Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2044 of 4199

 

સમયસાર ગાથા ૨૦૧-૨૦૨ ] [ ૧૩૧

ભાઈ! આત્મા સદા સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન છે. સ્વભાવથી તે સદા પરમાત્મસ્વરૂપે-ભગવાનસ્વરૂપે જ છે. આવા સ્વભાવની અપેક્ષાએ ત્યાં ગાથા ૭૨ માં એને ‘ભગવાન’ કહીને બોલાવ્યો છે. ત્યારે અહીં પોતે પર્યાયમાં-રાગદ્વેષ, પુણ્યપાપના ભાવ અને તેના ફળમાં-ઉન્મત્ત-પાગલ થઈને વર્તતો થકો તે નિત્યાનંદસ્વભાવને જોતો નથી તેથી ‘અંધ’ કહીને સંબોધ્યો છે. બન્ને વખતે સ્વરૂપમાં જ દ્રષ્ટિ કરાવવાનું પ્રયોજન છે. સમજાણું કાંઈ...?

કહે છે-અનાદિ સંસારથી રાગી પ્રાણી પર્યાયમાં જ મત્ત વર્તતો થકો જે પદમાં સૂતો છે તે પદ અપદ છે, અપદ છે; મતલબ કે તે પદ તારું સ્વપદ નથી. બાપુ! આ શરીર, ઇન્દ્રિય, ધન-સંપત્તિ, મહેલ-મકાન, સ્ત્રી-પરિવાર ઇત્યાદિમાં મત્ત-મોહિત થઈ તું સૂતો છે પણ એ બધાં અપદ છે, અપદ છે. આ રૂપાળું શરીર દેખાય છે ને? ભાઈ! તે એકવાર અગ્નિમાં સળગશે, શરીરમાંથી હળહળ અગ્નિ નીકળશે અને તેની રાખ થઈ ફૂ થઈ જશે. પ્રભુ! એ તારી ચીજ કયાં છે? એ તો અપદ છે. આ પુણ્યના ભાવ અને તેના ફળમાં પ્રાપ્ત દેવપદ, રાજપદ, શેઠપદ ઇત્યાદિમાં તું મૂર્ચ્છિત થઈ પડયો છે પણ એ બધાં અપદ છે અર્થાત્ તે તારાં ચૈતન્યનાં અવિનાશી પદ નથી. અંદર ભગવાન ચૈતન્યદેવ પ્રભુ આત્મા એક જ તારું અવિનાશી પદ છે.

ભાઈ! તું દેહની, ઇન્દ્રિયોની, વાણીની અને બાહ્ય પદાર્થોની રાતદિવસ સંભાળ કર્યા કરે છે, સજાવટ કર્યા કરે છે; પણ એ તો અપદ છે ને પ્રભુ! તે અપદમાં કયાં શરણ છે? નાશવંત ચીજનું શરણ શું? ભગવાન! એ ક્ષણવિનાશી ચીજો તારાં રહેવાનાં અને બેસવાનાં સ્થાન નથી; તે અપદ છે અપદ છે એમ ‘विबुध्यध्वम्’ સમજો. અહીં ‘અપદ’ શબ્દ બે વાર કહેવાથી કરુણાભાવ સૂચિત થાય છે. અહા! સંતોની શું કરુણા છે! કહે છે- ભગવાન! પોતાના ભગવાનસ્વરૂપને ભૂલીને હું દેવ છું, હું રાજા છું, હું પુણ્યવંત છું, હું ધનવંત છું ઇત્યાદિ નાશવંત ચીજમાં કેમ અહંબુદ્ધિ ધારે છે? તને શું થયું છે પ્રભુ! કે આ અપદમાં તને પ્રીતિ અને પ્રેમ છે? ભાઈ! ત્યાં રહેવાનું અને બેસવાનું તારું સ્થાન નથી.

જેમ દારૂ પીને કોઈ રાજા ઉકરડે જઈને સૂતો હોય તેને બીજો સુજ્ઞ પુરુષ આવીને કહે કે-અરે રાજન્! શું કરો છો આ? કયાં છો તમે? તમારું સ્થાન તો સોનાનું સિંહાસન છે. તેમ મોહરૂપી દારૂ પીને ઉન્મત્ત થયેલો અજ્ઞાની જીવ પોતાના શુદ્ધ સચ્ચિદાનંદ ભગવાનને ભૂલીને અસ્થાનમાં-સ્ત્રી-પુત્ર-પરિવાર, ધન-સંપત્તિ, શરીર આદિમાં જઈને સૂતો છે. તેને આચાર્યદેવ સાવધાન-જાગ્રત કરીને કહે છે-અરે ભાઈ! તું જ્યાં સૂતો છે એ તો અસ્થાન છે, અસ્થાન છે; ‘इत = एत एत’ આ તરફ આવો, આ તરફ આવો. છે? બે વાર કહ્યું છે કે-આ તરફ આવો, આ તરફ આવો. અહો! આચાર્યની અસીમ (વીતરાગી) કરુણા છે. અપદ છે, અપદ છે-એમ બે વાર