સમયસાર ગાથા ૨૦૧-૨૦૨ ] [ ૧૧૩
શુદ્ધ કહેતાં પરમ પવિત્ર, બુદ્ધ એટલે એકલો જ્ઞાનનો પિંડ અને ચૈતન્યઘન કહીને અસંખ્ય પ્રદેશ દર્શાવ્યા છે. અહા! ભગવાન સર્વજ્ઞદેવ સિવાય અસંખ્ય પ્રદેશી જીવ કોઈએ જોયો નથી અને કહ્યો નથી. ભાઈ! આ વસ્તુ જે આત્મા છે તે ચૈતન્યમય અસંખ્ય પ્રદેશનો અનંત ગુણનો પિંડ છે. અહો! ક્ષેત્રથી અસંખ્યપ્રદેશી છે અને ભાવથી અનંત ગુણનો પિંડ એવો ચૈતન્યઘન પ્રભુ આત્મા છે. સ્વયંજ્યોતિ એટલે કોઈથી નહિ કરાયેલો એવો આત્મા સ્વયંસિદ્ધ છે; ઈશ્વર કે બીજો કોઈ તેનો કર્તા છે એમ નથી. વળી તે અતીન્દ્રિય આનંદનું સ્થાન એવો સુખધામ છે. અહો! આવો આત્મા કેમ પમાય! તો કહે છે-ભક્તિ આદિ રાગની ક્રિયાથી તે ન પમાય, કેમકે રાગમાં જ્ઞાન કયાં છે? એ તો જ્ઞાનાનંદસ્વરૂપમાં એકાગ્રતા કરી તેનું સ્વસંવેદનજ્ઞાન કરીને પમાય છે. કહ્યું ને કે-‘કર વિચાર તો પામ.’ વિચાર કહેતાં તેનું જ્ઞાન (-સ્વસંવેદનજ્ઞાન) કરવાથી તે પમાય છે.
ત્યારે કોઈ કહે છે-શું આવો માર્ગ? આમાં તો વ્યવહારનો બધો લોપ થઈ જાય છે. બાપુ! વ્યવહાર વ્યવહારના સ્થાનમાં હો ભલે, પણ વ્યવહારનાં પ્રેમ અને રુચિ કરવાથી તો મિથ્યાત્વ થાય છે. એ જ અહીં કહે છે કે શ્રુતકેવળી જેવો હો તોપણ જો એને વ્યવહારનાં પ્રેમ અને રુચિ છે તો તે સમ્યગ્દ્રષ્ટિ નથી, અજ્ઞાની છે, કેમકે વ્યવહારની રુચિની આડમાં તેને આખો ભગવાન આત્મા ભળાતો નથી. વ્યવહાર હોય છે એની કોણ ના પાડે છે? ભાવલિંગી સાચા સંતો-મુનિવરો જેમને સ્વાત્મજનિત પ્રચુર અતીન્દ્રિય આનંદનું વેદન હોય છે તેમને પંચમહાવ્રતાદિ વ્યવહાર રત્નત્રયનો રાગ હોય છે, પણ તેને તેઓ ભલો કે કર્તવ્ય માનતા નથી. વાસ્તવમાં તેમને વ્યવહારના વિકલ્પમાં હેયબુદ્ધિ હોય છે.
અહીં કહ્યું ને કે રાગાદિ ભાવો અજ્ઞાનમય છે; એટલે કે પંચમહાવ્રતાદિના જે વિકલ્પ છે તેમાં શુદ્ધ ચૈતન્યનો કણ નથી, તેમાં ચૈતન્યની ગંધ પણ નથી, કેમકે એ તો જડના પરિણામ છે. આવી ચોકખી વાત છે; જેને માનવું હોય તે માને. આવી વાત સંપ્રદાયમાં કરી હોય તો ‘દૂર કરી દો એને’-એમ કહે. બાપુ! સંપ્રદાયથી તો દૂર જ છીએ ને! અહીં તો જંગલ છે બાપા! પ્રભુ! એકવાર તારી મોટપનાં ગીત તો સાંભળ. નાથ! તું એકલા ચિદાનંદરસથી ભરેલો ભગવાન છો. અહા! તું રાગના કણમાં જાય (અર્પાઈ જાય) તે તને કલંક છે પ્રભુ! રાગનો કણ-અંશમાત્ર પણ રાગ જેને (પોતાપણે) હયાત છે તે શ્રુતકેવળી જેવો હોય તોપણ મિથ્યાદ્રષ્ટિ છે એમ અહીં કહે છે. અહા! શાસ્ત્રનાં પાનાનાં પાનાં પાણીના પૂરની જેમ મોઢે બોલી જતો હોય તોપણ એથી શું? એ કાંઈ સાચું જ્ઞાન નથી.
અહો! દેવાધિદેવ સર્વજ્ઞ પરમાત્માએ જે ફરમાવ્યું તે અહીં સંતો તેમના આડતિયા થઈને જગત સમક્ષ જાહેર કરે છે કે-ભગવાનના ઘરનો આ માલ છે; તને