Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2041 of 4199

 

૧૨૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ પાળે તોય આત્માને જાણતો નથી. કેમકે રાગને જે ભલો જાણે તે રાગથી ખસે કેમ? અને રાગથી ખસ્યા વિના, એનાથી ભેદ કર્યા વિના રાગરહિત ચૈતન્યસ્વરૂપ જણાય કેમ? ભાઈ! વ્રતાદિ છે તે રાગ છે. અને એનોય જેને રાગ છે તે રાગથી ખસતો નથી અને તેથી તો પોતાના આત્માના પરમાર્થસ્વરૂપને જાણતો નથી. હવે વેપાર-ધંધો કરવામાં ને બાયડી-છોકરાં સાચવવામાં ને વિષય-ભોગમાં આખો દિ’ એકલા પાપમાં ચાલ્યો જાય એને નવરાશ મળે કે દિ’? અને તો એ આ સમજે કે દિ’? કદાચિત્ નવરાશ લઈ સાંભળવા જાય તો અંદર ઊંધાં લાકડાં ખોસીને આવે કે-વ્રત કરો, તપસ્યા કરો એટલે ધર્મ થઈ જશે. શ્રીમદે ઠીક જ કહ્યું છે કે બિચારાને કુગુરુ લૂંટી લે છે.

ભાઈ! વીતરાગનો માર્ગ-સમ્યગ્દર્શનનો માર્ગ કોઈ અચિંત્ય, અલૌકિક છે! એ માર્ગ બાપુ! માખણ ચોપડે મળે એમ નથી. દાન, તપ ઇત્યાદિના રાગથી ધર્મ મનાવતાં કદાચ લોકો રાજી થશે પણ તારો આત્મા રાજી નહિ થાય ભગવાન! કોઈ દાનમાં પાંચ- પચીસ લાખ ખર્ચે વા કોઈ મહિના-મહિનાના ઉપવાસ કરે તેથી ધર્મ થઈ જાય એવું ધર્મનું સ્વરૂપ નથી. ધર્મ તો વીતરાગસ્વરૂપ છે, અને એ (દાનાદિ) તો બધો રાગ છે. એમાંય રાગની મંદતા હોય તો પુણ્ય થાય, ધર્મ નહિ. વળી જો તે પુણ્યને ભલું જાણે તો મિથ્યાત્વ થાય. આવી આકરી વાત બાપા! જગતને પચાવવી મહા કઠણ! પણ ભગવાન ત્રણલોકના નાથની આ જ આજ્ઞા છે. રાગને ભલો માનવો તે ભગવાનની આજ્ઞા નથી. અહા! અંદર અકષાયરસનો પિંડ એવો પુણ્ય-પાપ રહિત સદા વીતરાગસ્વભાવી ભગવાન વિરાજી રહ્યો છે. તેને ભલો નહિ જાણતાં ભાઈ! જો તું પુણ્યને ભલું જાણે છે તો તું પોતાના આત્માને જાણતો જ નથી.

અજ્ઞાની જીવ કર્મોદયજનિત રાગને જ સારો માને છે અને તે વડે જ પોતાનો મોક્ષ થવો માને છે. જુઓ આ વિપરીતતા! બાપુ! રાગ છે એ તો કર્મના ઉદયના નિમિત્તે ઉત્પન્ન થયેલો ઔપાધિક ભાવ છે; તે કાંઈ આત્માથી ઉત્પન્ન થયેલો સ્વભાવભાવ નથી. ધર્મ તો સ્વભાવભાવ છે. આવી વાત! અહીં તો આ (વાત) ૪૨ વર્ષથી ચાલે છે, આ કાંઈ નવી વાત નથી. આ સમયસાર તો ૧૮ મી વાર પ્રવચનમાં ચાલે છે. એની લીટીએ લીટી અને શબ્દેશબ્દનો અર્થ થઈ ગયો છે. અહા! પણ શું થાય? જગતને તો તે જ્યાં-જે સંપ્રદાયમાં-પડયું હોય ત્યાંથી ખસવું મુશ્કેલ-કઠણ પડે છે. કદાચિત્ ત્યાંથી ખસે તો રાગથી ખસવું વિશેષ કઠણ પડે છે. પણ ભાઈ! ધર્મ તો રાગરહિત વીતરાગતામય જ છે અને તે વીતરાગનો માર્ગ એક દિગંબર જૈનધર્મ સિવાય બીજે કયાંય નથી. રાગને ભલો જાણી રાગને આચરવો એ તો વીતરાગનો માર્ગ છે જ નહિ. સમજાણું કાંઈ...?

ભાઈ! આવો મનુષ્યભવ મળ્‌યો એમાં આ અવસરે આ ન સમજ્યો તો કયારે