જ્ઞાયકભાવ દ્રષ્ટિમાં આવતાં નિમિત્તનું લક્ષ છૂટી ગયું, અને નિમિત્તથી થતા ભાવોનું પણ લક્ષ છૂટી ગયું. એટલે એકલો જ્ઞાયકભાવ નજરમાં આવતાં નવભેદ બધા જૂઠા છે. અંતરમાં ભગવાન જ્ઞાયકભાવ ધ્રુવ ચૈતન્યઘનને જોતાં નિમિત્ત-નૈમિત્તિકભાવ રહેતા નથી, કારણ કે આ બાજુ અંતરમાં જોતાં નિમિત્ત રહેતું નથી. (નિમિત્તનું લક્ષ છૂટી જાય છે) અને નિમિત્તની અપેક્ષાવાળા ભાવ પણ થતા નથી. વસ્તુ વસ્તુમાં રહી જાય છે. પુણ્ય, પાપ, આસ્રવ, બંધ એ જીવની પર્યાયમાં થતા નૈમિત્તિક ભાવ છે, એમાં નિમિત્ત-કર્મના સદ્ભાવની અપેક્ષા આવે છે. અને સંવર, નિર્જરા અને મોક્ષ એ નૈમિત્તિકભાવમાં નિમિત્તકર્મના અભાવની અપેક્ષા આવે છે. હવે સહજ આત્મસ્વરૂપ પૂર્ણાનંદનો નાથ જે ભગવાન આત્મા એને જોતાં આ નવભેદ દેખાતા નથી, રહેતા નથી, એટલે નિમિત્ત-નૈમિત્તિકભાવ મટી જાય છે. ત્યારે જીવ-પુદ્ગલ જુદાં જુદાં હોવાથી બીજી કોઈ વસ્તુ સિદ્ધ થઈ શકતી નથી. પુદ્ગલ પુદ્ગલરૂપે અને જ્ઞાયક જ્ઞાયકરૂપે ભિન્ન ભિન્ન થઈ જાય છે.
નવને જોનારી ભેદદ્રષ્ટિ એતો અનાદિની મિથ્યાદ્રષ્ટિ છે. પર્યાયના ભેદની રુચિમાં તો આખું દ્રવ્ય ઢંકાઈ ગયું છે. હવે ભેદ પરથી નજર હઠાવી, એક ત્રિકાળી જ્ઞાયકભાવને જોતાં જીવ-પુદ્ગલના સંબંધે જે ભેદવાળી પર્યાય હતી એ રહેતી નથી, કેમકે જ્ઞાયક ધ્રુવ ચૈતન્યપ્રકાશની દ્રષ્ટિ કરતાં નિમિત્ત-નૈમિત્તિકભાવનો અભાવ થઈ જાય છે. એકલા જ્ઞાયકને જોતાં ચૈતન્યસ્વરૂપ જે રાગની રુચિમાં ઢંકાઈ ગયું હતું તે પ્રગટ થાય છે. એનું નામ સમ્યગ્દર્શન છે. નવમાંથી એકલો જાણક, જાણક, જાણક- એવા ધ્રુવ સ્વભાવને ભિન્ન તારવી અનુભવવો એ સમ્યગ્દર્શન છે. આ સિવાય લાખો કરોડો રૂપિયા ખર્ચે અને મંદિરો બનાવે, દેવશાસ્ત્રગુરુને બહારથી માને કે નવતત્ત્વને ભેદરૂપ માને-એ બધું થોથેથોથાં છે, સમ્યગ્દર્શન નથી.
કળશટીકામાં તો ત્યાં સુધી કહ્યું છે કે-‘નવતત્ત્વરૂપ વસ્તુનો અનુભવ મિથ્યાત્વ છે.’ નવતત્ત્વરૂપે તો આત્મા અનાદિથી પરિણમ્યો છે. અનાદિથી મિથ્યાદ્રષ્ટિ જીવને સંવર, નિર્જરા, મોક્ષ સાચાં નથી. અપેક્ષિત સંવર, નિર્જરા, મોક્ષ કહ્યા છે. મિથ્યાત્વમાં પણ અમુક પ્રકૃતિઓ બંધાતી નથી એ અપેક્ષાએ અબંધ ગણ્યો છે. તથા જેટલે અંશે આસ્રવ આદિની બીજી પ્રકૃતિઓ આવતી નથી એ અપેક્ષાએ સંવર ગણ્યો છે. સંવર એટલે સાચો સંવર એમ નહીં.
આવા નવતત્ત્વરૂપ વસ્તુને અનુભવતાં મિથ્યાત્વ છે; માટે શુદ્ધનયથી જીવને જાણવાથી જ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ છે. લ્યો, આ એકાંત કહ્યું. એ સમ્યક્ એકાંત છે, સમ્યક્ એકાંત. અંતરમાં ઢળે છે ત્યારે એને અનેકાંતનું સાચું જ્ઞાન થાય છે. નવતત્ત્વોમાંથી એક જ્ઞાયક