Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2043 of 4199

 

૧૩૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭

‘માટે રાગી જીવ સમ્યગ્દ્રષ્ટિ હોઈ શકે નહિ.’ અર્થાત્ રાગના રાગવાળો, રાગનો રાગી એવો જીવ સમ્યગ્દ્રષ્ટિ હોઈ શકે નહિ. જુઓ, રાગવાળો સમ્યગ્દ્રષ્ટિ હોઈ શકે નહિ- એમ નહિ, પરંતુ રાગનો જે રાગી છે તે સમ્યગ્દ્રષ્ટિ હોઈ શકે નહિ. ન્યાય સમજાય છે? આ તો ન્યાયનો-લોજીકનો માર્ગ છે. અહીં તો ન્યાયથી વાતને સિદ્ધ કરે છે, કંઈ કચડી- મચડીને નહિ. છતાં દુનિયાને ન રુચે એટલે આ શું પાગલ જેવી વાત કરે છે?-એમ કહે, પણ પાગલો ધર્મીને પાગલ કહે એમાં શું આશ્ચર્ય છે? પરમાત્મપ્રકાશમાં આવે છે કે દુનિયાના લોકો-પાગલો ધર્માત્માને પાગલ માને છે.

હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેે, જે કાવ્ય દ્વારા આચાર્યદેવ અનાદિથી રાગાદિકને પોતાનું પદ જાણી સૂતેલાં રાગી પ્રાણીઓને ઉપદેશ કરે છેઃ-

* કળશ ૧૩૮ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

શ્રી ગુરુ સંસારી ભવ્ય જીવોને સંબોધે છે કેઃ-

‘अन्धाः’ હે અંધ પ્રાણીઓ! અંધ કેમ કહ્યા? કે પોતાની ચીજ જે ત્રિકાળ શુદ્ધ જ્ઞાનાનંદમય નિર્મળાનંદનો નાથ પ્રભુ અંદર પડયો છે તેને દેખતા નથી તેથી અંધ કહ્યા. શરીર, ધન, લક્ષ્મી ઇત્યાદિ બહારની ચીજમાં ઉન્મત્ત થયેલા-મૂર્ચ્છાઈ ગયેલા પ્રાણીઓ સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્માને દેખતા નથી, ભાળતા નથી તેથી તેઓ અંધ છે એમ કહેવું છે. તેથી કહે છે-

હે અંધ પ્રાણીઓ! ‘आसंसारात्’ અનાદિ સંસારથી માંડીને ‘प्रतिपदम्’ પર્યાયે પર્યાયે ‘अमी रागी जीवाः’ આ રાગી જીવો ‘नित्यमत्ताः’ સદાય મત્ત વર્તતા થકા ‘यस्मिन् सुप्ताः’ જે પદમાં સૂતા છે-ઊંઘે છે ‘तत्’ તે પદ અર્થાત્ સ્થાન ‘अपदम् अपदम्’ અપદ છે, અપદ છે.

શું કહ્યું? કે અનાદિ સંસારથી જીવ પર્યાયમાં ઘેલો બન્યો છે. જે પર્યાય મળી તે પર્યાય જ મારું સ્વરૂપ છે એમ ઉન્મત્ત-પાગલ થઈને વર્તે છે. અહા! હું દેવ છું, હું મનુષ્ય છું, હું નારકી છું, હું તિર્યંચ છું, હું શેઠ છું, હું દરિદ્રી છું, હું પંડિત છું, હું મૂર્ખ છું, ઇત્યાદિપણે પર્યાયે પર્યાયે પોતાને માને છે અને પર્યાયમાં જ અહંબુદ્ધિ ધારે છે; પરંતુ પોતાના ત્રિકાળી ધ્રુવ ચૈતન્યમાત્ર આત્મસ્વરૂપમાં દ્રષ્ટિ કરતો નથી. સ્વરૂપમાં દ્રષ્ટિ કરે તો ન્યાલ થઈ જાય પણ દ્રષ્ટિ કરતો નથી તેથી તો અંધ કહીને આચાર્યદેવ સંબોધે છે.

વાહ! એકકોર ગાથા ૭૨ માં ‘ભગવાન આત્મા’ એમ ‘ભગવાન’ કહીને બોલાવે અને અહીં ‘અંધ’ કહીને સંબોધે! આ વળી કેવું?