વધઘટ નથી, ઓછું-અધિક નથી એવો એકરૂપ છે. પર્યાય છે એ તો ભિન્નભિન્ન યોગ્યતાથી થાય છે, સ્વભાવ એકસદ્રશ, નિત્ય, ધ્રુવ રહે છે. આવા ચિત્સામાન્ય અભેદ એકરૂપ સ્વભાવની સમીપ જઈને અનુભવ કરવામાં આવતાં તે નવતત્ત્વો અભૂતાર્થ છે, જૂઠા છે. વ્યવહારનયે નવ સાચા છે, પણ સ્વભાવના અનુભવની દ્રષ્ટિમાં નવે અસત્યાર્થ છે. આવો સમ્યક્ અનેકાંતમાર્ગ છે, ભાઈ. એક અપેક્ષાએ વ્યવહારનયથી નવતત્ત્વો સાચાં કહ્યાં, તો એક અપેક્ષાએ ત્રિકાળ ધ્રુવ દ્રવ્યની દ્રષ્ટિમાં તે જણાતાં નથી, અનુભવાતાં નથી તેથી અસત્યાર્થ જૂઠાં કહ્યાં. જ્યાં જે અપેક્ષા હોય ત્યાં તે અપેક્ષા બરાબર જાણવી જોઈએ.
તેથી આ નવતત્ત્વોમાં ભૂતાર્થનયથી એક જીવ જ પ્રકાશમાન છે. નવતત્ત્વોમાં સત્દ્રષ્ટિથી-દ્રવ્યદ્રષ્ટિથી જોતાં જ્ઞાયક, જ્ઞાયક, જ્ઞાયક, એક જીવ જ પ્રકાશમાન છે. એમ તે એકપણે પ્રકાશતો શુદ્ધનયપણે અનુભવાય છે. એ એકપણાનો અનુભવ થતાં આત્મા ત્રિકાળ ‘શુદ્ધ’ આવો છે એમ આત્મ-પ્રસિદ્ધિ થાય છે. ત્યારે જે આ અનુભૂતિ થઈ તે આત્મખ્યાતિ જ છે અને આત્મખ્યાતિ તે સમ્યગ્દર્શન જ છે. આ રીતે સર્વ કથન નિર્દોષ જ છે, બાધા રહિત છે. અહાહા! આ એકરૂપ ચૈતન્યઘનસ્વભાવની અનુભૂતિ તે આત્મખ્યાતિ આત્માની ઓળખાણ, અને આત્મખ્યાતિ તે સમ્યગ્દર્શન જ છે.
આ નવતત્ત્વોમાં, શુદ્ધનયથી જોઈએ તો, જીવ જ એક ચૈતન્ય-ચમત્કારમાત્ર પ્રકાશરૂપ પ્રગટ થઈ રહ્યો છે. અહાહા! પર્યાયમાં નવતત્ત્વોના ભેદરૂપ પરિણમન હોવા છતાં, જેમાં વસ્તુની સ્થિતિ પ્રકાશમાન છે એવા શુદ્ધનયથી જોતાં એકલો જ્ઞાયક, જ્ઞાયક, જ્ઞાયક, શુદ્ધ પ્રત્યક્ષ છે, નવતત્ત્વો કાંઈ જુદાં જુદાં દેખાતાં નથી.
જ્યાં સુધી આ રીતે એટલે શુદ્ધનયની દ્રષ્ટિ વડે જીવતત્ત્વનું જાણપણું નથી ત્યાં સુધી તે વ્યવહારદ્રષ્ટિ છે. માત્ર પર્યાયને, ભેદને જ માને એ ભેદદ્રષ્ટિ-વ્યવહારદ્રષ્ટિ છે. તે આ જીવ છે, પર્યાય છે, આસ્રવ છે, પુણ્ય છે ઈત્યાદિ જુદાં જુદાં નવતત્ત્વને જ માને છે તેથી મિથ્યાદ્રષ્ટિ છે. જીવ-પુદ્ગલના બંધરૂપ અવસ્થાદ્રષ્ટિથી જોતાં આ પદાર્થો જુદા જુદા દેખાય છે. અર્થાત્ પર્યાયદ્રષ્ટિથી જોતાં આ જીવ છે, પુણ્ય છે, પાપ છે એમ ભિન્ન ભિન્ન દેખાય છે. પણ જ્યારે શુદ્ધનયથી જીવ-પુદ્ગલનું નિજસ્વરૂપ-એટલે કે એક જ્ઞાયક આત્માનું શુદ્ધ સ્વરૂપ અને એકલા પુદ્ગલનું ભિન્ન સ્વરૂપ-એમ નિજસ્વરૂપ ભિન્ન ભિન્ન જોવામાં આવે ત્યારે એ પુણ્ય, પાપ આદિ નવતત્ત્વ કાંઈ વસ્તુ નથી; કેમકે એકલો જ્ઞાયકભાવ ભિન્ન અને પુદ્ગલ પણ ભિન્ન એમ જોતાં એ નવ ત્યાં દેખાતા નથી.