તત્ત્વને ભિન્ન તારવી અનુભવે ત્યારે નવનું જ્ઞાન યથાર્થ થયું કહેવાય. પર્યાયથી ભેદરૂપ વસ્તુને જાણે તો અનેકાંત થાય એમ નથી. પર્યાય છે, નવના ભેદ છે-એ વાત તો બરાબર છે, પરંતુ એનો આશ્રય લેવો, એને જાણવા, માનવા એતો મિથ્યાદર્શન છે. શ્રીમદે કહ્યું છે કે -‘અનેકાંત પણ સમ્યક્ એકાંત એવા નિજપદની પ્રાપ્તિ સિવાય અન્ય હેતુએ ઉપકારી નથી.’
એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય સુધીની બધી પર્યાયોમાં પણ વસ્તુ-દ્રવ્ય તો જ્ઞાયકપણે જ છે. શું એ દ્રવ્ય કાંઈ એકેન્દ્રિયની પર્યાયપણે થયું છે? એમ એ દ્રવ્ય શું આસ્રવની પર્યાયપણે થયું છે? એમ બંધભાવપણે દ્રવ્ય થયું છે? અહાહા...! એ તો જ્ઞાયક, જ્ઞાયક, જ્ઞાયકરૂપે જ અનાદિ એકરૂપ રહ્યું છે. એકેન્દ્રિય, બે ઈન્દ્રિય, પંચેન્દ્રિય એ કાંઈ વાસ્તવિક જીવ નથી; અંદર જે જ્ઞાયકભાવ છે તે જીવ છે.
જ્યાં સુધી જુદા જુદા નવ પદાર્થો જાણે,આ પુણ્ય, આ પાપ, આ સંવર, આ નિર્જરા, એમ વસ્તુને ભેદરૂપ જાણે; પણ શુદ્ધનયથી આત્માને જાણે નહીં ત્યાંસુધી પર્યાયબુદ્ધિ છે, દ્રવ્યબુદ્ધિ નથી. એક શુદ્ધનયથી આત્મવસ્તુને જાણ્યા વિના કદી સમ્યગ્દર્શન થાય નહીં.
શુદ્ધનયથી જીવને જાણવાથી જ સમકિત છે, અન્યથા નહીં. પર્યાયથી વસ્તુને જુએ તો સમ્યગ્દર્શન થાય નહીં. દ્રવ્ય સાથે પર્યાયને ભેળવીને જુએ તો પણ સમકિત થઈ શકે નહીં. દ્રવ્યદ્રષ્ટિથી જ્યાંસુધી આત્માને દેખે નહીં ત્યાંસુધી પર્યાયબુદ્ધિ છે. નિયમસારની ગાથા પ ની ટીકામાં આવે છે કે -અંતઃતત્ત્વરૂપ પરમાત્મતત્ત્વ અને બહિઃતત્ત્વનો કોઈ અંશ ભેળવીને શ્રદ્ધા કરવી એ વ્યવહાર સમકિત છે. અંતઃતત્ત્વ એટલે પૂર્ણસ્વરૂપ શુદ્ધ જીવ વસ્તુ અને બહિઃતત્ત્વ એટલે પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ બે ભેદોવાળા તત્ત્વો-એની શ્રદ્ધા એ વ્યવહાર સમકિત છે. વ્યવહાર સમકિત એટલે જ રાગ, વિકલ્પ. વ્યવહાર સમકિત એ રાગની પર્યાય છે, શુદ્ધ સમકિત છે જ નહીં. એ તો આરોપથી (સમકિત) છે નિશ્ચય વીતરાગી પર્યાય તે નિશ્ચય સમકિત, અને શ્રદ્ધાનો વિકલ્પ-રાગ તે વ્યવહાર સમકિત છે.
‘इति’ આ રીતે ‘चिरम् नवतत्त्वच्छन्नम् इदम् आत्मज्योतिः’ અનાદિકાળથી નવતત્ત્વમાં છુપાયેલી આ આત્મજ્યોતિ -જોયું? નવના ભેદની રુચિમાં આખો જ્ઞાયકભાવ ચૈતન્યજ્યોતિસ્વરૂપ અનંતકાળથી ઢંકાઈ ગયો છે. પર્યાયબુદ્ધિ વડે જેને પર્યાયની જ હયાતીનો સ્વીકાર છે એને નિજ ત્રિકાળી શુદ્ધાત્માનો નકાર છે, તેને શુદ્ધાત્મા અનાદિથી