૧૨૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭
કહે છે-‘મિથ્યાત્વ વિના ચારિત્રમોહના ઉદયનો રાગ ન લેવો; કારણ કે અવિરત- સમ્યગ્દ્રષ્ટિ વગેરેને ચારિત્રમોહના ઉદયસંબંધી રાગ છે તે જ્ઞાનસહિત છે; તે રાગને સમ્યગ્દ્રષ્ટિ કર્મોદયથી થયેલો રોગ જાણે છે અને તેને મટાડવા જ ઇચ્છે છે; તે રાગ પ્રત્યે તેને રાગ નથી.’
શું કહે છે? કે ચોથે આદિ ગુણસ્થાને સમ્યગ્દ્રષ્ટિને જે ચારિત્રમોહના ઉદયસંબંધી રાગ છે તે જ્ઞાન સહિત છે. એટલે શું? કે જ્ઞાનીને તે રાગ પોતાના જ્ઞાનમાં ભિન્ન મેલપણે ભાસે છે. અહાહા...! હું તો પૂર્ણાનંદનો નાથ ભગવાન છું અને આ રાગ છે તે મેલ છે, પર છે-એમ સમકિતીને રાગ પોતાનાથી ભિન્નપણે ભાસે છે. હું આત્મા આનંદમય છું અને આ રાગ પર છે એમ રાગનું તેને યથાર્થ જ્ઞાન હોય છે. આવું બધું છે, પણ લોકોને બિચારાઓને કુટુંબ-બાયડી-છોકરાં ને સમાજની સંભાળ-સેવા કરવા આડે નવરાશ જ કયાં છે?
હા, પણ કુટુંબની અને સમાજની તો સેવા કરવી જોઈએ ને? અરે ભાઈ! ધૂળેય સેવા કરતો નથી, સાંભળને. હું પરની સેવા કરું છું એમ માનનારા તો બધા મૂઢ મિથ્યાદ્રષ્ટિ છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યની સેવા ત્રણકાળમાં કરી શકે નહિ. સર્વ દ્રવ્યો જ્યાં સ્વતંત્ર પરિણમે ત્યાં કોણ કોનું કામ કરે? શું આત્મા પરનું કાર્ય કરે? પરનો કર્તા આત્મા કદીય છે નહિ.
અહીં તો એમ કહે છે કે સમ્યગ્દ્રષ્ટિને જે રાગ છે તે જ્ઞાન સહિત છે. તીર્થંકર ચક્રવર્તીને ભલે હજી ૯૬ હજાર સ્ત્રી હોય, ૯૬ કરોડ પાયદળ હોય, ને ૯૬ કરોડ ગામ હોય, છતાં તે સંબંધીનો જે રાગ છે તે જ્ઞાન સહિત છે અર્થાત્ તે એને પોતાનાથી ભિન્ન ચીજ છે એમ જાણે છે. રાગમાં કયાંય તેને સ્વામિત્વ નથી. બહુ ઝીણી વાત બાપુ! જન્મ- મરણ રહિત થવાની વાત બહુ ઝીણી છે પ્રભુ!
અરે! એણે આ (-સમકિત) સિવાય બાકી તો બધું અનંતવાર કર્યું છે. પાપ પણ એવાં કર્યાં છે કે અનંતવાર નરકાદિમાં ગયો અને પુણ્ય પણ એવાં કર્યાં છે કે અનંતવાર તે સ્વર્ગમાં ગયો. અહા! નરક કરતાં સ્વર્ગના અસંખ્યગુણા અનંતા ભવ એણે કર્યા છે. શું કહ્યું એ? કે જેટલી (અનંત) વાર નરકમાં ગયો એનાથી અસંખ્યગુણા અનંતા ભવ સ્વર્ગના કર્યા છે. એક નરકના ભવ સામે અસંખ્ય સ્વર્ગના ભવ-એમ નરકના ભવ કરતાં અસંખ્યગુણા અનંતા ભવ એણે સ્વર્ગના કર્યા છે એમ ભગવાનની વાણીમાં આવ્યું છે. મતલબ કે સ્વર્ગમાં અનંતવાર જાય એવા ક્રિયાકાંડ તો ઘણાય કર્યા છે. અરે! શુક્લ લેશ્યાના પરિણામ, જે હમણાં તો છેય નહિ તે કરી કરીને અનંત વાર ગ્રીવક ગયો પણ પાછો ત્યાંથી નીચે પટકાયો. આવે છે ને કે-