરૂપલક્ષ્મીનો સ્વામી છો. આવી નિજ ચૈતન્યલક્ષ્મીનો વિશ્વાસ-પ્રતીતિ અને એના અનુભવ વિના જેને માત્ર રાગની ભાવના છે તે ચાહે મોટો રાજા હો, મોટો અબજોપતિ શેઠ હો કે મોટો દેવ હો, તે રાંક ભિખારી જ છે. અહા! જેને માત્ર રાગની ભાવના છે તે પોતાની ચૈતન્યલક્ષ્મીથી રહિત એવા ચાર ગતિમાં રખડનારા બિચારા ભિખારા છે. સમજાણું કાંઈ...? અહા! ભાષા તો જુઓ! ગાથા જ એવી છે ને!
કહે છે-જેને રાગાદિ અજ્ઞાનમય ભાવોનો લેશમાત્ર પણ સદ્ભાવ છે અર્થાત્ અંશમાત્ર રાગની પણ જેને અંતરમાં રુચિ છે તે ચાહે શ્રુતકેવળી જેવો હો તોપણ અજ્ઞાની છે. ગજબ વાત છે ભાઈ! જુઓ, અહીં મિથ્યાત્વસહિત અનંતાનુબંધી રાગને રાગ ગણવામાં આવ્યો છે. ભાઈ! આ તો લોજીકથી-ન્યાયથી વાત છે. પણ માણસને જ્યાં સમજવાની દરકાર જ ન હોય તો શું થાય? ભાઈ! ત્રણલોકના નાથ અરિહંત પરમાત્માની દિવ્યધ્વનિમાં ન્યાયથી માર્ગ સિદ્ધ કરેલો છે. કહે છે-જેને રાગાદિ ભાવોના એટલે પુણ્ય-પાપના ભાવોના લેશમાત્રનો પણ સદ્ભાવ છે તે, ભલે તેને અગિયાર અંગની લબ્ધિ પ્રગટ થઈ હોય તોપણ અજ્ઞાની છે.
જુઓ, ભગવાને કહેલા આચારાંગમાં અઢાર હજાર પદ છે, અને એક એક પદમાં એકાવન કરોડ જાજેરા શ્લોક છે. આવાં આવાં ૧૧ અંગ ભણ્યો હોય તોપણ જ્ઞાનમય ભાવના અભાવને લીધે તે અજ્ઞાની છે. અહા! જાણપણું તો એવું અજબ-ગજબ હોય