Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2042 of 4199

 

સમયસાર ગાથા ૨૦૧-૨૦૨ ] [ ૧૨૯ સમજીશ? અને તો તારી શી ગતિ થશે? આ-ભવરૂપી પડદો બંધ થશે ત્યારે તું કયાં જઈશ પ્રભુ? આ દેહ કાંઈ તારી ચીજ નથી; એ તો જોતજોતામાં છૂટી જશે. અને તું તો અવિનાશી તત્ત્વ છો, તારો કાંઈ નાશ થાય એમ નથી. તો તું કયાં રહીશ પ્રભુ? અહા! જેની દ્રષ્ટિ રાગની રુચિથી ખસતી નથી તે મિથ્યાદ્રષ્ટિ જીવ નરક-નિગોદાદિમાં રઝળતો અનંતકાળ મિથ્યાત્વના પદમાં રહેશે. શું થાય? (રાગની રુચિનું ફળ જ એવું છે.)

પ્રશ્નઃ– શુભભાવને જ્ઞાની હેય માને છે એમ આપ કહો છો, પણ તે શુભભાવ કરે છે તો ખરો?

સમાધાનઃ– ભાઈ! પુરુષાર્થની નબળાઈને કારણે જ્ઞાનીને દયા, દાન, ભક્તિ આદિનો શુભભાવ આવે છે-હોય છે, પણ તેને હું કરું, તે મારું કર્તવ્ય છે-એવો અભિપ્રાય એને કયાં છે? શુભભાવ હોવો એ જુદી વાત છે અને શુભભાવ ભલો છે એમ જાણી કરવો-આચરવો એ જુદી વાત છે. જ્ઞાની શુભભાવ કરતો-આચરતો જ નથી. એ તો કહ્યું ને કે એને રાગનું નિશ્ચયે સ્વામિત્વ જ નથી, માટે એને લેશમાત્ર રાગ નથી.

અજ્ઞાનીએ રાગને જ ભલો માન્યો છે અને તેનાથી જ પોતાનો મોક્ષ માન્યો છે. ‘આ રીતે પોતાના અને પરના પરમાર્થસ્વરૂપને નહિ જાણતો હોવાથી જીવ-અજીવના પરમાર્થસ્વરૂપને જાણતો નથી.’

જુઓ, ભગવાન આત્માનું પરમાર્થસ્વરૂપ જ્ઞાનાનંદમય પરમ સુખધામ છે; જ્યારે રાગનું સ્વરૂપ વિકાર અને દુઃખ છે. હવે જો રાગને ભલો જાણ્યો તો તે રાગને-પરને જાણતો નથી અને રાગરહિત પોતાના આત્માને પણ જાણતો નથી. આ રીતે પોતાને અને પરને નહિ જાણતો તે જીવ-અજીવના પરમાર્થસ્વરૂપને જાણતો નથી. ટીકામાં પણ આ લીધું છે. અહો! આ તો ભગવાનની દિવ્યધ્વનિમાં આવેલી વાત છે. ભગવાને જે કહ્યું તે અહીં કુંદકુંદાચાર્યે જાહેર કર્યું છે. શ્રી કુંદકુંદાચાર્ય મહાવિદેહમાં ભગવાન (સીમંધરસ્વામી) પાસે ગયા હતા અને આઠ દિવસ ત્યાં રહ્યા હતા. ત્યાંથી આવીને આ સમયસાર આદિ શાસ્ત્રો રચ્યાં છે. તેઓ આ પોકારીને કહે છે કે-

અજ્ઞાની પોતાના અને પરના પરમાર્થસ્વરૂપને જાણતો નથી અને તેથી તે જીવ- અજીવના પરમાર્થસ્વરૂપને જાણતો નથી. ‘અને જ્યાં જીવ અને અજીવ-બે પદાર્થોને જ જાણતો નથી ત્યાં સમ્યગ્દ્રષ્ટિ કેવો?’ અહા! હજી જ્યાં સ્વ-પરને ઓળખતો જ નથી ત્યાં સ્વ-પરનું શ્રદ્ધાન કેવું? અને શ્રદ્ધાનના અભાવે તે સમ્યગ્દ્રષ્ટિ કેવો? હજી ચોથા ગુણસ્થાનનાં જ ઠેકાણાં નથી ત્યાં સમ્યગ્દ્રષ્ટિ કેવો?