Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2025 of 4199

 

૧૧૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ કે લાખો માણસોને ખુશી-ખુશી કરી દે. પણ તે શું કામનું? કેમકે બધું અજ્ઞાન છે ને? તેણે આત્માને કયાં જાણ્યો છે? રાગને પોતાનું સ્વરૂપ માનનારો તે આત્માને- પોતાને જાણતો નથી.

‘સવ્વાગમધરોવિ’-સર્વ આગમધર પણ-એવો પાઠ છે ને? મતલબ કે તે ભગવાને કહેલાં આગમોને ભણેલો છે, અજ્ઞાનીનાં કહેલાં નહિ. અજ્ઞાનીનાં આગમ તો કોઈ વસ્તુ જ નથી, કેમકે તેમાં તત્ત્વનું યથાર્થ સ્વરૂપ જ નથી. અહીં કહે છે-વીતરાગ પરમેશ્વર સર્વજ્ઞ પરમાત્માની દિવ્યધ્વનિમાં આવેલાં એવાં જે આગમ તેનું ક્ષયોપશમ જ્ઞાન કર્યું છે તોપણ જેને રાગની હયાતી છે અર્થાત્ ‘રાગ તે હું છું અને એનાથી મને લાભ છે’-એમ જે માને છે તે સમ્યગ્દ્રષ્ટિ નથી, અજ્ઞાની છે. આવી ભારે આકરી વાત પ્રભુ! ભગવાન જિનેશ્વરદેવનો માર્ગ બહુ ઝીણો છે ભાઈ!

કહે છે-જે ભગવાનની ભક્તિથી મુક્તિ થવાનું માને છે તે રાગની હયાતીને માને છે પણ આત્માને માનતો નથી. સમજાણું કાંઈ...? શું કહ્યું? અહા! દેવાધિદેવ ત્રણલોકના નાથ સર્વજ્ઞ પરમાત્મા એમ ફરમાવે છે કે-‘મારી (-ભગવાનની) ભક્તિ વડે પોતાનું કલ્યાણ થાય છે એમ જે જીવ માને છે તે અજ્ઞાની છે, કેમકે હું (-ભગવાન) તો પરદ્રવ્ય છું અને પરદ્રવ્યના લક્ષે તો રાગ જ થાય છે.’ ભક્તિના રાગથી મુક્તિ માને એણે રાગથી ભિન્ન આત્માને માન્યો જ નથી અને તેથી તે અજ્ઞાની છે. આવી વાત છે. અરે ભાઈ! રાગથી ભિન્ન શુદ્ધ ચૈતન્યમય સ્વદ્રવ્યનો આશ્રય લે ત્યારે રાગરહિત દશા થાય છે અને ત્યારે મુક્તિમાર્ગની પહેલી સીડી એવું સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. આવો માર્ગ બહુ આકરો, પણ આ જ માર્ગ છે ભાઈ! અહીં તો અતિ સ્પષ્ટ કહે છે કે-શ્રુતકેવળી જેવો હો અર્થાત્ સર્વ આગમ જાણતો હોય છતાં પણ રાગનો જે અંશ છે-દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિનો જે વિકલ્પ છે-તે મારો છે એમ જે માને છે તેને રાગની જ હયાતી છે, તેને શુદ્ધ ચૈતન્યની હયાતીની ખબર જ નથી.

પરંતુ રાગને કોઈ પોતાનો ન માને તો? અહા! રાગને પોતાનો ન માને તો તે રાગ કરે જ કેમ? એ તો એનો જાણનાર જ રહે. એ તો વાત અહીં ચાલે છે કે જ્ઞાનીને ભક્તિ આદિનો રાગ આવે છે, હોય છે પણ તેનો તે જાણનાર જ રહે છે. રાગ મારું કર્તવ્ય છે વા એનાથી મને લાભ છે એમ જ્ઞાની માનતો નથી; જ્યારે અજ્ઞાની રાગથી લાભ (ધર્મ) થવાનું માને છે અને તેથી તે રાગનો કર્તા થાય છે.

અહાહા...! આત્મા શુદ્ધ ચૈતન્યજ્યોતિસ્વરૂપ ભગવાન છે. શ્રીમદ્ રાજચંદ્રકૃત આત્મસિદ્ધિમાં આવે છે ને કે-

“શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન સ્વયંજ્યોતિ સુખધામ
બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ.”