સમયસાર ગાથા ૨૦૧-૨૦૨ ] [ ૧૨૧ કરવાના ભાવ કર્યે કર્યા છે. પણ ભાઈ! પરની દયા તો કોઈ પાળી શકતું નથી. પરનું આત્મા શું કરી શકે? સ્વદ્રવ્ય, પરદ્રવ્યનું શું કરે? કાંઈ જ નહિ. ભાઈ! પરની દયા પાળવાનો ભાવ તે રાગ છે, હિંસા છે અને હું પરની દયા પાળી શકું છું એવી માન્યતા મિથ્યાત્વ છે, મહાહિંસા છે. અહીં આવા મિથ્યાત્વસહિતના રાગને રાગ ગણ્યો છે. સમજાણું કાંઈ...?
૭૨ મી ગાથામાં આવ્યું ને કે-પુણ્ય ને પાપના ભાવ છે તે અશુચિ છે, જડ છે અને દુઃખરૂપ છે. આ ત્રણ બોલ ત્યાં લીધા છે. અને ભગવાન આત્મા અત્યંત શુચિ, વિજ્ઞાનઘનસ્વભાવી હોવાથી શુદ્ધ ચૈતન્યમય અને દુઃખનું અકારણ એવું આનંદધામ પ્રભુ છે. ત્યાં ૭૨ મી ગાથામાં આત્માને ‘ભગવાન’ કહીને બોલાવ્યો છે. ‘ભગવાન’ એટલે આ આત્મા હોં, જે ભગવાન (અરિહંત, સિદ્ધ) થઈ ગયા એની વાત નથી. આ તો આત્મા પોતે ‘ભગ’ નામ અનંત જ્ઞાન ને આનંદની લક્ષ્મી અને ‘વાન’ નામ વાળો-અર્થાત્ આત્મા અનંત-બેહદ જ્ઞાન અને આનંદની સ્વરૂપલક્ષ્મીથી ભરેલો ભગવાન છે. તેને પામર માનવો વા પુણ્ય-પાપના રાગ જેવડો માનવો તે મિથ્યાત્વભાવ છે. ભાઈ! પંચમહાવ્રત, પાંચસમિતિ, ત્રણગુપ્તિ ઇત્યાદિના જે વિકલ્પ છે તે અશુચિ, અચેતન અને દુઃખરૂપ છે; જ્યારે પોતાનો આત્મા પરમ પવિત્ર આનંદનું ધામ ચૈતન્યમૂર્તિ ભગવાન છે. આવું જેને અંતરમાં ભેદજ્ઞાન નથી તે રાગના ભાવને પોતાનો માને છે. અહા! જેને પોતાની જ્ઞાનાનંદમય ચૈતન્યસત્તાનો અંતરમાં સ્વીકાર નથી તે, જે પોતામાં નથી એવા શુભાશુભ વિકલ્પને પોતાપણે સ્વીકારે છે. ભાઈ! આ બધા શેઠિયા-કરોડપતિ ને અબજપતિ-અમે લક્ષ્મીપતિ (ધૂળપતિ) છીએ એમ માનનારા બધા મૂઢ મિથ્યાદ્રષ્ટિ છે, કેમકે તેઓ અજીવને જીવ માને છે. અહીં તો એથીય વિશેષ રાગના અંશને પણ જે પોતાનો માને તે રાગી મિથ્યાદ્રષ્ટિ છે અને તેના રાગને અહીં રાગ ગણવામાં આવ્યો છે. મિથ્યાત્વ વિના ચારિત્રમોહના ઉદયના રાગને અહીં ગણવામાં આવ્યો નથી.
અહા! શુદ્ધ ચૈતન્યમૂર્તિ આનંદકંદ પ્રભુ આત્માનો જેને સ્વાનુભવમાં સ્વાદ આવ્યો છે તે સમ્યગ્દ્રષ્ટિ છે. પણ અજ્ઞાનીને સમ્યગ્દર્શન વિના રાગનો સ્વાદ આવે છે અને તે રાગના સ્વાદને લીધે વિષયના સ્વાદથી નવાંકર્મ બાંધે છે. પરંતુ જેણે રાગના સ્વાદની રુચિ છોડીને ચિદાનંદઘનસ્વરૂપ નિજ પરમાત્મદ્રવ્યમાં અંતર્દ્રષ્ટિ કરી છે તેને આત્માના અનાકુળ અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે. તેને ચારિત્રમોહના ઉદયવશ કિંચિત્ રાગ થાય છે પણ તે રાગની ગણતરી ગણવામાં આવી નથી. અનંતાનુબંધી સિવાયનો તેને રાગ હોય છે પણ તે ગણવામાં આવ્યો નથી. કેમ? કેમકે મુખ્ય પાપ તો મિથ્યાત્વ અને અનંતાનુબંધી જ છે.